વલસાડ તાલુકાના વાંકલ ગામમાં પ્રાણીઓમાં સૌથી વધુ સમજદાર અને વફાદાર ગણાતા શ્વાનની એક અનોખી ઘટના સામે આવી છે. વાંકલના લવકર ફળિયામાં આવેલા અંબાજી મંદિરમાં દરરોજ રાત્રે થતી માતાજીની આરતીમાં, મંદિરથી 400 મીટર દૂર રહેતા ખેડૂતનો પાળેલો શ્વાન અચૂક હાજરી આપે છે, એટલું જ નહીં તો આરતીમાં જોડાયેલા ભક્તોની તાળીઓ સાથે રીતસર તાલ મેળવીને તે સૌના આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે.
વલસાડ તાલુકાના છેવાડાના વાંકલ ગામના લવકર ફળિયામાં એક શ્વાનની મા અંબે પ્રત્યેની ભક્તિ અને શ્રાદ્ધા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ગામમાં આવેલા મા અંબાજી મંદિરમાં દરરોજ રાત્રે 8.00 કલાકે આરતી થાય છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં આરતી બાદ સ્થાનિકો દ્વારા ભજન-કીર્તન કરવામાં આવી રહ્યા છે. જેમાં અનેક શ્રદ્ધાળુઓ ભાગ લઇ રહ્યા છે, જે સામાન્ય બાબત છે, પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે, શ્રાદ્ધાળુઓની સાથે એક શ્વાન આરતી અને ભજન-કીર્તનના કાર્યક્રમમાં રોજ અચૂક હાજરી આપી રહ્યો છે.
ગામના અન્ય ફળિયામાં રહેતા જગુભાઇ નામન ખેડૂતના ઘરે પાળવામાં આવેલો શ્વાન રોજ 400 મીટરનું અંતર કાપીને આરતી તથા ભજન-કીર્તનમાં અચૂક હાજરી આપે છે. આરતીના સમયે મંદિરના પગથિયાં પર ચઢી જાય છે. આરતીનો પ્રારંભ થતાં જ રંગમાં આવી જતો આ શ્વાન, ઘંટનાદ વચ્ચે ભક્તોની તાળીઓ સાથે તાલ મિલાવતો હોય, તેમ મોંથી ક્યારેક શંખ જેવો કોય ક્યારેક વાંસળી જેવો અવાજ કાઢે છે.
આરતી પૂર્ણ થયા બાદ ભજન-કીર્તન દરમિયાન પણ કીર્તનમાં બેઠેલા શ્રાદ્ધાળુઓની વચ્ચે પહોંચીને, તેઓના સૂરમાં સૂર મિલાવે છે. શ્વાનને મંદિરમાં આકાશ તરફ મોં રાખીને સૂરમાં અવાજ કાઢતો જોઇને શ્રાદ્ધાળુઓ ભાવવિભોર બની રહ્યા છે.