સ્વર્ગલોકથી ફોન કરી ભક્ત નરસિંહ મહેતાએ અવળચંડાને ખખડાવ્યો

સ્વર્ગલોકથી ફોન કરી ભક્ત નરસિંહ મહેતાએ અવળચંડાને ખખડાવ્યો

રાત્રે ખીચડી ખાઈને મોબાઈલ બાજુ પર રાખી અમે પડખાં ફેરવી રહ્યા હતા. જોતજોતામાં ક્યારે આંખ લાગી ગઈ તેની ખબર જ ન પડી. પણ, અચાનક અમારો મોબાઈલ ફોન કૈંક વિચિત્ર રીતે ધણધણવા લાગ્યો. આજ સુધી કદી સાંભળી ન હોય તેવી ઘંટડી વાગતી હતી.

ઊંઘરેટી આંખે અમે ફોન ઉપાડ્યો અને કહ્યું ‘હલ્લો… કોણ?’ સામેથી અવાજ આવ્યો ‘કોણ.. પુત્ર અવળચંડો બોલે છે?’ ‘જી આપ કોણ?’ ‘હું મહેતા બોલું’ ‘કોણ મહેતા?’ ‘નરસિંહ મહેતા..’ ’ક્યાંથી?’ ‘સ્વર્ગથી’ ‘શું યાર અડધી રાતે મજાક માંડી છે… કોણ બોલો છો?

સામેથી પ્રેમાળ અવાજ આવ્યો ‘ભગત.. મજાક તો તું કરે છે.’

‘અરે યાર આ શું માંડ્યું છે?’ મે અણગમો વ્યક્ત કર્યો.

‘ભાઈ, નરસિંહ મહેતા આ દુનિયાને ક્યારે અલવિદા કરી ગયા તેની તમને ખબર છે?’

સામેથી આશ્ચર્ય સાથે અવાજઃ ‘એલા તું તો નામ પ્રમાણે જ અવળચંડો છો. મારા જ મોતની મને ન ખબર હોય તેમ તારું કહેવું છે?’

હું અવઢવમાં પડી ગયો. સામેથી વાત કરનારા સાચેસાચ નરસિંહ મહેતા છે કે કેમ? તે કેવી રીતે ખબર પડે? મારા વિચાર તેમણે સાંભળી લીધા હોય તેમ ફરી અવાજ આવ્યો અને તેમની જ કવિતાની એક પંક્તિ તેમના જ મધુર સ્વરમાં કિરતાલના નાદે સંભળાવા લાગી ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરી.. જૂજવે રૂપે અનંત ભાસે’ માનો ને કે હું એક અલૌકિક દુનિયામાં વિહરતો હોઉં તેવું લાગ્યું. પણ અળવીતરૂં મન એમ હાર થોડી માને? મને હજુ શંકા તો થતી જ હતી. ત્યાં ફરી અવાજ આવ્યો. ‘ભગત તને ટેલિફોનની ઘંટડીમાં કૈં અલગ ન લાગ્યું?’ અને મને તુરંત જ લાઇટ થઈ કે, ‘હતી તો અલગ હોં’

સામેથી મીઠા હાસ્યનો રણકાર સંભળાયો.

ત્યારબાદ ફરી એ જ મીઠો મધુરો અવાજ ‘ભગત, તમારે ત્યાં તો ટેલિફોનના ડબલા હવે આવ્યાં, અહીં આંખ મીંચીને જેનું સ્મરણ કરો તેની સાથે રૂબરૂ સંવાદ થાય. અહીં લાખો વરસથી આ પ્રકારની દૂરસંચાર વ્યવસ્થા કાર્યરત છે. અમથું તો સ્વર્ગ નહીં કહેવાતું હોય ને? તમે કલ્પના પણ ના કરી શકો તેવા સાધનો અમારે માટે ઉપલબ્ધ છે’

હું તો અવાચક જ રહી ગયો. થોડી કળ વળી એટલે મેં પૂછ્યું ‘મહાકવિ મારા જેવા પામર જંતુને યાદ કરવાનું કારણ?’

‘હવે આવ્યો સીધા માર્ગે, તે આ શી માંડી છે?’

‘હું સમજ્યો નહીં પૂજ્ય કવિ’

‘પેલા કવિએ તારું શું બગાડ્યું છે?’

‘કયા કવિએ? અને કોઈનું બગાડે એ કવિ ન હોય, આપની કૈંક ગેરસમજ થતી લાગે છે’.

‘ઓલા કવિ બનવા તરફ ડગ માંડી રહેલા પત્રકારની વાત કરું છું..ભગત’

સ્વર્ગમાંથી ફોનના એક અચરજની હજુ તો કળ વળી ન્હોતી ત્યાં આપણી કટાર સ્વર્ગમાં વંચાયાની વાતે હું નર્વસ થઈ ગયો. હજુ તો વિચારોની વિમાસણમાં હતો તેવામાં સામેથી મહેતાજીનો અવાજ આવ્યો ‘વત્સ મેં તને અગાઉ પણ કહ્યું કે આ સ્વર્ગ છે. અહીં તમે જે ન વિચાર્યું હોય તે પણ થાય, માટે શંકા છોડી દે અને મારા પ્રશ્નનો ઉત્તર આપ’.

‘હે ભક્તરાજ, એ આર્ટિકલમાં એવું તે શું હતું કે આપે છેક સ્વર્ગથી ફોન કરવો પડ્યો?’

જવાબમાં સામો પ્રશ્ન.. ‘તને ખબર છે? અહીં સ્વર્ગમાં પત્રકારો અને કવિઓ સામસામે આવી ગયાં છે?’

‘મહારાજ… બહુ સરસ કહેવાય કે કવિઓ અને પત્રકારોને સ્વર્ગમાં જગ્યા મળે છે. હું પણ હવે કવિ બનવાનું વિચારું કે નહીં?’

‘અરે મારા વ્હાલા.. એમ સ્વર્ગ ન મળે. તમારી રચના લોકોને ત્રાસ આપનારી ન હોવી જોઈએ, લોકોને તેમાંથી કૈંક સારું શીખવા મળે તથા પ્રભુભક્તિ અને હરિગુણની વાતો હોવી જોઈએ’

‘એટલે બધા કવિઓ અને પત્રકારો સ્વર્ગમાં નથી એમ? (આપણે મનોમન રાજી પણ થયાં) પણ ભક્તરાજ એ તો કહો કે કવિઓ અને પત્રકારો વચ્ચે હું ક્યાં આવ્યો?’

મહેતા બોલ્યાંઃ ‘અરે, તને ખબર છે? અહીં સ્વર્ગમાં પત્રકારો અને કવિઓ વચ્ચે આ મુદ્દે રીતસર જંગ શરૂ થયો છે. હવે વાત એટલી વધી ગઈ છે કે આ મુદ્દે એક ડિબેટ રાખવામાં આવી છે. ઇન્દ્ર દેવે મારી લવાદ તરીકે નિમણૂક કરી છે. અલ્યા પેલો કવિ તો ઠીક પણ મે તારું શું બગાડ્યું છે? તને ખબર છે કે હું પણ કલમનો ઉપાસક છું. નરકમાં રહેલાં અનેક કવિઓની ભલામણ કરી કરી મેં તેમને સ્વર્ગમાં ટ્રાન્સફર કરાવ્યાં છે. આમાં ઘણા એવા કવિઓ છે જેમને તેમની રચના નહી સંભળાવવાની શરતે અજમાયશી ધોરણે અહીં મોકલાયાં છે. હવે તેઓ ચર્ચા કરશે અને કવિતાઓ સંભળાવશે તો ફરી મૂળ જગ્યાએ જશે. તેનું પાપ તને લાગશે. વત્સ… પત્રકાર, લેખક અને કવિઓ મૂળ તો કલમના ઉપાસક જ છે ને, કોઈ એકાદો આડો-અવળી લાઈને ચઢી જઈ કવિતા કરવા લાગે તો તને ક્યાં ચૂંક ઉપડી મારા ભઈ? પણ તે જે અવળચંડાઇ કરી છે ને તેને લીધે અહીં ઘમાસાણ મચી ગયું છે. ને તને ખબર છે? મારે કેટલી કવિતાઓ અને લેખો સાંભળવા પડશે?’ મેં બે હાથ જોડી કહ્યું ‘ભક્તરાજ, તમારા જેટલી સહનશીલતા મારામાં નથી. પણ આપની વાત સાંભળી ક્ષમા યાચું છું.’

ને ત્યાં ફોનની અસલ ઘંટડી રણકી. મનમાં થયું ગજબનું સપનું હતું!

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.