સ્ટેપ અપ SIPમાં દર મહીને માત્ર ૨૫૦૦ રૂપિયાના રોકાણથી લાંબા ગાળે કરોડપતિ બનો

Posted by

ઘણાં લોકો પોતાની પાસે પડેલાં રૂપિયાને ક્યાંકને ક્યાંક રોકાણ કરવા માટે નીતનવા રસ્તા શોધતા રહે છે, જેથી તેમને સારું એવું રીટર્ન મળી રહે. જો તમે પોસ્ટ ઓફિસની કોઈ સ્કીમમાં રોકાણ કરશો તો તમારું રોકાણનું રિસ્ક શૂન્ય તો હશે પરંતુ કેટલીક મર્યાદાથી વધુ રીટર્ન નહીં મળે. જો તમારે વધારે રીટર્ન મેળવવું હોય તો શેરબજાર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું પડે. જે લોકોને શેરબજારમાં ગતાગમ ન પડતી હોય તે લોકો માટે મ્યુચ્યુઅલ ફંડ બેસ્ટ ઓપ્શન છે.

શું હોય છે મ્યુચ્યુઅલ ફંડ

જો તમારે અદાણી કે અંબાણીની કંપનીનો કોઈ એક શેર ખરીદવો હોય તો તમે માત્ર ૨૫૦૦ રૂપિયામાં તે શેર ખરીદી નહિ શકો. પણ જો તમારા જેવા ૧૦૦ લોકો ભેગા થઈને તે શેર ખરીદવા ધારે તો તે શેર જરૂરથી ખરીદી શકાય અને તે શેરમાં થયેલું પ્રોફિટ કે લોસની અસર તમારા રોકેલા રૂપિયા પર થવા લાગે. મ્યુચ્યુઅલ ફંડ આ જ સિસ્ટમ પર ચાલે છે. મ્યુચ્યુઅલ ફંડમાં તમારા જેવા અનેક લોકો નાણા રોકે છે અને તે રૂપિયાથી મ્યુચ્યુઅલ ફંડ મોટી મોટી કંપનીઓના શેર ખરીદે છે. હવે તે શેરમાં જેટલું પણ પ્રોફિટ કે લોસ થશે તેની સીધી અસર તમારા રોકાણ પર થશે. જે લોકો ટૂંકાગાળા માટે રોકાણ કરે છે તેમને આવી નુકસાની વેઠવી પડે છે. પણ જે લોકો લાંબાગાળા માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. તેમને સરવાળે ફાયદો જ થાય છે. આ લાંબાગાળાનું રોકાણ એટલે જ SIP. SIP એટલે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન.

શું છે સ્ટેપ અપ SIP

જે લોકો મ્યુચ્યુઅલ ફંડ વિશે જાણતાં હશે તેમને SIP શબ્દ વિશે ખબર જ હશે. આપણા દેશના ટોપના મ્યુચ્યુઅલ ફંડના ડેટા પર થયેલાં એક અવલોકનથી એમ કહી શકાય કે જે SIP લાંબાગાળાનું રોકાણ કર્યુ હતું, તેમને ૨૨% જેટલું વધારે રીટર્ન મળ્યું છે. માર્કેટમાં થોડાં ઘણાં અંશે ચડઊતર ભલે જોવા મળે પણ લાંબાગાળે જોતાં માર્કેટ ઉપર જ જતું હોય છે. એટલે કે જે લોકો SIPમાં રોકાણ કરે છે તેમને ફાયદો જ થાય છે.
આપણે SIPની નહીં પણ સ્ટેપ અપ SIPની વાત કરીશું. સ્ટેપ અપ SIP એટલે કે તમે દર મહીને SIPમાં જે રોકાણ કરો છો તેમાં દર વર્ષે ૧૦% જેટલો વધારો કરીને રોકાણ ચાલું રાખવું. આમ કરવાથી તમારું રોકાણ વધતું જશે અને લાંબાગાળે તમને નોર્મલ SIP કરતાં અનેકગણો ફાયદો થશે.

સ્ટેપ અપ SIPમાં રોકાણ કરવાથી થતાં ફાયદા

• ધારો કે, તમે દર મહીને માત્ર ૨૫૦૦/- રૂપિયાની SIP કરો છો, જે ૧૫,૨૫ અથવા ૩૫ વર્ષ માટે કરો છો.

• હવે તમારે દર વર્ષે આ SIPમાં ૧૦% વધારો કરવાનો છે. એટલે કે તમે તમારી SIP ને દર વર્ષે સ્ટેપ અપ કરી રહ્યાં છો.

• સ્ટેપ અપ SIP કરવાનું મુખ્ય કારણ એ જ છે કે દર વર્ષે મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે. એટલે લાંબાગાળે આ મોંઘવારીને પહોંચી વળવા માટે દર વર્ષે SIPમાં વધારો કરવો જરૂરી છે.

• દર વર્ષે ૧૦%નો વધારો એટલે કે પહેલાં વર્ષે જે SIP ૨૫૦૦ રૂપિયાની હતી, તે SIP બીજા વર્ષે ૨૭૫૦ રૂપિયાની થશે. પાંચમાં વર્ષે ૩૬૬૦ રૂપિયા, પંદરમાં વર્ષે ૯૪૯૪ રૂપિયા, ૨૫માં વર્ષે ૨૪,૬૨૪ રૂપિયા અને ૩૫માં વર્ષે ૬૩,૮૬૯ રૂપિયાની SIP થશે.

• આજથી ૩૫ વર્ષ પછી મોંઘવારીના દરને જોતાં ૬૩૦૦૦ રૂપિયા આજના ૨૫૦૦ રૂપિયા જેટલા જ કહેવાશે, જેવી રીતે આજથી ૩૫ વર્ષ પહેલાં આજના ૨૫૦૦ રૂપિયામાં આખા ઘરનો ખર્ચો નીકળી જતો હતો.

• તમે રોકેલી રકમ પર તમને મ્યુચ્યુઅલ ફંડમાં ૮% થી ૧૫% રીટર્ન તો મળશે જ.

• અહીં તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. એટલે કે દર વર્ષે વ્યાજના પર પણ વ્યાજ મળશે. અહીં તમને મળેલું વ્યાજ તમારી મૂડી તરીકે કાર્ય કરશે.

• હવે માત્ર ૧૫ વર્ષની ગણતરી કરીએ તો તમે ૧૫ વર્ષમાં સ્ટેપ અપ SIPમાં ૯,૫૩,૨૦૦ રૂપિયા જેટલી રકમ રોકી હશે. હવે જો કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ તમને આ ૧૫ વર્ષમાં માત્ર ૮% રીટર્ન આપશે તો પણ તમારી મૂડી ૧૬,૪૨૦૦૦ રૂપિયા જેટલી થઈ જશે. એટલે કે તમારી ટોટલ રીટર્ન ૬,૯૦,૦૦૦/- રૂપિયા થઈ જશે.

• જો તમે આ જ રીતે આટલી જ રકમ ૨૫ વર્ષ સુધી ઇન્વેસ્ટ કરશો તો તમારું કુલ રોકાણ ૨૫ વર્ષે ૨૯,૫૦,૦૦૦ રૂપિયા થશે, પણ તમને ૬૫,૧૨,૦૦૦ રૂપિયા મળશે. એટલે કે તમારું ટોટલ રીટર્ન ૩૫,૬૦,૦૦૦ રૂપિયાથી પણ વધુનું રીટર્ન મળશે.

• જો હવે તમે આ જ રીતે આટલી જ રકમ ૩૫ વર્ષ સુધી ઇન્વેસ્ટ કરો છો તો ૩૫ વર્ષે તમારું કુલ રોકાણ ૮૧,૩૦,૭૦૦ રૂપિયા જેટલું થઈ જશે, પરંતુ તમને તે વખતે ૨,૧૭,૫૩,૫૦૦ (૨ કરોડથી પણ વધારે) રૂપિયા રીટર્ન મળશે. એટલે કે તમારું કુલ રીટર્ન ૧,૩૬,૨૨,૮૦૦ ( એક કરોડથી પણ વધારે) મળશે. જે તમારી ૩૫ વર્ષે કુલ કમાણી હશે.

• આવી રીતે તમે માત્ર ૨૫૦૦ રૂપિયાના રોકાણથી શરૂ કરેલી SIPમાં ૩૫માં વર્ષે ૨ કરોડથી પણ વધું રૂપિયા કમાશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *