વરસાદી માહોલ વચ્ચે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં બુધવારે પરોઢથી શરૂ થયેલા કમોસમી વરસાદના કારણે ટાઢોડું ફરી વળ્યું છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસો સુધી હજી વરસાદની આગાહી વચ્ચે આ શીત લહેર લોકોને કાતિલ ઠંડીથી પરેશાન કરશે.આમ બુધવાર પડેલા કમોસમી વરસાદ બાદ અમદાવાદનું લધુત્તમ તાપમાન 14.3 ડિગ્રી નોધાયું હતું. જ્યારે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી નોધાયું હતું.
અમદાવાદ સહિત રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર અમદાવાદમાં મંગળવારે મોડી રાતથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે બુધવારે પરોઢથી જ ઠેર ઠેર ઝરમર વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી.જે સતત બીજા દિવસે એટલે કે, ગુરુવારે સવારે પણ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડ્યાં હતાં.
ગુજરાતમાં હજુ ત્રણ દિવસ રહી શકે છે કમોસમી વરસાદ
બુધવારે સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયેલું હોતાં તડકો નીકળ્યો નથી અને તે જ કારણે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ટાઢોડું ફરી વળ્યું હતું. બીજી તરફ વરસાદી માહોલમાં ભેજના કારણે ઠંડી હવા પણ લોકોને ઠુંઠવી રહી છે. બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેતા અને તડકો ન નીકળતા રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હજુ સુધી આ કાળા વરસાદી માહોલ આગામી ત્રણ દિવસો સુધી યથાવત રહેશે