વટ સાવિત્રી વ્રત જેઠ માસના સુદ પક્ષની પૂનમના દિવસે રાખવામાં આવે છે. આ વર્ષે વટ સાવિત્રીનું વ્રત 14 જૂન 2022 ના રોજ રાખવામાં આવશે. વટ સાવિત્રીનું વ્રત પરિણીત મહિલાઓ રાખે છે. આ દિવસે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. એવું માનવામાં આવે છે કે પૌરાણિક સમયમાં સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજ પાસેથી પાછા લાવવા માટે આ વ્રત રાખ્યું હતું. ત્યારથી તમામ પરિણીત મહિલાઓ આ વ્રત રાખે છે.
મહિલાઓ આ દિવસે વટવૃક્ષ (વડનું ઝાડ) ની પૂજા, પ્રદક્ષિણા કરીને પતિના જીવનમાં આવતી સમસ્યાઓ દૂર કરવા માટે પ્રાર્થના કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, વટવૃક્ષ નીચે બેસીને પૂજા કરવાથી અને તેને સુતરનો દોરો બાંધવાથી પતિનું આયુષ્ય લાંબુ થાય છે અને દરેક મનોકામના પૂરી થાય છે. કારણ કે આ વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓ નિવાસ કરે છે. તેથી આ વૃક્ષની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.
વટ સાવિત્રીના વ્રત દરમિયાન મહિલાઓએ કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે. એવું માનવામાં આવે છે કે જે પણ મહિલા વટ સાવિત્રીનું વ્રત રાખે છે તેમણે આ નિયમોનું પાલન કરવું જોઈએ. ચાલો જાણીએ આ નિયમો વિશે.
વટ સાવિત્રી વ્રત સંબંધિત કેટલાક ખાસ નિયમો :
વટ સાવિત્રીનું વ્રત કરતી સ્ત્રીએ ભૂલથી પણ આ દિવસે વાદળી, કાળા કે સફેદ વસ્ત્રો ન પહેરવા જોઈએ.
મહિલાઓએ આ દિવસે કાળી, સફેદ કે વાદળી બંગડીઓ ન પહેરવી જોઈએ.
એવું માનવામાં આવે છે કે જે મહિલા પ્રથમ વખત આ વ્રત કરી રહી છે તેણે આ વ્રતની શરૂઆત પોતાના પિયરથી કરવી જોઈએ.
એવું કહેવામાં આવે છે કે જે મહિલાઓ પ્રથમ વખત આ વ્રત કરી રહી છે તેઓએ સુહાગની સામગ્રી પોતાના પિયર તરફની જ વાપરવી જોઈએ.
વટ સાવિત્રી વ્રત બે રીતે રાખી શકાય છે :
વટ સાવિત્રી વ્રત એ ત્રીજ અને કરવાચોથના વ્રત સમાન હોય છે. એવું માનવામાં આવે છે કે તમે તેને બે રીતે કરી શકો છો. તેની પહેલી એ રીત છે કે તમે ફળ ખાઈને પણ આ વ્રત કરી શકો છો, એટલે કે પૂજા પછી ફળનું સેવન કરી શકો છો.
જ્યારે બીજી રીત એ છે કે, તમે પૂજા પછી વડના ઝાડને અર્પણ કરવામાં આવેલી તમામ વસ્તુઓનું સેવન કરી શકો છો. એટલે કે, તમે અન્ન ખાઈ શકો છો.
એક વાતનું ધ્યાન રાખો કે જો તમે પૂજા પછી અન્નનું સેવન કરો છો તો તે સાત્વિક હોવું જોઈએ એટલે કે તેમાં ડુંગળી, લસણનો ઉપયોગ ન કરવો જોઈએ.
પૂજા વિધિ :
આ પવિત્ર દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે કરી નિવૃત થઇ જાવ.
ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો.
આ પવિત્ર દિવસે વટ વૃક્ષની પૂજાનું વિશેષ મહત્વ છે.
વટવૃક્ષ નીચે સાવિત્રી અને સત્યવાનની મૂર્તિઓ મૂકો.
આ પછી મૂર્તિ અને વૃક્ષને જળ અર્પણ કરો.
આ પછી પૂજાની તમામ સામગ્રી અર્પણ કરો.
સાત વાર પ્રદક્ષિણા કરો અને પ્રદક્ષિણા કરતી વખતે લાલ સુતરનો દોરો ઝાડ સાથે બાંધો.
આ દિવસે વ્રત કથા પણ સાંભળો.
આ દિવસે ભગવાનનું વધુ ને વધુ ધ્યાન કરો.