શહેરમાં ઠંડીનું પ્રમાણ ક્રમશઃ ઘટી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. શનિવારે વધુ 0.6 ડિગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી પહોંચી જતા બપોરે ગરમી અને રાત્રે હળવી ઠંડી અનુભવાઇ હતી. સતત બીજા દિવસે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું. બે દિવસ વાતાવરણ સામાન્ય રહેશે ત્યારબાદ ઠંડીનું પ્રમાણ વધશે.
28 ડિસેમ્બર પછી કડકડતી ઠંડીનો રાઉન્ડ આવી શકે છે. જાન્યુઆરી મહિનામાં કાતિલ ઠંડી પડશે. ચાલુ સિઝનમાં સૌથી વધુ ઠંડી 14 ડિગ્રી સુધી નોંધાઇ હતી. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, શનિવારે શહેરનું મહત્તમ તાપમાન 28.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 90 ટકા અને સાંજે 55 ટકા રહ્યું હતું.
ઉત્તર દિશાથી 4 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા. 28 ડિસેમ્બર પછી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આંશિક વાદળછાયું વાતાવરણ સાથે કેટલાક વિસ્તારોમાં અતિહળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, સુરત શહેરમાં માવઠું પડવાની સંભાવના નહિંવત છે.
- બે દિવસમાં લઘુત્તમ તાપમાન ૩ ડિગ્રી વધી 17 થયું
- સતત બીજા દિવસે પણ ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ