કચરો વાળતી સફાઈકર્મીની કાયમી નોકરી ન મળી તે હવે SDM બનશે, અધિકારીઓ ઠોકશે સલામ

મોઢા પર દુપટ્ટો બાંધીને કામ કરતી મહિલાએ પોતાની મહેનતથી કિસ્મતને એવી પલટી કે હવે મોટા મોટા ખેરખાં તેને સલામ ઠોકશે.
કહેવાય છે કે માણસ પુરુષાર્થથી પોતાનું ભાગ્ય બદલી શકે છે. આવી જ એક સત્ય ઘટના ભારતમાં સામે આવી છે. રસ્તા પર કચરો વાળતી મહિલા SDM બનવા જઈ રહી છે.
મહેનત કરીને પોતાની કિસ્મત પોતે લખી
જોધપુરના રસ્તાઓ પર કચરો વાળતી મહિલા પર કદાચ કોઇની નજર પણ નહીં પડી હોય, મોઢા પર દુપટ્ટો બાંધીને કામ કરતી મહિલાએ પોતાની મહેનતથી કિસ્મતને એવી પલટી કે હવે મોટા મોટા ખેરખાં તેને સલામ ઠોકશે.
જીવનમાં આવી અનેક સમસ્યા પણ દ્રઢતાથી કર્યો તેનો મુકાબલો
નોંધનીય છે કે આશાનું જીવન સરળ રહ્યું ન હતું. આઠ વર્ષ પહેલા પતિ સાથે ઝઘડા બાદ બે બાળકોના ભરણપોષણની જવાબદારી આશા પર જ આવી પડી હતી. આશા તે સમયે કચરો વાળવાનું કામ કરતી. જોકે તેમાં પણ તેની નિયુક્તિ કાયમી ધોરણે ન થઈ હોવાથી તેના માટે બે વર્ષ સુધી લડાઈ લડી. મીડિયા સાથેની વાતચીતમાં આશાએ કહ્યું કે તે સ્કૂટી લઈને કચરો વાળવા આવતી અને સ્કૂટીમાં જ ચોપડીઓ લઈને આવતી હતી. તે બાદ રાજ્યની જાહેર સેવા આયોગમાં તે પાસ થઈ. આ જ કામ કરતાં કરતાં આશાએ પહેલા પોતાનું ગ્રેજ્યુએશન સમાપ્ત કર્યું અને તે બાદ ઓફિસર પણ બની.
આશાએ ક્યારેય ન છોડી ‘આશા’
આશાએ ક્યારેય પોતાના જીવનમાં આશા ન છોડી અને ક્યારેય હાર ન માની. ગુજરાત સહિત આખા દેશમાં ઘણા બધા યુવાનો સરકારી પરીક્ષા માટે તૈયારી કરતાં હોય છે ત્યારે આશા તેમના બધા માટે એક ઉદાહરણ પૂરું પાડી રહી છે. કપરી પરિસ્થિતિ છતાં આશા બની ગઈ ઓફિસર.