દીકરી એટલે વ્હાલનો દરિયો. જે નારીત્વ થકી જ આ સમાજ ઉજળો છે, તેનું ઋણ કોઈ પ્રકારે ચૂકવી ન શકાય! પરંતુ તેના માટે પહેલ અવશ્યથી કરી શકાય. જૂનાગઢની જ આ વાત છે, જ્યાંની એક રેસ્ટોરન્ટ ગીર નેસડોના માલિક પ્રફુલભાઈ દ્વારા એક નોંધનીય અને સરાહનીય કાર્યની શરૂઆત થઈ છે. પરિવાર સાથે આવતી 12 વર્ષ કે તેથી નાની વયની દીકરી જ્યારે રેસ્ટોરન્ટમાં જમવા માટે આવે છે, ત્યારે પ્રફુલભાઈ તેને જગદંબા સ્વરૂપ ગણીને તેના ચરણ સ્પર્શ કરે છે. એટલું જ નહીં, તેને મનભાવતું ભોજન તદ્દન નિઃશુલ્ક જમાડે છે.
આ રેસ્ટોરાં માલિકનું નામ પ્રફુલભાઈ છે અને તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ દીકરી સાક્ષાત શક્તિનું સ્વરૂપ છે અને તેનું ઋણ ચૂકવવા માટે આ ભવ શું અનેક ભવ જન્મ લઈએ તોપણ ઋણ ચૂકવી શકાતું નથી.
વધુમાં પ્રફુલભાઈએ જણાવ્યું કે, આપણે દીકરો-દીકરી એક સમાન ગણવા જોઈએ. દીકરીને પણ દીકરાની જેમ ઉચ્ચ શિક્ષણ આપી પગભર બનાવવા પ્રયત્નશીલ થવું જોઈએ. જો દીકરી ભણેલી ગણેલી હશે તો, તેના થકી સમાજને એક નવો રાહ મળશે. તેના થકી તેના પરિવારનું ગૌરવ તો વધશે જ, પણ કોઈપણ વિકટ પરિસ્થિતિમાં તે પુરુષ સમોવડી બની પરિવારને બધી રીતે ટેકો પૂરો પાડી શકશે.
પ્રફુલભાઈ ના આ ઉમદા વિચાર અને તેના દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલની નોંધ, તેઓના પ્રણેતા સ્વયં મહેશભાઈ સવાણી દ્વારા પણ લેવામાં આવી છે. તદ્દઉપરાંત પ્રફુલભાઈ દ્વારા થયેલી આ પહેલની સુવાસ ચારે તરફ ફેલાઈ રહી છે, સોશિયલ મીડિયામાં પર અનેક લોકો આ પહેલની પ્રસંશા કરી રહ્યાં છે.
મહત્વની વાત છે કે, પ્રફુલભાઈ જૂનાગઢના ઝાંઝરડા રોડ પર ગીર નેસડો રેસ્ટોરેન્ટ ચલાવે છે અને તેમને રેસ્ટોરાંની શરૂઆત જાન્યુઆરી 2020માં કરી હતી અને તેઓ રેસ્ટોરાંની શરૂઆતથી જ આ પ્રકારે 12 વર્ષ કે, તેથી નાની ઉંમરની દીકરીઓના ચરણસ્પર્શ કરીને તેઓ પોતાની હોટલમાં ભોજન કરાવી રહ્યા છે અને લોકો તેમના કામની ખુબ જ પ્રશંસા પણ કરી રહ્યા છે
જૂનાગઢ ઝાંઝરડા ચોકડી નજીક આવેલ ગીર નેસડો રેસ્ટોરન્ટની શરૂઆત ગત વર્ષે એટલે કે જાન્યુઆરી-2020 માં થઈ હતી. જૂનાગઢવાસીઓ તેમજ અહીં આવતા પ્રવાસીઓને શુદ્ધ કાઠિયાવાડી ભોજન એ પણ ગામડાની દેશી બેઠક સાથે મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં સંપૂર્ણ રસોઈ દેશી ઢબથી અને ચૂલા ઉપર કરવામાં આવે છે.