વાસ્તુ ઘરની દરેક જગ્યા વિશે વિસ્તૃત માહિતી આપે છે.રસોડું પણ દરેક ઘરનો ખૂબ મહત્વનો ભાગ છે.ઘરના આ સ્થાન સાથે સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય સંકળાયેલું છે,અને સારું સ્વાસ્થ્ય વ્યક્તિ માટે સૌથી મોટી સંપત્તિ છે. રસોડામાં કોઈપણ પ્રકારની ખામી માત્ર ઘરની ગૃહિણી પર જ નહીં પરંતુ સમગ્ર પરિવાર પર પણ ખરાબ અસર કરે છે
તેથી આ સ્થાન સંબંધિત વાસ્તુના નિયમોનું પાલન કરવું જરૂરી છે.કેટલીક વસ્તુઓ એવી છે જેને સવારે રસોડામાં જોવી શુભ માનવામાં આવતી નથી.એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ જોઈને માતા અન્નપૂર્ણા ગુસ્સે થઈ શકે છે,જેના કારણે તમારા ઘરમાં ખોરાક અને પૈસાની તંગી રહે છે.તો ચાલો જાણીએ તે વસ્તુઓ શું છે.
સવારે ઊઠીને સૌથી પહેલા રસોડામાં ચાકુ અથવા તીક્ષ્ણ વસ્તુઓ જોવી : રસોડામાં પ્રવેશતા સમયે,જો ચાકુના કાંટા વગેરે જેવી તીક્ષ્ણ વસ્તુઓ જોવા મળે,તો તે શુભ માનવામાં આવતી નથી.આ તમારા ઘરમાં વિવાદની સ્થિતિ ઉભી કરી શકે છે.તેથી,રાત્રે કામ કર્યા પછી,તમારે હંમેશા ચાકુ અને અન્ય તીક્ષ્ણ વસ્તુઓ તેમની યોગ્ય જગ્યાએ રાખવી જોઈએ જેથી તમે તેમને સવારે ન જુઓ.
સવારે રસોડામાં બાકી રહી ગયેલ એઠાં વાસણ : રસોડામાં જતાં જ,જો તમે સવારે એઠાં વાસણ જોશો,તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે,તેથી તમારે રાત્રે બધા વાસણો સાફ કર્યા પછી જ સૂવું જોઈએ.મા અન્નપૂર્ણા અને મા લક્ષ્મી જે ઘરમાં ગંદા વાસણો રાત્રે પડેલા હોય ત્યાં ક્યારેય નિવાસ કરતા નથી.આવા લોકોના ઘરમાં ખોરાક અને પૈસાની અછત હોય છે.ઘરમાં ગરીબી જોવા મળે છે.
રાતનું ગંદુ રસોડુ અને સાફ કર્યા વગરની સગળી : હંમેશા રસોડુ અને સગળીની સફાઈ કર્યા પછી જ રાત્રે સૂવું જોઈએ.જો તમે સવારે ઉઠો અને રસોડામાં ગંદી સગળી જોશો,તો તેની ખૂબ જ નકારાત્મક અસર પડે છે.માતા અન્નપૂર્ણા ક્યારેય ગંદા રસોડામાં રહેતા નથી.
આ શ્રેણીમાં આપણે ‘રસોઈ ઘર’ તથા ‘ભોજન કક્ષ’ વિષે વાસ્તુની દ્રષ્ટિએ કયા પ્રકારની ચોકસાઈ રાખવી જરૂરી છે તેના વિષેની સમજ મેળવવા જઈ રહ્યા છીએ. ભારતીય સમાજ વ્યવસ્થામાં સ્થાપિત રસમ પ્રમાણે જોઈએ તો પુરુષ વર્ગ ઘરની આવક-ખર્ચને પહોંચી વળવા પોતાની શક્તિ વાપરે છે. જ્યારે સ્ત્રી પાત્રો મહદ્અંશે ઘરની વ્યવસ્થા સંભાળવા, બાળકો-વડીલો-મહેમાનોની જરૂરિયાતો સાચવવામાં ગૂંથાયેલા રહે છે. આ બંને એટલે કે સ્ત્રી અને પુરુષ પાત્રોને પોતાની જવાબદારી પહોંચી વળવા શરીરમાં ઊર્જા-તાકાતની જરૂરિયાત રહે છે.
અને આવી તાકાત મળી રહે છે તેઓ દ્વારા લેવામાં આવતા ‘ખોરાક’માંથી. આ ખોરાક જે સ્થળે તૈયાર થાય છે તેને ‘રસોઈ ઘર’ કહે છે અને રસોઈ તૈયાર થયા બાદ જ્યાં જમવા બેસે છે અથવા જમવા માટે જે સ્થળનો ઉપયોગ કરે છે તેને ‘ભોજન કક્ષ’ કહેવાય છે.
દરેક સજીવ વ્યક્તિ માટે શરીરમાં તાકાત મેળવવા કુદરતે ત્રણ વસ્તુનું અદ્ભૂત નિર્માણ કર્યું છે. ખાવાની ક્રિયા, સૂવાની ક્રિયા અને શ્વાસોચ્છવાસની ક્રિયા… આ ત્રણેય ક્રિયાનું યોગ્ય પ્રમાણમાં નિર્માણ જ શરીરમાં તાકાત ઊભી કરે છે. તે પરસ્પર આધારિત પણ છે.
જેમકે ભૂખ્યા પેટે ઊંઘ નહિ આવે અને સતત ઊંઘ લેવામાં આવે તો આરામ જેવું નહિ પણ બેચેની લાગશે. શુદ્ધ હવા-શ્વાસ નહિ મળે તો માનવશરીર મૂંઝવણ અનુભવે છે. આમ ખોરાક, ઊંઘ અને શ્વાસ લેવાના કાર્યનું યોગ્ય નિયમન જ માનવ શરીરને કામ કરવાની ઊર્જા આપે છે.
રસોડાના સંદર્ભે ‘વાસ્તુ’ ને તપાસતા આપણે પણ આ જ મૂળ મુદ્દાને હાર્દમાં રાખવાનો રહે છે. વાસ્તુ-શાસ્ત્ર, શરીરને પ્રાપ્ત થતી ઊર્જાના સંદર્ભે રસોઈ-રસોડું અને ભોજન કક્ષને પ્રાધાન્ય આપી રહ્યું છે
રસોડાને અસરકારક તત્વ ‘અગ્નિ’ તત્વ છે. જે શરીરની ઊર્જા માટેનું કારક પણ છે. તે જ રીતે ગ્રહોની વિચારણા કરીએ તો રસોડાના સંદર્ભે અસરકારક ગ્રહ તરીકે ‘શુક્ર’ ગણવામાં આવેલો છે. આ જ ‘અગ્નિ’ તત્વને પ્રધાન રૂપે ગણી રસોઈ બનાવતી વખતે રસોઈ બનાવનારની ઊર્જા તથા ભોજન લેનારને પ્રાપ્ત થતી ઊર્જાનો વિચાર ભવનના આ સ્થાન સંદર્ભે તપાસવામાં આવે છે. આજના ઝડપી શહેરીકરણના કારણે વધી રહેલા બહુમાળી આવાસોમાં રસોડા માટે વિચારસરણી કે વાસ્તુના સિદ્ધાંતો સચવાતા નહિ હોય પરંતુ નવેસરથી પોતાનું મકાન બનાવતા વ્યક્તિઓ માટે વાસ્તુશાસ્ત્રનાં પાયાના સિદ્ધાંતોનો અમલ રસોડા માટે કરે તે ઈચ્છનીય જ નહિ જરૂરી પણ બન્યું છે.
રસોડા માટે પૂર્વ અને દક્ષિણ દિશાની વચ્ચેનો ખૂણો અતિ ઉત્તમ ગણવામાં આવેલ છે. તે શક્ય ન હોય તો, વિકલ્પ તરીકે પૂર્વ દિશામાં ગોઠવણી કરી શકાય. પરંતુ પૂર્વ અત્રે ઉત્તર દિશા વચ્ચેના ખૂણામાં તો રસોડાની ગોઠવણી ન જ કરવી જોઈએ. આ જ પ્રમાણે વિશેષ છણાવટ કરતાં પ્રશ્નોનો ઉંડાણમાં અભ્યાસ કરતા ઉત્તર દિશા અને પશ્ચિમ દિશાને પણ નકારાત્મક ગણેલ છે. તેથી તે દિશામાં રસોડાનું સ્થાન રાખવું ન જોઈએ.
પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચેના ખૂણામાં રસોડું બનાવડાવ્યું હોય એવા વ્યક્તિ-કુટુંબની કમાતી મુખ્ય વ્યક્તિની આવકમાં સતત ઘટાડો થવા પામે છે. તેટલું જ નહીં તે કુટુંબનાં ખર્ચની વિગતો તપાસતા બિનજરૂરી-અણધાર્યા ખર્ચ સ્વરૂપે જાવકનું પ્રમાણ પણ વધતું રહે છે.
તે જ રીતે નૈઋત્યમાં રસોડું હોય તો સામાજિક વિરોધાભાસ ઉદ્ભવે છે. (રસોડાની અંદર સ્થાનની રીતે તપાસીએ તો પશ્ચિમ અને દક્ષિણના ખૂણામાં ગેસ સ્ટવની ગોઠવણી કરવી જરા પણ ઈચ્છનીય નથી. આ દિશામાં ગેસ-સ્ટવની ગોઠવણી કરવાથી ઘરની મુખ્ય સ્ત્રી અથવા રસોઈ કરનાર પાત્રને દાઝી જવાના બનાવો બને તેવી શક્યતા વધી જાય છે.
આ જ પ્રમાણે ગેસસ્ટવને સ્પર્શ થાય તેટલા નજીક આર.ઓ.(પાણીનું સાધન) કે માટલું કે પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવવી પણ વાસ્તુશાસ્ત્રમાં માન્ય નથી. અને જો તેવી ગોઠવણી થઈ હશે તો ઘરનાં સ્ત્રી પાત્ર થાક વધારે અનુભવશે તેમજ સવારે ઉઠતી વખતે આળસ વધુ આવશે. વાસ્તુશાસ્ત્રમાં, રસોડાની અંદર ગેસના સ્ટવ કે પ્રાયમસની નજીક કે ઉપર-નીચે પૂજાનું ખાનું-કબાટ રાખવા પણ મનાઈ ફરમાવી છે. રસોડામાં દિવાલોનાં રંગ ભડકાઉ લાલ-જાંબલી જેવા ન રાખવા. કેમકે જો એમ કરવામાં આવે તો રસોઈ બન્યા બાદ જમતી વખતના આવેશ અને લાગણીઓ આક્રોશવાળી જોવા મળે છે.
રસોડાની દિવાલની સાથે સમગ્ર કંપાઉન્ડની દિવાલ, એટેચડ બાથરૂમ કે ટોઈલેટની દિવાલ કે પૂજાના રૂમની દિવાલ સીધી જ સ્પર્શતી ન હોવી જોઈએ. મકાનમાં રસોડાની પાછળ અંડર ગ્રાઉન્ડ ટાંકી હોય તો આવી ટાંકીની દિવાલ પણ રસોડાની દિવાલને સ્પર્શતી ન હોય તે લક્ષમાં લેવુ જોઈએ. રસોડાનું સીંક-વોશબેઝીન-પાણી વ્યવસ્થા વગેરે સ્થાનિક (લોકલ-રસોડા પૂરતા) પૂર્વ-ઉત્તર દિશા વચ્ચે રાખવું જોઈએ.
કિચનના બારણાની બિલકુલ સામે કે દિવાનખંડની બેઠક પરથી મહેમાનોની નજર ગેસ પર પડે તે રીતે ન રાખવા જોઈએ. તેમજ રસોડાનું ભોંયતળિયા (ફ્લોરીંગ) માટે ગ્રેનાઈટ કે ટાઈલ્સ કાળા કલરની વાપરવી ન જોઈએ. રસોઈ બનાવતી વખતે રસોઈ કરનારનો ચહેરો પૂર્વમાં રહે તો વધુ સારૃં ગણવામાં આવે છે.
ભોજન કક્ષઃ જમતી વખતે જમનારનો ચહેરો પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાને વાસ્તુશાસ્ત્ર હકારાત્મક ગણે છે. જમવાના રૂમનો રંગ સફેદ અથવા ગ્રીન લાઈટ યોગ્ય રહે છે. બાંધકામની દ્રષ્ટિએ ભોજનકક્ષ અલગ તૈયાર કરવો હોય તો પશ્ચિમ દિશામાં તૈયાર કરાવવો જોઈએ.
દક્ષિણ દિશામાં મુખ રાખીને જમવું ન જોઈએ કારણકે તેમ કરવાથી ખોરાક ન પચવાનો તેમજ તેના કારણે ગેસ થવો, અમલ્તા આવવી વગેરે પણ પ્રશ્નો રહે છે. ખાતી વખતે ટી.વી. જોવું કે ડાયનિંગ ટેબલની સામે ટી.વી. ચાલુ રાખવાથી વાસ્તુ દોષ ઉભા થતા હોઈ તેમ ન કરવાનું આ શાસ્ત્ર સૂચન કરે છે. મહ્દ અંશે આરોગ્યના તમામ પ્રશ્નો ખોરાક અને પાચનશક્તિ સંદર્ભિત હોઈ ભોજન કક્ષ-રસોઈ ઘરની ચોકસાઈ, આરોગ્યની સમસ્યા અને દવાખાનાનાં ધક્કામાં ૬૫ થી ૭૫% ઘટાડો કરી તબીબી ખર્ચમાં નોંધપાત્ર બચત કરી શકે છે.
વાસ્તુ અને ભવન નિર્માણ સમાજ વ્યવસ્થામાં મહત્ત્વનો ભાગ ભજવતા હોઈ જાણે-અજાણે આ સિધ્ધાંતોનો અમલ ન થઈ શકતો હોય ત્યારે આ શાસ્ત્રનાં જ્ઞાતા અને તેમના અનુભવનો લાભ મેળવી આરોગ્યપ્રદ જીવન અને ઊર્જા સભર દીન પસાર કરવો તે માનવશરીરનો અધિકાર બની રહે છે.