સાયલાના ખેડૂતે જંગલ મોડલ પર આધારિત પ્રાકૃતિક ખેતી કરી, 15 વીઘા જમીનમાંથી વર્ષે રૂપિયા 8 લાખની આવક ઊભી કરી

Posted by

રાસાયણિક દવા અને ખર્ચાળ ખાતરની ખેતીને તિંલાંજલી આપીને ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં પણ એક કદમ આગળ વધીને જંગલ મોડેલ આધારિત ખેતી શરૂ કરી છે. ખેડ અને ખાતર વગરની આ પ્રાકૃતિક ખેતી કરનાર દિનેશભાઈ સોનાગ્રાએ 15 વીઘા જમીનમાં સૌપ્રથમ પ્રયોગ કર્યો હતો. જેમાં ભારે સફળતા મળી રહી છે. બાગાયતી પાકો પણ દિનેશભાઈ લઈ રહ્યા છે. જેથી વર્ષે તેઓ 15 વીઘા જમીનમાંથી 8 લાખથી વધુની આવક મેળવી રહ્યા છે.

પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરી

સાયલાના ખેડૂત દિનેશભાઇ નરોત્તમભાઇ સોનાગ્રા પહેલા રાસાયણિક ખેતી કરતા હતા, જેમાં સારી આવક મળતી ન હતી. પરંતુ, છેલ્લા પાંચ વર્ષથી જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. જંગલ મોડેલ આધારિત ખેતીમાં કોઈ ખેડ કર્યા વગર ખેતી કરી રહ્યા છે. આ ખેતીમાં બધા પાક ભેગા વાવવાના હોય છે. દિનેશભાઇ સોનાગ્રા પોતે પોતાના ખેતરમાં 25 થી 30 પાકનું વાવેતર કરી રહ્યા છે.

કઠોળ, શાકભાજી સાથે ફળાઉ ખેતી

જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતીમાં દિનેશભાઈ અનાજ, કઠોળ, શાકભાજી, ફ્રૂટની ખેતી કરે છે. ફ્રૂટની ખેતીમાં દાડમ, ચીકુ, જામફળ સીતાફળની સાથે શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. જુવાર, બાજરી, મકાઈ જેવા અનાજનું પણ વાવેતર થાય છે. સાથે ચોળી, મગ,અડદ જેવા કઠોળનું ઉત્પાદન કરવામાં આવે છે. આ વિસ્તારમાં થતાં બધાં પાકનું વાવેતર કરવામાં આવે છે. આ ખેતીમાં ખર્ચ ખૂબ ઓછો હોય છે.

ગાય આધારિત ખેતી કરે છે

દિનેશભાઇ પોતાના ખેતરમાં જે ઉત્પાદન લે છે. તેનું વેચાણ પોતે પોતાના ફાર્મ ઉપરથી જ કરે છે. દિનેશભાઈ પોતે પોતાના પંદર વિધામાં ખેતરમાં વર્ષે સાતથી આઠ લાખની આવક મેળવી રહ્યાં છે. ગાય આધારિત ખેતી હોવાથી સરકાર તરફથી વર્ષે ગાય નિભાવ યોજનામાં રૂપિયા દસ હજાર આઠસોની સહાય મેળવી રહ્યાં છે. આ ખેતી કરવાથી જમીન પણ સારી રહે છે. વરસાદનું પાણી સીધુ જમીનમાં જાય છે.જેથી ઉત્પાદન પણ સારું મળે છે અને જમીન પણ સારી રહે છે.

ખેડાણનો ખર્ચ લાગતો નથી

દિનેશભાઈએ કહ્યું કે, પહેલાં હું રાસાયણિક પધ્ધતિથી ખેતી કરતો હતો. પણ પદ્ધતિથી થાકી જતાં છેલ્લાં પાંચ વર્ષથી જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. આ પધ્ધતિમાં ખેડ બિલકુલ કરવાની હોતી નથી. આથી ખેતરમાં બળદ, ટ્રેક્ટર કે માણસ રાખવાનો કોઇ જ ખર્ચો થતો નથી. આ પ્રાકૃતિક ખેતીમાં કોઇ દેશી કે વિદેશી દવાનો છંટકાવકરવાની પણ જરૂર પડતી નથી. એક જ ખેતરમાં બધા જ પાકો મીક્સ એટલે કે ભેગા વાવવાના હોય છે. મારા 15 વીઘાના ખેતરમાં જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતીમાં એક સાથે 25થી 30 પાકો ઉભેલા છે. જેમાં અનાજ, કઠોળ, શાકભાજી અને ફળ એમ બધા જ પાકો જોવા મળે છે. જેમાં ફળના પાકોમાં દાડમ, ચીકુ, જામફળ, સીતાફળ, અંજીર, આંબળા, મોસંબી, સંતરા, કેળ અને પપૈયા જેવા ફળના 12થી 13 પાકો છે.

લોકો માર્ગદર્શન લેવા આવે છે

શાકભાજીના વાવેતરમાં રીંગણ, ટામેટાં, કોબિજ, ફુલાવર, પાલક, ખજૂર, ગલકા, દૂધી, ફુદીના અને કારેલા જેવા સીઝન પ્રમાણેના આ વિસ્તારમાં જોવા મળતા દરેક પ્રકારની શાકભાજીઓ છે. જ્યારે જુવાર, બાજરી અને મકાઇ જેવા અનાજ પણ છે અને કઠોળમાં ચોળી, ગવાર, મગ અને અડદ જેવા પાકો છે. આ જંગલ મોડેલ આધારિત ખેતીમાં ખર્ચો નહિંવત છે. ક્યાંય કોઇ ખેડ નહીં કે ક્યાંય કોઇ દવા નહીં એમાં ફક્ત વાવવાનુ અને પાણી પાવાનું જ મુખ્ય કામ હોય છે. મારા 15 વીઘાના ખેતરમાં મારે વર્ષે એક વીઘે રૂ. 50,000 લેખે વર્ષે રૂ. 7થી 8 લાખની આવક થાય છે. જે આવનારા વર્ષોમાં ફળની આવક વધશે તેમ વધુમાં દિનેશભાઈ જણાવતાં ઉમેર્યું કે, અન્ય ખેડૂતો પણ મારી ખેતી જોવા આવે છે, જેને માર્ગદર્શન પણ આપું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *