30 વર્ષની ઉંમરમાં બોડ્ડૂ નાગા લક્ષ્મીની જિંદગીમાં આવેલા ફેરફાર અનેક ખુશીઓ લઈને આવ્યા. યુટ્યુબ વીડિયોને લીધે લક્ષ્મીને અલગ ઓળખ મળી. આની પહેલાંનું તેનું જીવન સંઘર્ષથી ભરેલું હતું. તે સોશિયલ સિક્યોરિટી પેન્શન પર નિર્ભર રહેતી હતી.
યુટ્યુબથી નસીબ બદલાયું
આંધ્ર પ્રદેશમાં નેલ્લોર જીલ્લામાં રહેતી લક્ષ્મી કૃષ્ણા રેડ્ડીની સૌથી મોટી દીકરી છે. તેનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો. ભાઈ-બહેનની સાથે લક્ષ્મીનું બાળપણ પણ ગરીબીમાં વીત્યું. લક્ષ્મીના ભાઈ આદિ રેડ્ડીએ ‘મૂવી ક્રિક ન્યૂઝ’ નામની યુટ્યુબ ચેનલ શરુ કરી. લક્ષ્મીએ આ માટે 50 હજાર રૂપિયા આપીને મદદ કરી. તે સમયે લક્ષ્મીને નહોતી ખબર કે એક યુટ્યુબ ચેનલથી તેનું નસીબ બદલાઈ જશે.
નાગા લક્ષ્મીએ આદિ રેડ્ડીના સપોર્ટથી અન્ય એક યુટ્યુબ ચેનલ સપ્ટેમ્બર 2020ના રોજ શરુ કરી. આ ચેનલને કવિતા નાગા બ્લોગ નામ આપ્યું. શરુઆતમાં જ અપલોડ કરેલા વીડિયોને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો. હાલ આ ચેનલના 1.5 લાખ સબસ્ક્રાઈબર્સ છે. આદિ રેડ્ડીની પત્ની કવિતાએ પણ આ કામમાં લક્ષ્મીને સપોર્ટ કર્યો. તેણે કવિતા સાથે મળીને કુલ 89 વીડિયો બનાવ્યા. આ વીડિયોને દેશભરનાં રાજ્યોમાંથી સારો રિસ્પોન્સ મળ્યો. તેઓ યુટ્યુબ પર ફેશન અને ટ્રેડિશન રિલેટેડ વીડિયો પોસ્ટ કરે છે
લક્ષ્મીએ પોતાનું પાંચ મહિનાનું સોશિયલ સિક્યોરિટી પેન્શન એટલે કે 15 હજાર રૂપિયા સૂદ ચેરિટી ફાઉન્ડેશનને ડોનેટ કર્યું હતું. એ પછી એક્ટર સોનુ સૂદે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લક્ષ્મીના વખાણ કર્યા હતા.
લક્ષ્મીએ હાલમાં જ મુખ્યમંત્રી રાહત કોષ અને સૂદ ચેરિટી ફાઉન્ડેશનને 25 હજાર રૂપિયા દાન કર્યા છે. તેના ગામના યુવાનોને 60 હજાર રૂપિયાની સ્પોર્ટ્સ કિટ પણ આપી છે.