સુરતમાં લવ જેહાદના પહેલો કેસમાં ચકચાર: 51 વર્ષના અખ્તરે મુકેશ નામ ધારણ કરી 22 વર્ષની યુવતી સાથે લગ્ન કર્યા

નવા કાયદાના અમલીકરણ બાદ સુરત શહેરમાં લવ જેહાદનો પહેલો કેસ નોંધાતા ચકચાર મચી ગઇ છે. લિંબાયતના ૫૧ વર્ષના મો.અખ્તરે મુકેશ નામ ધારણ કરી દીકરીની વયની ૨૨ વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવી હિંદુ વિધિથી લગ્ન કરી લીધા હતા. આરોપીએ ડિંડોલીની પરપ્રાંતીય યુવતીને ૧ પુત્રની માતા પણ બનાવી દીધી હતી. ડિંડોલી પોલીસે નવા કાયદા અન્વયે ગુનો નોંધી આરોપી મો.અખ્તરની ધરપકડ કરી હતી.
મળતી વિગતો પ્રમાણે ડિંડોલીમાં રહેતી ૨૨ વર્ષીય દિવ્યા (નામ બદલ્યું છે) મૂળ બિહારની વતની છે. દિવ્યાએ વર્ષ ૨૦૧૯માં મુકેશ મહાવીર ગુપ્તા નામના વ્યક્તિ સાથે કડોદરા સ્થિત હનુમાન દાદાના મંદિરમાં હિંદુ વિધિથી લગ્ન કર્યા હતા. દિવ્યાથી વયમાં મોટો હોવા છતાં મુકેશે પોતે રેલવેમાં ટીસી તરીકે નોકરી કરતો હોવાની અને હજુ સુધી કુંવારો હોવાની વાતો કરી હતી. આ રીતે દિવ્યા અને તેના પરિવારને વિશ્વાસમાં લઇ મુકેશ લગ્ન કરી તેઓના ડિંડોલી સ્થિત ઘરે જ રહેતો હતો. રેલવેની નોકરી હોવાનું કહીં તે દર ૨-૩ દિવસે ઘરે આવતો હતો. મુકેશ થકી દિવ્યાને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર છે.
દરમિયાન ૩ માસ પહેલાં મુકેશ ગુપ્તા હિંદુ નહિ પણ મુસલમાન હોવાનો ભાંડો ફૂટી ગયો હતો. મુકેશનું સાચું નામ મો.અખ્તર મો.સમતઅલી શેખ અને તેની ઉંમર ૫૧ વર્ષ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. લિંબાયત-ખાનપુરા ખાતે છત્રપતિ શિવાજીનગરમાં રહેતા અખ્તરે ખોટું નામ ધારણ કરી દિવ્યાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી માતા બનાવી દીધી હતી.
છેતરપિંડી કરી લગ્ન કરવા બદલ દિવ્યાએ આખરે પોલીસનું શરણું લીધું હતું. હિંદુ જાગરણ મંચ-સુરત વિભાગના મહામંત્રી મનિષ પટેલ સાથે તેણીએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે છેતરપિંડી, ધાક-ધમકી, અત્યાચાર, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા)ની કલમ અંતર્ગત ગુનો દાખલ કરી આરોપી મો.અખ્તર મો.સમતઅલી શેખની ધરપકડ કરી હતી.