આપણામાંથી ઘણાં લોકો બેંકનું ક્રેડિટ કાર્ડ વાપરતાં હોય છે. પણ ઘણાં લોકો એમાં છૂપાયેલાં લાભોથી અજાણ હોય છે. જ્યારે તમે કોઈપણ બેંકનું ક્રેડિટ કાર્ડ લો છો ત્યારે તમને તેની સાથે કેટલાંક વીમા કવરેજ પણ મળતાં હોય છે. આ વીમા કવરેજ ક્રેડિટ કાર્ડની સાથે થયેલી છેતરપિંડી કે ખોવાઈ જવા પર મળે છે. દરેક બેંકમાં આ વીમા કવરેજ જુદું જુદું હોય છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પોતાના ક્રેડિટ કાર્ડ પર રૂપિયા ૧ લાખથી લઈને રૂપિયા ૨ લાખ સુધીનું વીમા કવરેજ આપે છે. જાણો તમારા ક્રેડિટ કાર્ડ પર તમને કયું કયું વીમા કવરેજ મળી શકે છે.
પરચેઝ પ્રોટેક્શન
આ વીમા કવરેજ અનુસાર જો તમે તમારા ક્રેડિટ કાર્ડથી કોઈપણ ચીજવસ્તુની ખરીદી કરો છો અને તે ખરીદાયેલ વસ્તુ ખોવાઈ જાય, ચોરી થઈ જાય કે પછી તેને કોઈ નુકસાન થાય તો તમારી બેંક તમને આ વીમા કવરેજ પૂરું પાડે છે. એટલે કે તમારે જે તે ચીજવસ્તુ માટે એક નિશ્ચિત મર્યાદામાં રકમ ચૂકવવાથી રાહત મળે છે.
ટ્રાવેલ વીમા કવરેજ
આ વીમા કવરેજ પ્રમાણે જો તમે તમારા ક્રેડિટ કાર્ડથી પ્રવાસ માટે કોઈ બસ, ટ્રેન કે એરો પ્લેન બુક કરો છો અને અગમ્ય કારણોસર જેવા કે મેડિકલ ઇમરજન્સી કે સામાન ચોરી થઈ જવા પર બુક કરેલી ટિકિટ કેન્સલ કરવાની થાય તો બેંક તમને આ વીમા કવરેજ પૂરું પાડે છે. તમારે એક નિશ્ચિત મર્યાદામાં ટિકિટના રૂપિયા ચૂકવવામાંથી રાહત મળે છે.
રેન્ટલ કાર વીમા કવરેજ
આજ કાલ લોકો ઓછા સમયના પ્રવાસ માટે કાર ભાડે રાખવાનું વધુ પસંદ કરે છે. કાર ભાડે આપતી ઘણી કંપનીઓ રેન્ટલ કાર ઈન્શ્યોરન્સ આપતી હોય છે પણ એ ઘણું મોંઘું હોય છે. આજકાલ ઘણી બેંકો પણ તેમના ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ પર આ વીમા કવરેજ આપે છે. આ વીમા કવરેજ અનુસાર તમે ભાડે રાખેલી કોઈ કારને અકસ્માત નડે કે કોઈ બીજા કારણોસર નુકસાન થાય અને જો તમે કારનું ભાડું ક્રેડિટ કાર્ડથી ચૂકવેલ હોય તો બેંક તમને નિશ્ચિત મર્યાદામાં તે નુકસાનીની રકમ ભરપાઈ કરવામાંથી રાહત આપે છે.
કિંમત સામે રક્ષણ વીમા કવરેજ
આ વીમા કવરેજ અનુસાર જો તમે તમારા ક્રેડિટ કાર્ડની મદદથી કોઈ કીમતી ચીજવસ્તુની ખરીદી કરો છો પરંતુ નક્કી કરેલા સમયગાળા દરમિયાન તે વસ્તુની કિંમત અચાનક ઘટી જાય તો બેંક તમને તમારા ક્રેડિટ કાર્ડ પર આ વીમા કવરેજ પૂરું પાડે છે. આવા કિસ્સામાં બેંક પોતે તમારી ખરીદી કરેલી ચીજવસ્તુની કેટલીક નિશ્ચિત મર્યાદામાં ભરપાઈ કરે છે. દા.ત. તમે એક વસ્તુ ખરીદી હોય જેની કિંમત ૧૦૦,૦૦૦ રૂપિયા હોય અને દસ દિવસની અંદર તેની કિંમત ઘટીને ૬૦,૦૦૦ રૂપિયા થઈ જાય તો તમારે બેંકમાં એક લાખ રૂપિયા ભરવા નહિ પડે. બેંક તમને નિશ્ચિત મર્યાદામાં કેટલીક રાહત આપશે.
એક્સટેન્ડેડ વોરંટી વીમા કવરેજ
આ વીમા કવરેજ અનુસાર ઘણા ક્રેડિટ કાર્ડ ધારકોને તેમના દ્વારા ખરીદાયેલી વસ્તુ પર યોગ્ય વોરંટીને
લંબાવામાં આવે છે. કેટલીક બેંકો આ પ્રકારના પણ વીમા કવરેજ આપતી હોય છે.
ફ્રોડ પ્રોટેક્શન
આ વીમા કવરેજ મોટાભાગની બેંકો પોતાના ક્રેડિટ કાર્ડ ધારકોને આપતી હોય છે. જો કોઈ અનધિકૃત વ્યક્તિ તમારું ક્રેડિટ કાર્ડ ચોરી કરીને અથવા તેના ડેટા ચોરીને તે કાર્ડથી કોઈ ટ્રાન્જેક્શન કરે છે તો બેંક તમને આવા ફ્રોડ અને છેતરપિંડી સામે રક્ષણ પૂરું પાડે છે.
વીમા કવરેજનો લાભ લેવા શું ધ્યાન રાખવું
તમારા ક્રેડિટ કાર્ડ સાથે કોઈપણ નુકસાન થાય, ચોરી, ફ્રોડ કે છેતરપિંડી વગેરેના કિસ્સામાં તમારે FIR નોંધાવી ફરજિયાત છે. તમારે તમારા દ્વારા નોંધાયેલ FIR ની કોપિ અને છેતરપિંડીના પુરાવા સાથે ૪૫ દિવસની અંદર બેંકમાં ફરિયાદ નોંધાવી પડશે. બેંક તમારા દ્વારા રજુ કરવામાં આવેલાં પુરાવાઓને ચકાસશે અને ક્રેડિટ કાર્ડના પ્રકારના આધારે તમને વીમા કવરેજનું રક્ષણ આપશે.