અફઘાનિસ્તાનમાં અત્યારે પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે. આ દેશ પર તાલિબાને કબજો કરી લેતાં સામાન્ય નાગરિકથી માંડીને ક્રિકેટર્સનાં પરિવારજનો પણ મુશ્કેલીમાં મુકાયાં છે. આ અંગે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્ટાર ખેલાડી રાશિદ ખાને છેલ્લા કેટલાક દિવસો પહેલાં એક ભાવુક સંદેશો સોશિયલ મીડિયામાં શેર કરી વૈશ્વિક નેતાઓની સહાયતા માગી હતી. તેની આ પ્રતિક્રિયાને પગલે હવે તાલિબાન ગુસ્સે થયું હોવાના સમાચાર બહાર આવી રહ્યા છે. આટલું જ નહીં, રાશિદના આવા વલણને પગલે તેને અફઘાનિસ્તાનના કેપ્ટનશિપપદ પરથી પણ હટાવાઈ શકે છે.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પર તાલિબાનનો કબજો
તાલિબાનોએ ગુરુવારે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની ઓફિસમાં એન્ટ્રી મારી લીધી છે. ચોંકાવનારી વાત તો એ રહી કે તાલિબાનોને ત્યાં લઇ જનાર બીજું કોઈ નહીં, પરંતુ પૂર્વ અફઘાન ઈન્ટરનેશનલ ક્રિકેટર અબ્દુલ્લા મઝારી જ છે. સોશિયલ મીડિયામાં અત્યારે એક તસવીર વાઇરલ થઈ રહી છે, જેમાં આતંકવાદીઓ AK-47 લઇને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની હેડ ઓફિસમાં ધસી આવ્યા હતા.
રાશિદનો ખાસ મિત્ર જ તાલિબાનના પડખે ઊભો રહ્યો
રાશિદ ખાનનો સાથી ખેલાડી અબ્દુલ મઝારી અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો સ્પિન બોલર છે. ચોંકાવનારી ઘટના એ રહી કે અબ્દુલ મઝારી જ તાલિબાનોને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડની ઓફિસ સુધી દોરી ગયો હતો. એવામાં જો અબ્દુલ અઝારીની કારકિર્દીની વાત કરીએ તો તેણે અત્યારસુધી 2 ઈન્ટરનેશનલ વનડે મેચ રમી છે.
અબ્દુલ અઝારીએ 21 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે.
અબ્દુલ અઝારીએ કુલ 21 ફર્સ્ટ ક્લાસ, 16 લિસ્ટ A અને 13 T-20 મેચ પણ રમી છે. તમને જણાવી દઇએ કે અબ્દુલ અઝારી અને રાશિદ ખાન એકસાથે કાબુલ ઈગલ્સની ટીમમાંથી પણ મેચ રમી ચૂક્યા છે.
રાશિદે થોડા દિવસો પહેલાં વૈશ્વિક નેતાની મદદ માગી હતી
રાશિદ ખાને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને અફઘાનિસ્તાનની સ્થાનિક જનતા અને પોતાના પરિવારની દયનીય સ્થિતિ અંગે ઘટસ્ફોટ કર્યો હતો. તેણે વૈશ્વિક નેતાની સહાયતા માગી લોકોને મદદ કરવાની અપીલ કરી હતી. તેવામાં હવે તાલિબાને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પર પણ કબજો કરી લેતાં રાશિદ ખાનને કેપ્ટનપદેથી હટાવી દેવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
રાશિદ પોતાના પરિવારની સહાય કરી શકે એમ નથી
પીટરસને વધુમાં જણાવ્યું હતું કે અત્યારે રાશિદ ખાન તેમના પરિવારને દેશ છોડવા માટે સહાય કરી શકવા માટે સક્ષમ નથી. આટલી બધી મુશ્કેલીઓ હોવા છતા તે મેદાન પર પોતાનુ બેસ્ટ આપી રહ્યો છે, જે જોઇને હું તેમનાથી પ્રભાવિત થયો છું.
તમને જણાવી દઇએ કે રાશિદ ખાન ‘ધ હન્ડ્રેડ’માં પ્રશંસનીય પ્રદર્શન દાખવી રહ્યો છે. તેણે 6 મેચ રમી છે જેમાં 12 વિકેટ લઈને ટોપ પર છે.
દાવો- તાલિબાનો ક્રિકેટપ્રેમી છે
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના CEO હામિનદ શિનવારીએ લોકોને કહ્યું હતું કે ત્યાં ક્રિકેટ સુરક્ષિત છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે તાલિબાનો ક્રિકેટપ્રેમી છે અને તેમણે શરૂઆતથી જ અમને સપોર્ટ કર્યો છે અને અત્યારે અફઘાનિસ્તાનના દરેક ક્રિકેટર અને તેમના પરિવારના સભ્યો સુરક્ષિત છે.
સ્ટેડિયમો પણ તાલિબાનના કબજામાં
તાલિબાનોએ અફઘાનિસ્તાનનાં 6 પ્રમુખ સ્ટેડિયમ પણ પોતાના બાનમાં લઇ લીધાં છે, જેમાં કાબુલનું સ્ટેડિયમ પણ સામેલ છે. અફઘાનિસ્તાન ક્રિકેટ સાથે જોડાયેલા અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે દેશમાં અત્યારે જે કંઇપણ થઈ રહ્યું છે એની અસર ક્રિકેટ અથવા કોઇપણ સ્પોર્ટ્સ પર નહીં થાય. અફઘાનિસ્તાનની ટીમ ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં પણ ભાગ લઈ શકશે.
T-20 વર્લ્ડ કપમાં પણ અફઘાનિસ્તાન રમશે
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના મેનેજર હિકમત હસને કેટલાક દિવસો પહેલાં પુષ્ટિ કરતાં કહ્યું હતું કે અફઘાનિસ્તાનની ટીમ UAEમાં આયોજિત T-20 વર્લ્ડ કપમાં ભાગ લેશે. અફઘાનિસ્તાને ટોપ-8 ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખીને સીધું વર્લ્ડ કપમાં ક્વોલિયાફાઇ કરી લીધું છે.