ગુજરાતમાં એક તરફ સતત વરસાદ ખેંચાઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં વરસાદની ઘટ હજુ પણ યથાવત છે. એક તરફ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ ખેચાતા ડેમોની તળિયાઝાટક સપાટી થઈ ગઈ છે. એવામાં સ્કાયમેટના જણાવ્યા અનુસાર રાજ્યમાં અનેક જિલ્લાઓમાં 60 ટકા વરસાદની ઘટ છે. જોકે વરસાદને લઇ હવામાન વિભાગના અધિકારીઓ અનુસાર આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે. આમ સરકારી અને ખાનગી હવામાન આગાહીઓમાં મતભેદ દેખાઇ રહ્યો છે. જેના પરિણામે જગતનો તાત ચિંતિત બન્યો છે. કારણ કે સારા વરસાદની આસમાં બેઠેલો જગતનો તાત ચિંતિત છે કે આ બંન્ને એજન્સીઓમાંથી કોની આગાહી સાચી છે.
સ્કાયમેટના અનુસાર ગુજરાતમાં ચોમાસુ નબળું
હવામાન આગાહી ક્ષેત્રમાં ભારતની અગ્રણી ખાનગી કંપની સ્કાયમેટે 13 એપ્રિલ 2021ના રોજ વર્ષ 2021 માટે ચોમાસાની આગાહી બહાર પાડી હતી અને હવે તે આગાહીને અપડેટ કરી રહી છે. સ્કાયમેટ અનુસાર, સામાન્યથી 60% ઓછો વરસાદ થવાની સંભાવના છે,. સ્કાયમેટના અનુસાર ગુજરાતમાં ચોમાસુ નબળું રહેવાની સંભાવના છે. કારણ કે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ થાય છે. પરંતુ ચાલુ વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં જ વરસાદ ખૂબ ઓછો થયો છે. ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 538mm થવો જોઈએ. પરંતુ માત્ર 285mm વરસાદ થયો છે. એટલે કે 47 ટકા વરસાદની ઘટ છે.
આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના: હવામાન વિભાગ
IMDના અઘિકારીએ જણાવ્યુ છે કે, 5 દિવસની હવામાનની આગાહી જોતાં ગુજરાત રાજ્યમાં હાલ ઓછા વરસાદની સંભાવના છે જોકે આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના રહેલી છે.
બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થાય તો ગુજરાતમાં સારો વરસાદ થાય છે. જોકે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયા બાદ મધ્યપ્રદેશ અને ત્યાર બાદ ઉત્તર ભારત તરફ આગળ વધ્યું જેના કારણે ગુજરાતમાં વરસાદની ઘટ રહી છે.