ગુજરાતમાં એક તરફ સતત વરસાદ ખેંચાઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં વરસાદની ઘટ હજુ પણ યથાવત છે. એક તરફ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ ખેચાતા ડેમોની તળિયાઝાટક સપાટી થઈ ગઈ છે. જેના પરિણામે જગતનો તાત ચિંતિત બન્યો છે. ત્યાં જ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતિએ જણાવ્યું છે કે, રાજ્યમાં ભારે વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. પરંતુ આ દરમિયાન 30 અને 31 ઓગસ્ટે વરસાદની આગાહી છે. જોકે આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે
જણાવી દઇએ કે, રાજ્યમાં હજુ પણ 48% વરસાદની ઘટ છે. ગુજરાતમાં ચોમાસુ નબળું રહેવાની સંભાવના છે. કારણ કે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ થાય છે. પરંતુ ચાલુ વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં જ વરસાદ ખૂબ ઓછો થયો છે. ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 538mm થવો જોઈએ. પરંતુ માત્ર 285mm વરસાદ થયો છે. એટલે કે 47 ટકા વરસાદની ઘટ છે.
જોકે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતિ અનુસાર, રાજ્યમાં ભારે વરસાદ માટે રાહ જોવી પડશે. 30 અને 31 ઓગસ્ટએ વરસાદ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં 30 અને 31 ઓગસ્ટએ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં વરસાદ ખેંચાતા રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઇ છે અને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઇ હતી. જેમા વરસાદના ગંભીર પ્રશ્નને લઇ સામે આવતી પરિસ્થિતિ પર ચર્ચા થઇ હતી. આ મામલે રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણી મુદ્દે મંત્રીઓને જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે. કૃષિ મંત્રી, શિક્ષણમંત્રી, પાણી પુરવઠા મંત્રીને જવાબદારી સોંપાઇ છે.
જણાવી દઇએ કે, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થાય તો ગુજરાતમાં સારો વરસાદ થાય છે. જોકે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયા બાદ મધ્યપ્રદેશ અને ત્યાર બાદ ઉત્તર ભારત તરફ આગળ વધ્યું જેના કારણે ગુજરાતમાં વરસાદની ઘટ રહી છે.