1. રાજકોટવાસીઓને નવી ભેટ
મુસ્તફા લાકડાવાલા, રાજકોટ: રાજકોટવાસીઓને હવે ટુંક સમયમાં જ નવા એરપોર્ટની ભેટ મળવા જઈ રહી છે. ત્યારે આ એરપોર્ટ શરૂ થાય તે પહેલા જ અનેક નવી ફ્લાઈટ પણ શરૂ કરવામાં આવી છે. એરપોર્ટનું મોટા-ભાગનું કામ પૂરું થઈ ગયું છે. આગામી સમયમાં ગમે ત્યારે ઉદ્ઘાટનની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
2. PM મોદીના હસ્તે થશે લોકાર્પણ
રાજકોટનાં હિરાસર એરપોર્ટનું જુલાઈનાં અંત અથવા ઓગસ્ટની શરૂઆતમાં એરપોર્ટ શરૂ થઈ શકે છે. ત્યારે વડાપ્રધાન એરપોર્ટનું લોકાર્પણ કરી શકે છે. ટૂંક સમયમાં સત્તાવાર તારીખ જાહેર થાય તેવી શક્યતા છે.
3. ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનશે હિરાસર એરપોર્ટ
રાજકોટનું હિરાસર એરપોર્ટ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનશે. આ સાથે જ આ ગુજરાતનું સૌથી લાંબો રનવે ધરાવતું એરપોર્ટ પણ બનશે. રાજકોટના આ એરપોર્ટના રનવેની કુલ લંબાઈ 3.4 કિમી છે.ત્યારે આ સ્થિતિમાં બોઈંગ 737 જેવા જમ્બો એરક્રાફ્ટ અહીંલેન્ડ થઈ શકશે અને ટેક ઓફ કરી શકશે. અત્યારે ગુજરાતમાં જો સૌથી વધુ એર ટ્રાફિક રહેતો હોય તો તે અમદાવાદ એરપોર્ટ રહે છે. જ્યારે સુરત અને વડોદરા એરપોર્ટ ટૂંકા રનવે ધરાવે છે.
4. હિરાસર એરપોર્ટમાં એશિયાની સૌથી લાંબી એરપોર્ટ ટનલ
આ એરપોર્ટ પર ડ્રેનેજના સારા પગલાં લેવામાં આવ્યા છે. રનવેની નીચે એક ટનલ બનાવવામાં આવી છે જેથી પાણી ભરાઈ નજાય. આ ટનલ 700 મીટરની છે. જે એશિયાની સૌથી લાંબી એરપોર્ટ ટનલ છે.
5. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હિરાસર એરપોર્ટ
હિરાસર એરપોર્ટમાં ટર્મિનલ સ્થાનિક ચીજવસ્તુઓનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. આ સાથે જ ઉર્જાનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવામાં આવશે. હવાઈપટ્ટી, એક્ઝિટ ટેક્સી, ટ્રેક, પેસેન્જર ટર્મિનલ અને કાર્ગો ટર્મિનલ બિલ્ડિંગ અહિંયા ઉભા કરવામાં આવ્યાં છે. એરપોર્ટ પર રેઈન વોટર હાર્વેસ્ટિંગ સીસ્ટમ, ગ્રીન બેલ્ટ તથા સોલાર પાવર સીસ્ટમ પણ લગાવવામાં આવીછે.
6. દિલ્લીથી ટીમ ચેકિંગ માટે રાજકોટ આવી
અત્યંત મહત્વના અંગ એવા રન-વેને આંતરરાષ્ટ્રીય એરપોર્ટના માપદંડ પ્રમાણે તૈયાર કરવામાં આવ્યો છે કે કેમ? તે સહિતના ઈન્ફ્રાસ્ટ્રકચરનું ઈન્પેક્શન કરવા માટે દિલ્હીથી એક ટીમ રાજકોટ આવી પહોંચી છે.જે 2-3 દિવસ સુધી ચેકિંગ કરશે જે બાદ લાયસન્સ ઈશ્યુ કરવા અંગેના મહત્વપૂર્ણ નિર્ણયને જાહેર કરશે.
7. સૌરાષ્ટ્રના લોકોને અમદાવાદ સુધી લાંબુ નહીં થવું પડે
હિરાસરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થતાંની સાથે જ જામનગર, જૂનાગઢ, ભાવનગર, કચ્છ, મોરબી અને રાજકોટ સહિતના લોકોને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે અમદાવાદ સુધી જવું પડતું હતું. તે નહીં જવું પડે. હવેથી રાજકોટવાસીઓ ઇન્ટરનેશનલ ફ્લાઇટથી હિરાસર એરપોર્ટ પરથી ઉડાન ભરી શકશે.