સવાર સારી તો દિવસ સારો
શાસ્ત્રોમાં કહેવાયું છે કે, જો દિવસની શરુઆત સારી થાય તો આખો દિવસ સારો જાય છે. પરંતુ, દિવસની શરુઆત સારી કરવાનો સૌથી સારો રસ્તો શું છે તે આપને ખબર છે? સવારે જલ્દી ઉઠવું, રોજ સ્નાન કરવું તે તો બધા જાણે છે, અને કરે છે. પરંતુ દિવસની શરુઆત શુભ બનાવવા માટે તે ઉપરાંત પણ બીજું એક મહત્વનું કામ કરવું જરુરી છે.
દિવસ સારો જાય તે માટે શું કરવું?
દિવસ સારો જાય તે માટે શું રોજ મંદિરે જવું જોઈએ? ઘરે પૂજા કરવી જોઈએ? કે પછી તે સિવાય બીજું પણ કંઈક કરવું જોઈએ? શાસ્ત્રોમાં સૂચવાયેલા ઉપાય અનુસાર, ન માત્ર સ્નાન કરતા પહેલા, પરંતુ તમે આંખો ખોલો તે સાથે જ એક મહત્વનું કામ કરવું જરુરી છે. આ એકમાત્ર શાસ્ત્રીય નિયમને જીવનનો હિસ્સો બનાવી લેવાય તો વ્યક્તિ આખી જિંદગી સંતુષ્ટ રહી શકે છે.
આ મંત્ર નો કરો જાપ
શાસ્ત્રો અનુસાર, સવારે આંખ ઉઘડતા જ તમારી હથેળીઓ સામે લાવીને તેના દર્શન કરો. હથેળી જુઓ તે પહેલા બીજી કોઈ પણ વસ્તુને ન જુઓ. જેવી તમારી નજર હથેળી પર પડે કે તરત જ આ મંત્રનો ઓછામાં ઓછો એક વાર જાપ કરો.“कराग्रे वसति लक्ष्मीः, कर मध्ये सरस्वती।करमूले तू ब्रह्मा, प्रभाते कर दर्शनम्।।“
મંત્રજાપથી થશે આ ફાયદા
અર્થાત હથેળીના અગ્રભાગમાં ભગવતી લક્ષ્ણી, મધ્ય ભાગમાં વિદ્યાદાત્રી સરસ્વતી અને મૂળ ભાગમાં ભગવાન ગોવિંદ (બ્રહ્મા)નો નિવાસ છે. હું મારી હથેળીઓમાં તેમના દર્શન કરું છું. ધ્યાન રાખશો કે, આ મંત્રનો જાપ કરતા હો ત્યારે તમારી દ્રષ્ટિ માત્ર હથેળીઓ પર જ હોવી જોઈએ. મંત્રનું ઉચ્ચારણ જેવું સમાપ્ત થાય કે હથેળીઓને પરસ્પર ઘસીને તેને પોતાના ચહેરા પર લગાવી લો. એમ માનવામાં આવે છે કે, આમ કરવાથી તમામ દેવી-દેવતાઓના આશિર્વાદ પ્રાપ્ત થાય છે અને આખો દિવસ વિતાવવા માટે સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે.