ગુજરાતમાં વરસાદ ખેંચાતા દુષ્કાળના ડાકલા વાગી રહ્યાં છે. વરસાદ નહીં થતાં ખેડૂતોની હાલત કફોડી થઈ છે. સરકારે પણ આ સ્થિતિમાં ખેડૂતોને પાણી કેવી રીતે આપવું તેની તૈયારી કરી છે. બીજી તરફ અમદાવાદ સહિતના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. હાલમાં બંગાળની ખાડીમાં સક્રીય થયેલા લો-પ્રેશરની અસરોથી સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા દરમિયાન વરસાદી ઝાપટાથી લઇને 1થી 3 ઇંચ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
બીજી તરફ રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ચાર દિવસમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે.
સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે
રાજ્યમાં 31મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે. પહેલી સપ્ટેમ્બરના રોજ રાજ્યના ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ 3 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.
હાલ રાજ્યમાં વરસાદની તીવ્રતા ઘટી છે
હાલ રાજ્યમાં વરસાદની તીવ્રતા ઘટી છે. રવિવારે સવારે 6 વાગ્યે સમાપ્ત થયેલા ચોવીસ કલાકમાં વરસાદ પડતા તાલુકાઓમાં સાબરકાંઠા જિલ્લાના પોસીનામાં 24 મીમી (આશરે એક ઇંચ) વરસાદ નોંધાયો હતો. આ સિવાય સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં 18 મીમી, અમરેલી જિલ્લાના રાજુલામાં 15 મીમી, ખંભાતામાં 14 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અરવલ્લીના બાયડ, સુરેન્દ્રનગરની લીબંડી, વલસાડના કપરાડા અને સુરતના મહુવામાં 12-12 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે 13 જિલ્લામાં એક મીમીથી આઠ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં ચોમાસાની સિઝન પુરી થવામાં હવે માંડ એકથી દોઢ મહિનાનો સમય બાકી રહ્યો છે. જૂનમાં 120 મિમી, જુલાઈમાં 177 મિમી અને ઓગસ્ટમાં 54 મિમી મળીને કુલ 352 મિમી વરસાદ થયો છે. ગુજરાતમાં થતાં 840 મિમી વરસાદની સામે માંડ 42 ટકા જેટલો વરસાદ થયો છે. હવે ચોમાસામા બાકી રહેતા દિવસોમાં ઘટ જેટલો વરસાદ પડવો જરૂરી છે.
નહીંતર રાજ્યમાં દુષ્કાળના ડાકલા વાગશે. હાલની સ્થિતિએ રાજ્યના 12 જિલ્લા એવા છે જ્યાં ખેતીની સિંચાઈ માટે પાણી આપવા તો ઠીક પરંતુ પીવાના પાણીના પણ ફાંફાં થાય તેવી સંભાવના પણ નકારી શકાય એવી નથી. બીજી બાજુ ડેમોમાં પાણી ઓછું હોવાના કારણે ખેતીના પાકને પણ ભારે નુકસાન થવાની ભિતી છે
ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 14 ટકા વરસાદ નોંધાયો છે, આમ સમગ્ર ચોમાસાની સિઝનના કુલ એવરેજ વરસાદની સરખામણીએ હજુ 58 ટકા વરસાદની ઘટ છે. મહત્વનું છે કે, છેલ્લા બે વર્ષથી ઓગસ્ટ માસમાં ધોધમાર વરસાદ વરસવાનો સિલસિલો આ વર્ષે જળવાયો નથી.
આ વખતે ઓગસ્ટના 28 દિવસમાં માત્ર ૨ ઈંચ જ વરસાદ વરસ્યો છે જેની સામે ગત વર્ષે 22 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વર્ષ-2019માં પણ 17.29 ઈંચ જેટલો વરસાદ માત્ર ઓગસ્ટ માસમાં જ વરસ્યો હતો. આમ છેલ્લા પાંચ વર્ષમાં આ વર્ષે ઓગસ્ટ માસનો સૌથી ઓછો વરસાદ નોધાયો છે.
ગત વર્ષ અત્યાર સુધીમાં એટલે કે, 28 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સરેરાશ 36 ઈંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો હતો. જેમાં 76 તાલુકા તો એવા હતા જ્યાં 50 ઈંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો હતો. વર્ષ-2019માં પણ અત્યાર સુધીમાં 31 ઈંચ જેટલો એટલે કે, 93.54 ટકા જેટલો વરસાદ થઈ ગયો હતો અને 53 તાલુકા એવા હતા કે જ્યાં 50 ઈંચ કરતાં વધુ વરસાદ થયો હતો. જોકે આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યના માત્ર 13 તાલુકામાં 50 ઈંચ કરતાં વધુ વરસાદ થયો છે. 2 તાલુકા તો એવા છે કે જ્યાં 2 થી ત્રણ ઈંચ જેટલો જ વરસાદ થયો છે.