કોઇપણ સ્ત્રીનાં જ્યારે લગ્ન થાય ત્યારે તે સુહાગન સ્ત્રી પાસે હંમેશાં તેના સેંથામાં સિંદૂર હોય તેવી અપેક્ષા વડીલો રાખતા હોય છે. ખાસ કરીને ઘરની વડીલ સ્ત્રી નવી આવેલી વહુના માથામાં સિંદૂર ન જુએ તો તરત તેને ટોકીને માંગ ભરી આવવાનું કહે છે. જોકે હવેના સમયે સ્ત્રીઓ ભાગ્યે જ રોજે સેંથો પૂરતી હોય છે, પણ પહેલાંના સમયમાં તો સ્ત્રીઓના માથેથી સિંદૂર ક્યારેય ભૂંસાતુ નહોતું, પહેલાં પરિણીત સ્ત્રીઓના શણગારમાં પહેલો ક્રમાંક તેનો રહેતો અને કેમ ન રહે, હિન્દુ ધર્મમાં સિંદૂરને ભાગ્યનું પ્રતીક માનવામાં આવ્યું છે. પરણેલી મહિલાઓ માટે સિંદૂર ખૂબ જ મહત્ત્વના શણગારમાંનું એક છે. સિંદૂરને અખંડ સૌભાગ્યવતી હોવાની નિશાની માનવામાં આવે કહેવામાં આવે છે. સેંથામાં સિંદૂર ભરવાથી પતિની ઉંમર વધે છે અને સ્ત્રીના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે, પરંતુ શું તમે જાણો છો કે સિંદૂર લગાવવાની પ્રથા ક્યાંથી આવી? તો આવો આપણે જાણીએ કે મહિલાઓ સિંદૂર કેમ લગાવે છે. તેના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ વિશે માહિતી મેળવીએ.
ધાર્મિક મહત્ત્વ
સિંદૂર લગાવવાની પ્રથા હિન્દુ ધર્મમાં લાંબા સમયથી ચાલતી આવે છે. હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથ રામાયણ મુજબ, સીતા માતા રોજ સિંદૂર માથા પર લગાવતાં હતાં. એકવાર હનુમાનજીએ સીતા માતાને પૂછયું કે, તમે સિંદૂર કેમ લગાવો છો? તો તેમણે કહ્યું કે, આનાથી ભગવાન રામ પ્રસન્ન થાય છે. પ્રસન્ન થવાથી શરીર સ્વસ્થ રહે છે અને સ્વસ્થ્ય રહેવાથી વ્યક્તિની ઉંમર પણ વધે છે.
લોકમાન્યતા
જો પત્નીએ સિંદૂર લગાવેલું હશે તો તેના પતિનું અકાળે મૃત્યુ થતું નથી. સિંદૂર તેના પતિને સંકટથી બચાવે છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિ અને દિવાળી જેવા મહત્ત્વના તહેવારોના દિવસે પતિ દ્વારા પત્નીના સેંથામાં સિંદૂર લગાવવાને અત્યંત શુભ માનવામાં આવે છે. પતિ-પત્ની વચ્ચે હંમેશાં ગાઢ પ્રેમ રહે છે ને વફાદારીભર્યો સંબંધ બની રહેશે.
સામુદ્રિક શાસ્ત્ર મુજબ
દુર્ભાગ્યશાળી સ્ત્રીના દોષ નિવારણ માટે સિંદૂર ભરવાની સલાહ આપવામાં આવે છે. આનાથી સ્ત્રીની સુંદરતામાં પણ વધારો થાય છે.
પુરાણોની કથા મુજબ
સિંદૂરના લાલ રંગથી માતા સતી અને પાર્વતી માતાની ઊર્જા વ્યક્ત કરવામાં આવી છે તથા એમ પણ કહેવાય છે કે સિંદૂર લગાવવાથી માતા પાર્વતી અખંડ સૌભાગ્યવતી થવાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
સુખ-શાંતિ માટે
સિંદૂરને માતા લક્ષ્મીના સન્માનનું પ્રતીક પણ માનવામાં આવે છે. લક્ષ્મી માતાની પૂજામાં પણ સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે. પુરાણો મુજબ, લક્ષ્મી માતા પૃથ્વી પર પાંચ સ્થાનોએ રહે છે. જેમાં પહેલું સ્થાન સ્ત્રીનું માથું છે, જ્યાં તે સિંદૂર લગાવે છે. તેનાથી ઘરમાં હંમેશાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. માટે જ મહિલાઓને દેવી માનવામાં આવે છે.
વૈજ્ઞાનિક કારણ
પુરુષોની સરખામણીમાં મહિલાઓનું આ સ્થાન વધારે સંવેદનશીલ અને કોમળ હોય છે. સિંદૂરમાં પારો હોય છે. જેને શરીર પર લગાવવાથી વિદ્યુત ઊર્જા કંટ્રોલ થાય છે. તેનાથી નકારાત્મક શક્તિ દૂર રહે છે. સિંદૂર લગાવવાથી માથામાં દુખાવો, અનિદ્રા અને મગજને લગતા રોગ પણ દૂર થાય છે.