નવરાત્રીનાં પવિત્ર નવ દિવસો સુધી માતાજીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસોમાં માતાજીને પ્રસન્ન કરવા માટે ભક્તો વ્રત તથા પુજાપાઠ અને અનુષ્ઠાન કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસોમાં માતાજીના નવ સ્વરૂપની પુજા અર્ચના કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને ભક્તોની બધી જ મનોકામનાઓ પુરી થાય છે. નવરાત્રિના નવ દિવસ સુધી વ્રત રાખવાને લઈને પણ અમુક નિયમ તથા ધાર્મિક માન્યતાઓ છે, જેનું પાલન કરવું આવશ્યક હોય છે. નિયમોની વિરુદ્ધ કામ કરવા પર માતાજી રિસાઈ જાય છે. શાસ્ત્રો અનુસાર જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો માતાજીની કૃપા મળે છે અને દરેક મનોકામના પુરી થાય છે.
ધાર્મિક માન્યતા છે કે નવરાત્રીના સમય દરમિયાન સંપુર્ણ શ્રદ્ધાથી માતા દુર્ગાની પુજા અર્ચના કરવાથી તેઓ ભક્તોની દરેક મનોકામના પુરી કરે છે, પરંતુ સાથોસાથ અમુક કામ એવા હોય છે જેને નવરાત્રીના સમય દરમિયાન ન કરવાની સલાહ આપવામાં આવે છે. માન્યતા છે કે આ કાર્ય કરવાથી જાતકો ઉપર તેનો નકારાત્મક પ્રભાવ પડે છે. તો ચાલો જાણીએ કે નવરાત્રીના સમય દરમિયાન કયા કયા કામ ન કરવા જોઈએ.
કન્યાઓનું દિલ દુભાવવું નહીં
ભારતીય પરંપરાઓમાં કન્યાઓને માં દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. એ જ કારણ છે કે નવરાત્રિમાં કન્યા પુજન કરીને લોકો પુણ્યની પ્રાપ્તિ કરે છે. માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન કોઈપણ કન્યા અથવા મહિલા પ્રત્યે અસન્માનનો ભાવ આવવા દેવો નહીં. શાસ્ત્રોમાં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે “યત્ર નાર્યાસ્તુ પુજયંતે રમંતે તત્ર દેવતા”. કોઈપણ કન્યાનું અપમાન થવા પર માં દુર્ગા નારાજ થઈ શકે છે.
ઘર એકલું છોડવું નહીં
જો તમે ઘરમાં કળશની સ્થાપના કરી છે અથવા માતાજીની ચોકી અથવા અખંડ દીવો રાખેલો છે તો ઘર ક્યારેય પણ ખાલી છોડવું જોઈએ નહીં. એટલે કે ઘરમાં કોઈપણ વ્યક્તિનું હોવું ખુબ જ જરૂરી છે. સાથોસાથ વ્રતના દિવસોમાં દિવસના સમય સુવાની પણ મનાઈ હોય છે.
ચામડાની ચીજો પહેરવી નહીં
ચામડાની ચીજો એટલે કે લેધર જાનવરોની ચામડીમાંથી બનેલ હોય છે અને તેને અશુભ માનવામાં આવે છે. તેવામાં નવરાત્રી દરમિયાન ચામડાની ચીજો જેમ કે બેલ્ટ, બુટ-ચપ્પલ, જેકેટ વગેરેનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ.
વાળ અને દાઢી કાપવી નહીં
ધાર્મિક માન્યતા છે કે જો તમે નવરાત્રિમાં નવ દિવસનું વ્રત રાખો છો તો તમારે વાળ અને દાઢી કાપવા જોઈએ નહીં. આ દરમિયાન વાળ અને દાઢી કાપવાથી ભવિષ્યમાં સફળ થવાની સંભાવના ખુબ જ ઓછી થઈ જાય છે. તેવામાં નવરાત્રિના નવ દિવસોમાં વાળ કાપવાથી દૂર રહેવું જોઈએ.
નખ કાપવા નહીં
નવરાત્રી દરમિયાન નખ કાપવાની પણ મનાઈ હોય છે. ધાર્મિક માન્યતા છે કે નવરાત્રિના આ નવ દિવસોના સમયમાં નખ કાપવાથી માતાજી ક્રોધિત થઈ જાય છે અને અશુભ ફળ મળે છે. એટલા માટે અમુક લોકો નવરાત્રી શરૂ થતા પહેલા જ પોતાના નખ કાપી લેતા હોય છે.
લસણ ડુંગળીનું સેવન કરવું નહીં
નવરાત્રી દરમિયાન ઘરમાં ભોગ વગેરેનું ખુબ જ વધારે મહત્વ હોય છે અને દેવી દેવતાઓને ભોગમાં સાત્વિક ચીજો ચઢાવવામાં આવે છે. પ્રાચીન સમયથી જ લસણ અને ડુંગળીને તામસિક ભોજનની શ્રેણીમાં રાખવામાં આવેલ છે. તેવામાં નવરાત્રીના દિવસોમાં લસણ અને ડુંગળીનો સેવન બિલકુલ પણ કરવું જોઈએ નહીં.
માંસાહારી ભોજન
નવરાત્રિના સમય દરમિયાન ભક્તો ઉપવાસ રાખીને માતા દુર્ગાની પુજા કરે છે. નવરાત્રીના સમય દરમિયાન માતાજીના નવ અલગ અલગ સ્વરૂપની પુજા કરવામાં આવે છે. તેવામાં નવરાત્રીના સમય દરમિયાન માંસાહારી ભોજનથી દૂર રહેવું જોઈએ.
શરાબનું સેવન
કોઈપણ પવિત્ર તહેવાર દરમિયાન શરાબનું સેવન બિલકુલ પણ કરવું જોઈએ નહીં. નવરાત્રિનો મહાપર્વ દેવી દુર્ગાની ઉપાસના કરવા માટે ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. એટલા માટે આ સમય દરમિયાન શરાબના સેવનથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.
કલેશથી દૂર રહેવું
નવરાત્રિના નવ દિવસોમાં ઘણા બધા લોકો વ્રત રાખતા હોય છે. તેવામાં તકરાર અને કલેશથી બચવું જોઈએ. કારણકે કલેશથી વ્રત કરનાર વ્યક્તિની આત્માને દુઃખ પહોંચે છે, જેનાથી માં દુર્ગા રિસાઈ શકે છે. તેવામાં કોશિશ કરો કે દરેક પ્રકારના વાદ વિવાદથી દૂર રહો. શ્રી રામચરિત માનસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લડાઈ ઝઘડા વાળા ઘરમાં માં લક્ષ્મી રોકાતા નથી.
કામવાસના પર રાખો કાબુ
નવરાત્રિના દિવસોમાં કામ ભાવના ઉપર નિયંત્રણ રાખવું અતિ આવશ્યક છે. આ દિવસોમાં મહિલાઓ અને પુરુષો બંનેએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. માતાજીની પુજા અર્ચના શુધ્ધ મનથી કરવાથી જ માતાજી પ્રસન્ન થાય છે, એટલા માટે આ દિવસોમાં શારીરિક સંબંધ બનાવવા જોઈએ નહીં.