અરબ સાગરમાં ઉદ્ભવેલું બિપરજોય વાવાઝોડું પોતાની પૂરી તાકાતથી આગળ વધી રહ્યું છે. પહેલાં આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની શક્યતા હતી, પરંતુ હવે આ વાવાઝોડું પાકિસ્તાન તેમજ ગુજરાતના દરિયા તરફ વધી રહ્યું છે. વાવાઝોડાંના પગલે દરિયો વધુ ને વધુ તોફાની થઈ રહ્યો છે. ગુજરાત પર આ વાવાઝોડાંના ત્રાટકવાની ભીતિ સેવાઈ રહી છે. વાવાઝોડાંની અગમચેતીને પગલે સરકારે આખા તંત્રને હાઈ એલર્ટ પર મૂક્યું છે.
હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાંની સ્થિતિની પળેપળની માહીતી સીધી મુખ્યમંત્રી ઓફિસ સુધી પહોંચાડવામાં આવી રહી છે. સરકારે દરિયાકિનારાના વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમોને તહેનાત કરી દીધી છે. દરિયાકિનારા તરફ જતાં બધાં રસ્તાઓ બંધ કરી દીધા છે. લોકોને બીચ પર જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. હવામાન વિભાગે અધિકારીઓને કોઈપણ સંજોગોમાં કચેરી ન છોડવા આદેશ આપ્યો છે.
બિપરજોય વાવાઝોડું હાલ દક્ષિણ-પશ્ચિમ પોરબંદરથી ૫૧૦ કિમી દૂર છે. આ વાવાઝોડું હાલ દક્ષિણ પશ્ચિમ દ્વારકાથી ૫૬૦ કિમી તથા દક્ષિણ નલિયાથી ૬૫૦ કિમી દૂર છે. હાલ આ વાવાઝોડાંનો માર્ગ ગુજરાત તરફનો દેખાઈ રહ્યો છે. વાવાઝોડાંને પગલે ગુજરાતના બધાં બંદરો પર દરિયો પોતાની પૂરી તાકાતથી મોજા ઊછાળી રહ્યો છે. દરિયો વધુ ને વધુ તોફાની બની રહ્યો છે, જેને પગલે હવામાન વિભાગે બે નંબરનું ભયજનક સિગ્નલ લગાવ્યું છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વાવાઝોડું આજથી પ્રચંડ રૂપ ધારણ કરવાનું છે. આ વાવાઝોડાંનો માર્ગ ગુજરાતના દરિયાકિનારા તરફનો હોવાથી દરિયાકિનારાના વિસ્તારો પ્રભાવિત થવાની શક્યતા છે. આજે દરિયાકિનારાના પદેશોમાં ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને વરસાદ થવાની શક્યતા છે. વાવાઝોડાંને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આગામી ૪ દિવસ સુધી ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દ્વારકા, ઓખા, નલિયા, માંડવી, ગીરસોમનાથ વગેરે બંદરો પર ભયજનક સિગ્નલ લગાવાયું છે. મોટાંભાગના ફરવાલાયક બીચ સહેલાણીઓ માટે બંધ કરી દેવાયા છે. ગીરનારનો રોપ-વે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. માછીમારોને કોઈપણ સંજોગોમાં દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
એક નજર જિલ્લાવાર તાપમાનના આંકડા પર
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ, આણંદ, ખેડા અને અમરેલી જિલ્લાનું તાપમાન ૪૩ ડીગ્રી રહેશે. જો ભેજની વાત કરીએ તો આજે અમરેલી જિલ્લામાં ૫૩% જેટલો ભેજ નોંધાઈ શકે છે. આજે અરવલ્લી, ભરુચ, છોટાઉદેપુર, ગાંધીનગર, કચ્છ, મહિસાગર, મોરબી, પંચમહાલ, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરા જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૨ ડીગ્રી રહેવાની શક્યતા છે.
આજે બનાસકાંઠા, દાહોદ,પાટણ અને રાજકોટ જિલ્લાનું તાપમાન ૪૧ ડીગ્રી રહેવાની શક્યતા છે, જ્યારે ડાંગ, જૂનાગઢ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ૪૦ ડીગ્રી જેટલું તાપમાન રહેવાની શક્યતા છે. આજે સુરત અને નર્મદામાં ૩૮ ડીગ્રી, જ્યારે ભાવનગર અને ગીર સોમનાથમાં ૩૯ ડીગ્રી જેટલું તાપમાન રહેશે.
આજે જામનગર અને વલસાડ જિલ્લામાં ૩૭ ડીગ્રી અને પોરબંદર જિલ્લામાં ૩૬ ડીગ્રી જેટલું તાપમાન રહેવાની શક્યતા દર્શાવાઈ છે. જો ભેજની વાત કરીએ તો આજે પોરબંદર જિલ્લાની હવામાં ૫૩% જેટલો ભેજ નોંધાઈ શકે છે. વાવાઝોડાંના આગમનને પગલે ગુજરાતની હવામાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે લોકો અસહ્ય બફારો અને ઉકળાટનો સામનો કરી રહ્યાં છે.