દર વર્ષે હજારો યુવાન માયાનગરી મુંબઈમાં કિસ્મત અજમાવવા આવે છે અને કર્ણાટકના માલ્પેથી આવેલા રવિપ્રકાશ સૂર્યા પૂજારી પણ તેમાંથી એક હતા. પોતાના સપનાંને પૂર્ણ કરવા માટે તેમણે ચાની લારી પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
1980ના દાયકાના અંતભાગમાં અંડરવર્લ્ડમાં જૂના ડોનનો સૂર્ય આથમી રહ્યો હતો અને નવા ડોન તેમની જગ્યા લઈ રહ્યા હતા. અહીં જ તેમની મુલાકાત અંડરવર્લ્ડના કુખ્યાત ગૅંગમૅન સાથે થઈ અને તેની જિંદગીની દિશા બદલાઈ ગઈ. હાલમાં રવિ પૂજારીને અમદાવાદની ડિટેક્શન ઑફ ક્રાઇમ-બ્રાન્ચ દ્વારા બેંગ્લુરુથી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર 30 દિવસ માટે ગુજરાત લાવવામાં આવ્યા છે. તેમની પર બોરસદમાં ફાયરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.આ કેસમાં સ્થાનિક અદાલતે તેમને 14 દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. જોકે, કેટલાકના મતે પૂજારી ‘સામાન્ય ગુંડો’ છે, જે ફિલ્મસ્ટાર્સ અને ઉદ્યોગપતિઓને ધમકી આપતો, જે અંગે અખબારોમાં અહેવાલો ચમકતા હતા. મીડિયાએ જ તેમને ‘મોટો ડૉન’ બનાવ્યો.
મુંબઈમાં આગમન
રવિ પૂજારીનો જન્મ કર્ણાટકના મેંગ્લુરુમાં આવેલા માલ્પેમાં થયો હતો, તેના પિતા એક શિપિંગ કંપનીમાં કામ કરતા હતા. રવિ સ્થાનિક સ્કૂલમાં ભણતા હતા, પરંતુ ભણવામાં ખૂબ જ નબળા હતા. વારંવાર ફેલ થવાને કારણે તેમને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા. રવિને નાનપણથી જ હિંદી ફિલ્મોનું આકર્ષણ હતું, એટલે તેઓ બૉમ્બે (આજનું મુંબઈ) આવી ગયા. કોઈ અભ્યાસ કે અનુભવ ન હોવાને કારણે તેમણે લારી પર ચા બનાવવાનું અને કપ સાફ કરવાનું કામ શરૂ કર્યું.
અંધેરીમાં ચાની એક ટપરી પર રવિ કામ કરતા હતા. આ અરસામાં ત્યાં અસામાજિક તત્ત્વોનું ઊઠવું-બેલવું હતું. રવિએ જોયું કે જે લોકો અંડરવર્લ્ડ માટે કામ કરતા હોય, તેમના ભારે ઠાઠ-માઠ રહેતો અને તેઓ વૈભવી જીવન જીવતા હતા. આથી, રવિએ પણ તેમના જેવું જ બનવાનું વિચાર્યું. આ વિચારથી તેઓ અસામાજિક તત્ત્વો તથા ગૅંગમૅનને ખૂબ જ સન્માન આપતા અને તેમની ગુડબૂકમાં આવવા માટે તત્પર રહેતા હતા.
હથોડાનો ‘હાથ’ બન્યા
1990ના શરૂઆતના સમયમાં દાઉદ ઇબ્રાહિમ તથા રાજેન્દ્ર સદાશિવ નિખાળજે ઉર્ફ છોટા રાજન મળીને કામ કરતા હતા. એ સમયે રાજનની નજીકના ગૅંગમૅન શ્રીકાંત દેસાઈ ઉર્ફ શ્રીકાંત મામાની ત્યાં અવરજવર રહેતી, તેમણે રવિ પૂજારી પર ભરોસો કર્યો હતો.
શરૂ-શરૂમાં દારૂ-ઈંડાં કે શાકભાજી લેવા જેવા ગૅંગના સામાન્ય કામ સોંપવામાં આવતા હતા. ધીમે-ધીમે તેમના પર વિશ્વાસ વધતો ગયો અને તેમને ગૅંગના ગેરકાયદેસર હથિયારોની હેરફેરનું કામ પણ સોંપવા લાગ્યા હતા. તેમની ભાઈબંધી રોહિત વર્મા સાથે થઈ. ગુનો આચરવા માટે ‘હથોડો’ તેમની પહેલી પસંદ હતી.
અરસામાં જ મુંબઈ પોલીસના ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વિજય સાલસકરની ટીમે શ્રીકાંત દેસાઈનું ઍન્કાઉન્ટર કર્યું. રવિ પૂજારી માટે આ બાબત આઘાતજનક હતી, કારણ કે દેસાઈને કારણે તેમને અંડરવર્લ્ડમાં પ્રવેશ મળ્યો હતો અને સન્માન મળ્યું હતું. રવિને મન દેસાઈ પિતાતુલ્ય હતા. રવિને આશંકા હતી કે ગૅંગમાંથી જ કોઈકે પોલીસને બાતમી આપી હતી. ગૅંગના અન્ય લોકોને પણ આવી જ આશંકા હતી. ગૅંગને લાગ્યું કે બાલા ઝાલટેએ બાતમી આપી હતી, કારણ કે દેસાઈની હત્યાના એકાદ અઠવાડિયા પહેલાં મુંબઈ પોલીસે તેમને ‘ઉઠાવ્યા’ હતા, એટલે તેમણે વટાણા વેરી દીધા હશે.
રવિ પૂજારી તથા તેના સાગરીતોએ બાલાના ઘરમાં ઘૂસીને તેની હત્યા કરી. આ સમાચાર મુંબઈના અખબારોમાં અગ્રતાથી છપાયા. બાદમાં માલૂમ પડ્યું કે પોલીસને બાતમી આપનાર બાલા નહીં, પરંતુ બીજો ગૅંગમૅમ્બર હતો. રવિ પૂજારીએ બોલીવૂડ સ્ટાઇલમાં તેમની પણ હત્યા કરી. અંડરવર્લ્ડમાં વિભાજન બાદ તેઓ ભારતથી નેપાળ અને ત્યાંથી બૅંગકોક નાસી છૂટ્યા હતા. મૈસુરના ઍન્થની ફર્નાન્ડિસના નામથી તેમણે બુર્કિના ફાસોમાં પાસપૉર્ટ મેળવી લીધો હતો અને ત્યાં હોટલનો ધંધો શરૂ કર્યો હતો.
તેઓ આફ્રિકન દેશોમાં ઇલેક્ટ્રૉનિક્સ અને કપડાંનો વેપાર કરતા હતા. છોટા રાજને જ રવિ પૂજારીને ઍન્થની ફર્નાન્ડિસ એવું નામ આપ્યું હતું. હિંદી, અંગ્રેજી, કન્નડ અને મરાઠી બોલી શકતા રવિ સહેલાઈથી ભારતીય સમુદાયમાં ભળી જતા હતા અને એ તેમનું જમા પાસું પણ હતું.
પદ્મા સાથે પ્રેમ
અંડરવર્લ્ડમાં પ્રવેશ બાદ રવિએ પદ્મા સાથે લગ્ન કર્યાં હતાં. પદ્માને તેઓ નાનપણથી ઓળખતા હતા અને તેમનાં પ્રેમમાં હતા.
1995માં પદ્માએ બાળકને જન્મ આપ્યો, જેને જોવા રવિ અંધેરી ખાતેના નિવાસસ્થાને આવ્યા છે, એવી બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે રેડ કરીને તેમની ધરપકડ કરી હતી. ત્યારે બાલા ઝાલટેની હત્યાના કેસમાં તેમના ફિંગરપ્રિન્ટ્સ લેવામાં આવ્યા હતા, જે 2019માં સેનેગલમાં ઍન્થની ફર્નાન્ડિસની ધરપકડ બાદ રવિ પૂજારી તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવામાં મદદરૂપ બન્યા હતા.
કારણ કે એ સમયે પોલીસ તથા સુરક્ષા એજન્સીઓ પાસે રવિ પૂજારીની બે-ત્રણ જૂની તસવીરો હતી. એકમાં તે સ્વિમિંગ પૂલમાં હતા, જ્યારે બીજીમાં તેમણે ક્રિકેટના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. 2005માં રવિ પૂજારીનાં પત્ની, માતા અને સંતાનો દિલ્હી આવી ગયાં હતાં. અહીં પદ્મા પર બનાવટી નામથી પાસપૉર્ટ બનાવવાનો પ્રયાસ કરવાના આરોપો લાગ્યા હતા. પદ્માની ધરપકડ કરવામાં આવી, પરંતુ બાદમાં જામીન પર છૂટી ગયાં.
જોકે, પદ્માનો બીજો પ્રયાસ સફળ રહ્યો અને તેઓ પોતાના પતિ પાસે પહોંચી ગયાં હતાં. આ પછી રવિ પૂજારીને વધુ નિરાંત વળી અને અંડરવર્લ્ડમાં પોતાનું સ્થાન જમાવવા માટેના પ્રયાસ વધારી દીધા. પદ્માથી રવિ પૂજારીને બે પુત્રી અને એક પુત્ર હોવાનું કહેવાય છે, જેમાંથી એક પુત્રી તથા પુત્રનાં લગ્ન વિદેશમાં તેમણે કરાવી દીધાં છે. ઇન્ટરપોલની નોટિસમાં તેમને પણ વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતાં.
અંડરવર્લ્ડનું 9/14
મુંબઈના વરિષ્ઠ ક્રાઇમ રિપોર્ટર હુસૈન ઝૈદીએ તેમના પુસ્તક ‘ભાયખલ્લા ટુ બૅંગકોક’માં અંડરવર્લ્ડ ડોન છોટા રાજન પર હુમલાના ઘટનાક્રમનું વર્ણન કંઈક આ રીતે કર્યું છે: રોહિત વર્માએ માઇકલ ડિસોઝા નામ ધારણ કર્યું અને થાઈલૅન્ડની રાજધાની બૅંગકૉંકમાં ફ્લેટ ભાડે રાખ્યો. જ્યાં પત્ની છોટા રાજન તથા કેટલાક વિશ્વાસુઓ સાથે રહેતાં હતાં.
બૅંગકોકમાં રોહિતે જ તેના ગુરુ છોટા રાજન સાથે રવિની મુલાકાત કરાવી હતી. 14મી સપ્ટેમ્બર 2000ના કેટલાક શખ્સોએ પિઝા ડિલિવરીમૅનના વેશમાં ડોરબૅલ વગાડી. રોહિત વર્માએ દરવાજો ખોલ્યો કે તરત જ પરિસ્થિતિ પામી જતા વાર ન લાગી. તેમણે હુમલાખોરોને અટકાવવાનો પ્રયાસ કર્યો. હુમલાખોરોએ તરત જ ધાણીફૂટ ગોળીબાર શરૂ કરી દીધો, જેમાં રોહિતનાં પત્ની સંગીતાને ગોળીઓ વાગી. એ સમયે છોટા રાજન બેડરૂમમાં હતો. બહાર શું બની રહ્યું છે, તે પામી જતાં તેને વાર ન લાગી. રાજને તરત જ દરવાજો બંધ કરી દીધો.
હવે હુમલાખોરો ફ્લેટમાં પ્રવેશી ચૂક્યા હતા અને છોટા રાજન કયા રૂમમાં છે, તેનો અંદાજ આવી ગયો હતો. તેમણે દરવાજાનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો અને બહારથી જ ગોળીબાર શરૂ કરી દીધો, જેમાં રાજનને ગોળી વાગી હતી. ઘાયલ અવસ્થામાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાંથી તેઓ આશ્ચર્યજનક રીતે ગુમ થઈ ગયા હતા. બાદમાં છોટા રાજનના સાગરીતોએ પોલીસને આપેલા નિવેદનમાં બહાર આવ્યું હતું કે તેમને થાઈલૅન્ડની સેનાના વિશેષ વાહનમાં કમ્બોડિયાની સરહદ સુધી લઈ જવામાં આવ્યા હતા.
દેશભક્ત હિંદુ ડોન કે આંચળો?
માર્ચ-1993માં મુંબઈમાં શ્રેણીબદ્ધ બૉમ્બવિસ્ફોટ થયા, જેમાં દાઉદ ઇબ્રાહિમની ગૅંગનો હાથ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ સમાચારને કારણે ગૅંગમાં ઊભી ફાટ પડી ગઈ હતી. છોટા રાજન તેમનાથી અલગ થઈ ગયા અને સ્વતંત્ર રીતે પોતાનું કામ શરૂ કર્યું. બૉમ્બવિસ્ફોટો પછી અમુક મહિના સુધી છોટા રાજને દાઉદ માટે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું, કદાચ તેને યોગ્ય સમય આવવાની રાહ હતી.
જોકે, અંડરવર્લ્ડનું આ વિભાજન ધર્મઆધારિત હતું, એમ કહેવું વધુ પડતું ગણાશે, કારણ કે સંતોષ શેટ્ટી જેવા શખ્સ દાઉદ સાથે જોડાયેલા રહ્યા હતા અને તેમના આર્થિક વ્યવહાર સંભાળતા હતા, જ્યારે ફરીદ તનાશાએ છોટા રાજનને સાથ આપવાનું નક્કી કર્યું હતું.
આ અરસામાં એવા પણ અહેવાલો આવતા રહ્યા કે ભારતની સુરક્ષા માટે જોખમરૂપ હોય તેવા લોકો કે જેમને સુરક્ષા એજન્સીઓ સીધી રીતે ‘ઠેકાણે’ પાડી શકે તેમ ન હતી, તેમને હઠાવવા માટે છોટા રાજન તથા તેમના સાગરીતોની મદદ લેવામાં આવતી હતી.
છોટા રાજને મીડિયામાં તથા જાહેરમાં ખુદને ‘હિંદુ’ તથા ‘દેશભક્ત ડૉન’ તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અરસામાં એક ગૅંગસ્ટર પોલીસ ઍન્કાઉન્ટરમાં મૃત્યુ પામ્યા. અકળ કારણોસર છોટા રાજને તેમનાં વિધવાને મદદ કરવાનો ઇનકાર કરી દીધો.
આ વાતે રાજનની નજીક રહેલા રવિ પૂજારી, સંતોષ શેટ્ટી તથા ગુરુ સાટમ જેવા સાગરિતોમાં અસંતોષ હતો અને તેઓ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા. છોટા રાજન પરના હુમલા બાદ શેટ્ટી તથા પૂજારીએ મળીને અલગથી ગૅંગ ઊભી કરી.
2002 પછી મુંબઈનું અંડરવર્લ્ડ શાંત થઈ ગયું હતું, તે પછી ઊભા થયેલા શૂન્યાવકાશને ‘આરપી ગૅંગ’ દ્વારા પૂરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમના ગૅંગમૅન પાસે આધુનિક હથિયાર કે જીવલેણ હથિયાર ન હતા. રવિ પૂજારીએ મેંગ્લુરુ, કર્ણાટકના ગ્રામીણ વિસ્તારો, મુંબઈ તથા તાલોજમાંથી માણસોની ભરતી કરી હતી.
કેટલાકનું માનવું છે કે આ રીતે તેઓ સાબિત કરવા માગતા હતા કે તેઓ છોટા રાજનની સાથે નથી અને છોટા શકીલના કોપથી બચવા માગતા હતા. એ બાદ 1993ના બૉમ્બબ્લાસ્ટ તથા પોટા (પ્રિવેન્શન ઑફ ટૅરરિઝમ ઍક્ટ)ના ગુનેગારોના કેસ લડતા માજિદ મેમણ ઉપર હુમલાનો પ્રયાસ કર્યો બાદમાં આઝમીના જીવન પરથી ‘શાહિદ’ નામની ફિલ્મ બની હતી, જેમાં રાજકુમાર રાવે મુખ્ય ભૂમિકા ભજવી હતી. મીડિયાને ઇન્ટરવ્યૂ આપવાનો રવિ પૂજારીને ચસ્કો હતો, તે પોતાને ‘દેશભક્ત ડોન’ તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયાસમાં રહેતા હતા.
તેમણે સંસદ પર હુમલાના આરોપી અને બાદમાં છૂટી ગયેલા પ્રો. સૈયદ અલી ગિલાનીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 2018માં તેમણે શૈલા રાશિદ, ઉમર ખાલિદ તથા જિજ્ઞેશ મેવાણીને ધમકીભર્યા ફોનકોલ કર્યા હતા. આ સિવાય કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર તથા કેરળના અનેક રાજનેતાઓને પણ ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ સિવાય સલમાન ખાન, શાહરુખ ખાન, અક્ષય કુમાર તથા કરીમ મોરાની જેવી બોલીવૂડની હસ્તીઓને ધમકીઓ આપી હતી. ફિલ્મસ્ટાર્સ તથા ઉદ્યોગપતિઓને કરેલા ધમકીભરેલા ફોનને કારણે પ્રસારમાધ્યમોમાં તેમને ખૂબ જ પ્રસિદ્ધિ મળી. તેઓ વૉઇસ-ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ કે ‘બર્નર ફોન’ દ્વારા ખંડણી માટે ધમકીભર્યા કોલ કરતા અને અમુક કોલ પછી ફોનનો નાશ કરી દેવામાં આવતો હતો.
તેમણે મહારાષ્ટ્ર, કર્ણાટક તથા ગુજરાતમાં અનેક ઉદ્યોગપતિઓ, બિલ્ડર તથા વેપારીઓને ધમકીભર્યા કોલ કર્યા હતા. આફ્રિકામાં જે રીતે રવિ પૂજારીએ સામ્રાજ્ય ઊભું કર્યું હતું, તેનાથી સ્પષ્ટ છે કે તેમની પાસે ખંડણીની આવકનો નિયમિત સ્રોત હતો.
સેનેગલનો સહયોગ
પશ્ચિમ આફ્રિકાના દેશ સેનેગલના રાષ્ટ્રપતિ મેકી સાલે ગુનેગારો માટે દેશને અભયસ્થાન નહીં રહેવા દેવાનું અભિયાન હાથ ધર્યું હતું અને તેમણે અનેક ઇટાલિયન તથા ચાઇનિઝ માફિયાઓને જે-તે દેશને સોંપવામાં મદદ કરી હતી. એટલે ભારતીય અધિકારીઓમાં પણ રવિ પૂજારી મુદ્દે આશા બંધાઈ હતી.
ફેબ્રુઆરી-2020માં રવિ પૂજારીને ભારત લાવવામાં આવ્યા, પરંતુ તેની સ્ક્રિપ્ટ જાન્યુઆરી-2019માં જ લખાઈ ગઈ હતી, જ્યારે સેનેગલમાં તેમની ધરપકડ થઈ હતી. રવિ પૂજારીને અંદાજ આવી ગયો હતો કે તેમને ભારતમાં લઈ જવામાં આવશે, એટલે તેમણે સેનેગલમાં પોતાના મળતિયાઓ મારફત પોતાની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કરાવ્યો હતો. આથી, ભારતની અરજી અદ્ધરતાલ રહી ગઈ.
છેતરપિંડીના કેસમાં રવિ પૂજારી અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. જોકે, હવે તેઓ ભારતના ગુપ્તચરતંત્રની નજરમાં આવી ગયા હતા.
તેમના ઠેકાણા વિશે સેનેગલની પોલીસને બાતમી આપવામાં આવી. સેનેગલે તત્કાળ કાર્યવાહી કરી અને છેતરપિંડી તથા જામીનના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી. બાદમાં કાર્યવાહી પૂર્ણ થતાં તેમને ભારતને સોંપી દેવામાં આવ્યા.
ભારતમાં આગમન
2018માં કર્ણાટકના તત્કાલીન મુખ્ય મંત્રી એચ. ડી. કુમારસ્વામીએ વૉન્ટેડ આરોપીઓને ઝડપી લેવાનું કામ એડીજીપી અમરકુમાર પાંડેને સોંપ્યું હતું, આ યાદીમાં રવિ પૂજારીનું નામ અગ્રેસર હતું, કારણ કે મેંગ્લુરુ તથા બેંગ્લુરુમાં તેની સામે 90 કરતાં વધુ કેસ નોંધાયેલા હતા.
યેદિયુરપ્પા આઈપીએસ ઓફિસર પાંડે પર કેટલો ભરોસો કરે છે, એ વાતનો અંદાજ એના પરથી લગાવી શકાય કે મે-2018માં વિશ્વાસનો મત ગુમાવ્યો તે પહેલાં જે અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી, તેમાં અમરકુમાર પાંડેનો પણ સમાવેશ થતો હતો.
ફરી એક વખત કર્ણાટકમાં સરકાર બદલાઈ ગઈ અને યેદિયુરપ્પા મુખ્ય મંત્રી બન્યા, પરંતુ પાંડેનું મિશન યથાવત્ રહેવા પામ્યું હતું.
2020ની 14મી ફેબ્રુઆરીએ દુનિયા વૅલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહી હતી, કોરોના વાઇરસનો ઓછાયો વિશ્વ પર ફેલાવા લાગ્યો હતો, પરંતુ હજુ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ નહોતી થઈ. આવા સમયે કર્ણાટક પોલીસની એક ટીમ એડીજીપી પાંડેના નેતૃત્વમાં સેનેગલની રાજધાની ડકાર પહોંચી હતી અને 24મી ફેબ્રુઆરીએ રવિ પૂજારીને લઈને ‘ઍર ફ્રાન્સ’ના વિમાનમાં બેંગ્લુરુના કૅમ્પેગૌડા ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ખાતે ઊતરી હતી.
જો રવિ પૂજારીને સેનેગલમાં થોડો વધુ સમય મળી ગયો હોત તો વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો બંધ થઈ, તેનો તેને લાભ મળ્યો હોત અને તેમને બચી નીકળવાની તક મળી હોત. ત્યારબાદ મહારાષ્ટ્ર અને હવે ગુજરાત પોલીસે તેની કસ્ટડી માગી છે, દેશના અલગ-અલગ ભાગોમાં રવિ પૂજારી વિરુદ્ધ 200 જેટલા કેસ નોંધાયેલા છે.
કર્ણાટક પોલીસના કહેવા પ્રમાણે, તે જરૂરિયાતમંદોમાં કપડાંનું વિતરણ કરતો. ઑક્ટોબર-2018માં નવરાત્રી વખતે ભારતીય સમુદાયના એક કાર્યક્રમને ઍન્થની ફર્નાન્ડિસે સ્પૉન્સર કર્યો હતો અને તેમનાં નામ અને નંબર પણ છપાયાં હતાં. પોલીસનું કહેવું છે કે “એ દરમિયાન તે ખેલૈયાઓને મળ્યા હતા અને તેમની સાથે ગરબે ઝૂમ્યા પણ હતા. એ સમયની તસવીરો અને વીડિયો અમને મળ્યા હતા, જેના આધારે તેની ઓળખને પ્રસ્થાપિત કરવામાં મદદ મળી હતી.” પોલીસના કહેવા પ્રમાણે, “આફ્રિકન દેશોમાં વસતા ભારતીય સમુદાયે રવિ પૂજારીનું પગેરું દાબવામાં મદદ કરી હતી, જેના વગર આ કામ કપરું બની રહ્યું હોત.”
ગુજરાતમાં હાલ એકમાત્ર કેસ
તા. 13મી જાન્યુઆરી 2017ના બોરસદમાં અપક્ષ કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. ઉત્તરાયણના એક દિવસ પહેલાં આ પ્રકારના ફાયરિંગથી પોલીસ બેડામાં હલચલ મચી જવા પામી હતી. બાદમાં તપાસનું પગેરું હરીફ ઉમેદવારના પુત્ર સુધી પહોંચ્યું હતું. જેમણે માતાના પરાજય બાદ પ્રજ્ઞેશની હત્યા માટે સુરેશ પિલ્લાઈ ઉર્ફે સુરેશ અન્નાને રૂ. 25 લાખ આપ્યા હતા. ગણતરીના દિવસોમાં જ પોલીસે પિલ્લાઈ તથા તેના અન્ય એક સાગરીતની ધરપકડ કરી લીધી હતી. આ કેસ પાછળ રવિ પૂજારીની ગૅગ ગણાય છે.
ડીસીબી દ્વારા સ્થાનિકસ્તરે કોણ મદદ કરતું હતું, કોના દ્વારા માહિતી આપવામાં આવી હતી અને કોનું સમર્થન હાંસલ હતું, આશરો આપનાર, પૈસાની હેરફેર તથા હથિયારનો ઉપયોગ તથા તેના નિકાલ જેવા સવાલોનો જવાબ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવશે.
ગુજરાતમાં તેમની વિરુદ્ધ 70 જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 14 જેટલા કેસ ડીસીબીમાં નોંધાયેલા હોવાના અહેવાલ છે. જોકે હાલમાં માત્ર બોરસદ ફાયરિંગ કેસમાં જ પૂજારીની પૂછપરછ કરવામાં આવશે તથા આ વિશે જે કોઈ માહિતી મળે તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવામાં આવશે.