સફેદ વાળને કાળા કરતી ચમત્કારી વનસ્પતિ અને દાંતમાં થતા પાયોરિયા માટે પણ ઉપયોગી વનસ્પતિ

સફેદ વાળને કાળા કરતી ચમત્કારી વનસ્પતિ અને દાંતમાં થતા પાયોરિયા માટે પણ ઉપયોગી વનસ્પતિ

સૌંદર્યની વાત આવે એટલે સૌપ્રથમ સ્ત્રી હોય કે પુરુષ દરેક પોતાના વાળ વિષે ચિંતા વ્યક્ત કરતાં હોય છે. વાળનું સૌંદર્ય જોઇને તો કવિ કાલિદાસજીએ પણ મોહ પામીને વાળ વિષે કાવ્યો લખ્યાં છે. સૌંદર્યના પૂજારી એવા તમામ રસિક કવિઓ અને લેખકો પણ વારંવાર વાળ વિષે લખે છે. આમ વાળ એ સૌંદર્ય માટે અનિવાર્ય અંગ છે. આયુર્વેદના ગ્રંથોમાં પણ વાળના રોગોની અદ્દભૂત સારવાર બતાવી છે. વાળને લગતા જે કંઇ રોગો થાય છે તેમાં મહત્વની એક વનસ્પતિ છે, ભાંગરો. વર્તમાન સમયમાં ભાંગરાનો ખૂબ જ પ્રચાર થયો છે. તેનું કારણ છે કે વિવિધ પ્રકારના હેરઓઇલો બજારમાં ઉપલબ્ધ થયા છે અને આ તમામ હેરઓઇલોમાં ભાંગરો તો હોય છે. ગ્રામ્યવિસ્તારના લોકો, ખાસ કરીને મહિલાવર્ગ તો પરાપૂર્વથી ભાંગરાને એકઠો કરીને તેનું તેલ બનાવીને પોતાના વાળમાં નાખે છે. અને તેના પરિણામે તેઓના વાળ કાળા અને ચકચકિત અને ખૂબ જ લાંબા હોય છે. અહીં આપની સમક્ષ ભાંગરાના જે સૌંદર્યવર્ધક કર્મો છે તેનું વર્ણન કરીએ છીએ.

આમ જોવા જઇએ તો શરીરમાં તથા અનેક રોગો પર ભાંગરો કામ કરે છે. પરંતુ ભાંગરો વિશેષ પ્રકારે બેસ્ટ બ્યુટી એજન્ટ છે. તેનાં જે કંઇ નામો છે, તેનાં પરથી આપણને ખ્યાલ આવે છે કે તે હેરબ્યુટી એટલે કે વાળનું સૌંદર્ય વધારવા માટેની શ્રેષ્ડ વનસ્પતિ તો છે જ, સાથે સાથે યૌવનને જાળવી રાખે છે, તથા સર્વાંગ સૌંદર્ય યૌવન માટે ભાંગરો ઉપયોગી છે તે ખૂબ જ ઓછા લોકો જાણે છે. ભાંગરાને ભૃંગરાજ કહેવામાં આવે છે, અને તે સ્વર્ણીકરણ કરે છે એટલે કે તે શરીરને સુવર્ણ જેવું બનાવે છે. વિવિધ પ્રકારના કુષ્ડના રોગો, સફેદ દાગ, શીળસ, શૂદ્રરોગ જેવા ચામડીના રોગોમાં પણ ભાંગરો અતિ ઉપયોગી છે. શાસ્ત્રોમાં ભાંગરાના અનેક પ્રકારે પ્રયોગો બતાવ્યા છે.

સફેદ વાળઃ

આજકાલ નાની વયના બાળકોને સફેદ વાળની સમસ્યા વધતી જોવા મળે છે. યુવાન યુવતી અને યુવકોને તો આ સફેદ વાળની સમસ્યા તો ડગલે ને પગલે જોવા મળે છે. દરેક વ્યક્તિઓ સફેદ વાળનો તિરસ્કાર કરતી હોય છે. અને પોતાના વાળ કાળા બને તે માટે ઉપાયોની શોધ કરતૌ હોય છે. શાસ્ત્રોમાં સફેદ વાળને કાળા બનાવવા માટે તો અનેક પ્રયોગો છે. તેમાં ભાંગરાનું માધ્યમ અતિ શ્રેષ્ઠ છે. જુઓ…..

૧)  ભાંગરાના ફૂલ, જાસુદના ફૂલ અને ઘેટીનું દૂધ આ ત્રણેય એક સાથે ઘૂંટીને બારીક પેસ્ટ બનાવવી. ત્યારબાદ આ પેસ્ટને લોંખડના વાસણમાં મૂકી તે વાસણને જમીનમાં દાટી દેવું. સાત દિવસ પછી તે વાસણને જમીનમાંથી બહાર કાઢી તેમાં ફરીવાર ભાંગરાનો રસ નાંખીને ઘૂંટવું. આ લેપ રાત્રે વાળમાં લગાવી તેનાં ઉપર કેળનું પાન બાંધી દેવું. સવારે માથું ધોઇ લેવું. આ પ્રયોગ થોડા સમય સુધી કરવાથી વાળ કાળા થાય છે.

૨)  ભાંગરાના રસમાં જેઠીમધનું ચૂર્ણ અને દૂધ તથા તેલ મેળવીને ઉકાળવું. આ તેલનાં ટીપાં   નાકમાં નાખવાથી વળિયા–પળિયા દૂર થાય છે.

માત્રા-ભાંગરાનો રસ ૧૨૮ તોલા, જેઠીમધનું ચૂર્ણ ૪ તોલા, દૂધ ૬૪ તોલા અને તલનું તેલ ૧૬ તોલા, બધું ઉકાળતાં માત્ર તેલ બાકી રહે ત્યારે ઉતારીને ગાળી લેવું. આ તેલનાં ટીપાં નાકમાં નાંખવા.

૩)  ભાંગરાનો રસ ૧૦ ગ્રામ રોજ સવારે નરણા કોઠે પીવાથી પણ સફેદ વાળ કાળા થાય છે.

સફેદ કોઢઃ

લોંખડના વાસણમાં તલના તેલમાં ભાંગરો શેકવો. લૂગદી જેવું થાય એટલે આ ભાંગરો ખાવો અને તેના પર બિયાંની છાલથી પકાવેલું દૂધ પીવું. આ પ્રયોગ કરવાથી સફેદ દાગ મટે છે.

માથાના ચાંદાઃ ભાંગરાનો રસ માથામાં લગાવવાથી ચાંદા મટે છે.

વાળની સુંદરતાઃ

ભાંગરાનું તેલ માથામાં નાખવાથી વાળ ખરતાં બંધ થાય છે તથા નવા વાળ આવે છે, તથા વાળની લંબાઈ પણ વધે છે, તથા વાળ ઘટ્ટ બને છે, મુલાયમ બને છે.

ખરતા વાળઃ ભાંગરો, ત્રિફળા, ઉપલસરી, કણજીનાં બીજ, લીમડાની આંતરછાલ, કરેણના મૂળ, સફેદ ચણોઠી. દરેક ઔષધો ૨૦-૨૦ ગ્રામ લઇ તેનો પાવડર બનાવવો. આ પાવડરને ચાર લિટર ભાંગરાના રસમાં પલાળવો. બીજા દિવસે તેમાં ૧ લિટર તલનું તેલ નાખી ઉકાળવું.

પાણીનો ભાગ બળી જાય પછી તેલ ઠંડુ થયે ગાળી લેવું. અને બોટલમાં ભરી લેવું. આંગળીના ટેરવા વડે આ તેલ રોજ વાળના મૂળમાં માલિશ કરવાથી ખરતા વાળ, ખોડો વગેરે દૂર થઇ નવા વાળ આવે છે, વાળ જાડા તથા લાંબા પણ થાય છે.

સફેદ વાળ માટે તેલઃ

આમળાં, અનંતમૂળ, હરડે, જેઠીમધ, મોથ, સુંગધી વાળો, બહેડાં, મહેંદીના પાન, કેરીની ગોટલી-આ તમામનો ૨૦-૨૦ ગ્રામ પાવડર લેવો. આ પાવડરને ૨૦૦ ગ્રામ આમળાંના રસમાં લોંખડના વાસણમાં ૧૫ થી ૨૦ કલાક સુધી પલાળવો. ત્યારબાદ તેમાં ૧ લિટર કાળા તલનું તેલ નાખી તપેલા પર બારીક કપડું બાંધી સૂર્યના તડકામાં મૂકવું. આ તપેલું ૬ થી ૮ દિવસ રાખવું. ત્યાર બાદ તેમાં ભાંગરાનો રસ ૧ લિટર, આમળાંનો રસ ૧ લિટર તથા ગળીના પાનનો રસ ૫૦૦ ગ્રામ નાખીને તેલ ઉકાળવું. તેલ પક્વ થયા બાદ ઠંડુ થયા બાદ ગાળી લઇ બોટલમાં ભરી લેવું. આ તેલનું રોજ વાળમાં માલીશ કરવાથી ધીરે ધીરે સફેદ વાળ કાળા થાય છે તથા ખરબચડા વાળ સુંવાળા અને ચમકદાર બને છે.

સફેદ વાળ માટે લેપઃ

૧)  ભાંગરાનું ચૂર્ણ, ત્રિફળા, કેરીની ગોટલી, અખરોટની છાલ અથવા છોડાં આ તમામ મેળવીને તેને લોંખડના વાસણમાં દહીં અથવા કાંજી સાથે પલાળીને લેપ કરવાથી ધીમે ધીમે વાળ કાળા થાય છે.

૨)  ભાંગરાનું ચૂર્ણ, મેથી, સોપારી અને લોંખડના કાટનો લેપ કરવાથી પણ વાળ કાળા થાય છે.

આભ્યંતર પ્રયોગઃ

(૧) ભાંગરાના પાન તથા કાળા તલ રોજ ચાવીને ખાવાથી પણ સફેદ વાળ કાળા થાય છે.

(૨) દરરોજ નરણા કોઠે ૧ તોલો ભાંગરાનો રસ પીવાથી વાળ સુંદર બને છે.

(૩) ભાંગરાના રસનાં ટીપાં અથવા ભાંગરા તેલના ટીપાં નાકમાં નાખવાથી પણ વાળ કાળા થાય છે

(૪) ભૃંગરાજઘન, ભૃંગરાજાસવ વગેરેનું સેવન કરવાથી પણ ખરતા વાળ કે સફેદ વાળમાં ફાયદો થાય છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *