ઓલોમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા મીરાંબાઈને મૂળ કચ્છના હરિયાળી બહેને ફિઝીયોથેરાપીની તાલીમ આપી

જાપાનના ટોકિયો ખાતે યોજાયેલા વર્ષ 2021ના ઓલોમ્પિક મહોત્સવમાં વજન પ્રશિક્ષણમા સિલ્વર ચંદ્રક હાંસિલ કરી દેશને ગૌરવ અપાવનાર મીરાંબાઈ ચાનુંની જીતનો આનંદ મુન્દ્રા તાલુકાના માત્ર 225ની જનસંખ્યા ધરાવતા રાધા ગામ સુધી પહોંચ્યો હતો કેમ કે, આ સિધ્ધિ મેળવનારા રમતવીર મહિલાને મૂળ રાધા ગામના ફિઝિયોથેરાપિસ્ટે તાલીમ આપી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરનાર મીરાંબાઈને સિધ્ધિના શિખર સુધી પહોંચાડવામાં મહત્વનો ફાળો આપનારા ફિઝીયોથેરાપિસ્ટ ટ્રેનર ડો. હરિયાળીબેન રમેશભાઈ ગઢવીની જન્મભૂમિ નાનકડું એવું રાધા ગામ છે.
હાલ મુંબઈના મુલુન્ડને કર્મભૂમિ તરીકે અપનાવનાર હરિયાળીબેનના પિતા રમેશભાઈ ગઢવીએ દિવ્યભાસ્કર સમક્ષ હર્ષભેર પુત્રીની પ્રાપ્તિઓ વર્ણવતા જણાવ્યું હતું કે આગામી સમયમાં દેશ માટે વધુમાં વધુ સિધ્ધીઓ હાંસિલ કરવા માટે હરિયાળીબેન અને તેમની ટીમ અથાગ મહેનત કરી રહી છે.જયારે રાધામાં વસવાટ કરતા વિનોદભાઈ ગઢવીએ મીરાંબાઈએ ચંદ્રક પ્રાપ્ત કરતાની સાથે સમગ્ર ગામમાં આનંદની લાગણી છવાયા ઉપરાંત લોકો એક બીજાને શુભેચ્છાની આપલે કરતા હોવાનું જણાવ્યું હતું. કચ્છ જિલ્લામાં રમત-ગમત ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોથી જાગૃતતા વધવા પામી છે.
વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ભારતને ટોક્યો ઓલિમ્પિકના પ્રથમ દિવસે મેડલ અપાવ્યો. તેમણે 21 વર્ષ પછી ઓલિમ્પિકમાં ભારત તરફથી વેઈટલિફ્ટિંગમાં મેડલ જીત્યો. આ અગાઉ 2000 સિડની ઓલિમ્પિક્સમાં કર્ણમ મલ્લેશ્વરીએ આ સ્પોર્ટ્સમાં મેડલ જીત્યો હતો. મીરાએ કુલ 202 કિલો (87 કિલો+115 કિલો)નું વજન ઉઠાવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.
મીરાએ ભારતને પ્રથમ મેડલ અપાવ્યું
ટોક્યો ઓલિમ્પિકમાં મીરાએ ભારતને પ્રથમ અને અત્યાર સુધીનું એકમાત્ર મેડલ અપાવ્યું છે. વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનૂએ મહિલાઓની 49 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં કુલ 202 કિલોગ્રામ વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યું હતું. જ્યારે ચીનની હોઉ જિહુઈએ 210 કિલોગ્રામ વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યું હતું. ઇંડોનેશિયાની કેટિકા વિંડીએ બ્રોન્ઝ મેડલ જીત્યું હતું.
મીરાબાઈએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
આ વર્ષે એપ્રિલમાં થયેલી તાશકંદ એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મીરાબાઈ ચાનૂએ સ્નેચમાં 86 કિલો ઉપાડ્યા પછી ક્લીન એન્ડ જર્કમાં વર્લ્ડ રેકોર્ડ બનાવતાં 119 કિલોગ્રામ વજન ઉપાડયું હતું. કુલ 205 કિગ્રા સાથે તે ત્રીજા સ્થાને રહી હતી. અગાઉ ક્લીન એન્ડ જર્કમાં વર્લ્ડ રેકોર્ડ 118 કિલો હતો. ચાનૂનું 49 કિલોગ્રામમાં વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કુલ 203 કિલો (88 કિગ્રા અને 115 કિગ્રા), જે તેણે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં નેશનલ ચેમ્પિયનશિપમાં બનાવ્યું હતું.