સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં મધ્યમથી હળવો વરસાદ થવાની આગાહી

સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં મધ્યમથી હળવો વરસાદ થવાની આગાહી

ગુજરાતમાં વરસાદ ખેંચાતાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. વરસાદ ખેંચાતાં ખેડૂતોની કફોડી હાલત થઈ છે. સરકારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા માટે તૈયારીઓ કરી છે. બીજી તરફ વરસાદ ખેંચાતાં અમદાવાદ સહિતનાં શહેરોમાં ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે. ત્યારે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમ સક્રિય થતાંની સાથે જ ઓગસ્ટના અંતમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને અંતમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. સ્કાઇમેટ દ્વારા ગુજરાતમાં સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટના અંતથી લઈને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં મધ્યમ વરસાદ થઈ શકે છે.

હજુ સુધી રાજ્યમાં સરેરાશ 55 ટકા વરસાદ થયો

આ વર્ષે હજુ સુધી રાજ્યમાં સરેરાશ 55 ટકા વરસાદ થયો છે. પરિણામે, ખેતી અને પીવાના પાણી માટે સચિવાલયમાં ભાજપના ચૂંટાયેલા સભ્યો અને ભાજપના સંગઠનના પ્રતિનિધિઓ પાણી માગે છે. રાજ્યમાં ક્યાંક સિંચાઇના તો ક્યાંક પીવાના પાણીની અછત છે. વરસાદ ખેંચાઇ જતાં ખેડૂતોના પાક સૂકાઇ રહ્યા છે. રાજ્યનાં જળાશયોમાં પણ પાણીનો જથ્થો ખૂટી રહ્યો છે. સરકારનો દાવો છે કે ગુજરાતમાં આખું વર્ષ ચાલે તેટલું પાણી છે, પરંતુ સિંચાઇમાં પાણીની ઘટ જોતાં પીવા માટે પાણી અનામત કરી દેવું પડ્યું છે.

વરસાદ ખેંચાતાં હવે ગુજરાતમાં દુષ્કાળનાં ડાકલાં વાગ્યાં

આ ઉપરાંત વરસાદ ખેંચાતાં હવે ગુજરાતમાં દુષ્કાળનાં ડાકલાં વાગી રહ્યાં છે. પાક સૂકાઈ રહ્યા છે અને ખેડૂતોની હિંમત તૂટી રહી છે. ત્યારે પહેલી સપ્ટેમ્બરથી રાજ્ય સરકાર અનાવૃષ્ટિ અંગે નિર્ણય કરવા એક્શન મોડમાં આવી છે. વર્તમાન સ્થિતિને જોતાં સરકારે રાહતકાર્યોનો સર્વે કરવા જિલ્લા કલેક્ટરને સૂચના આપી છે. હાલ રાજ્યના મોટા ભાગનાં જળાશયોનાં તળિયાં દેખાવા લાગ્યાં છે. ત્યારે રાજ્યના 60 જેટલા ડેમમાં પીવાનું પાણી આરક્ષિત રાખવામાં આવશે. તો દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં મનરેગાનાં કામો હેઠળ રોજગારી આપવાનું આયોજન થઈ શકે છે.

રાજ્યમાં અનાવૃષ્ટિ જાહેર કરવા મામલે નિર્ણય થઈ શકે છે

વરસાદ ખેંચાતાં પહેલી સપ્ટેમ્બરથી રાજ્યમાં અનાવૃષ્ટિ જાહેર કરવા મામલે નિર્ણય લઈ શકાય છે. રાજ્યમાં વરસાદની ઘટને જોતાં રાજ્ય સરકારે જિલ્લાસ્તરે સર્વેની આપી સૂચના આપી છે. મુખ્યમંત્રીએ ત્રણ મંત્રી આરસી ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને કુંવરજી બાવળિયાને આ સ્થિતિનું નિરીક્ષણ કરવા સૂચના આપી છે. તો બીજી તરફ, રાજ્યમાં હજુ પણ સારા વરસાદની કોઈ આગાહી નથી. હવામાન વિભાગના મતે રાજ્યમાં હાલ સારો વરસાદ આવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. જો ગુજરાતમાં દુષ્કાળ જાહેર થાય તો અર્થતંત્ર પર મોટી અસર પડી શકે છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *