પાકિસ્તાનના લાહોરના પંજાબ પ્રાંતથી ફરી એકવાર શરમજનક ઘટના સામે આવી છે. અહીં ધમધમતાં રોડ પર રિક્ષામાં બેસેલી એક યુવતીને યુવકે કિસ કરી લીધી હતી. યુવતીની બાજુમાં બેસેલી મહિલાએ પ્રતિકાર કરતાં રોમિયો ત્યાંથી ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના મોબાઇલમાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક યુવક કૂદીને રિક્ષા પર ચઢી જાય છે અને યુવતીને કિસ કરી લે છે. આ જોઈ યુવતીની બાજુમાં બેસેલી મહિલા તરત જ પ્રતિકાર કરે છે અને યુવક ત્યાંથી ભાગી જાય છે.
મહત્ત્વનું છે કે, મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ઘટના 14 ઑગસ્ટ એટલે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસે જ બની છે. આ વીડિયો સામે આવતાં પાકિસ્તાનમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પંજાબ પ્રાંતના IGએ આ અંગે રિપોર્ટ માંગ્યો છે અને લાહોર પોલીસને CCTV ફૂટેજને આધારે યુવકની ધરપકડ કરવા કહ્યું છે. જોકે, બે-ત્રણ દિવસ પહેલાં આવો જ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં ટિકટોક વીડિયો બનાવતી મહિલાને ટોળાંએ પિંખી નાખી હતી. એક જ અઠવાડિયામાં આવી બે-બે ઘટના સામે આવતાં પાકિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ કેવી છે તે સમજી શકાય છે.