મેઘરાજાએ ધડબડાટી બોલાવી, ભારેથી અતિભારે વરસાદની આગાહી, કોને ચેતવણી અપાઈ?

Posted by

હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સતત પાંચ દિવસ વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગે બુધવારે વ્યક્ત કરી હતી. આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ઓછા-વધતા પ્રમાણમાં વરસાદ રહેવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ચોમાસાનું જોર વધવાની સાથે ગરમીમાં ઘટાડો થયો છે.

પાછલા બે કલાકમાં તાપી, વલસાડ, જૂનાગઢ, ડાંગ, નવસારી સહિતના ભાગોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સૌથી વધારે સોનગઢમાં 42mm વરસાદ થયો છે, જ્યારે વલસાડના વાપીમાં 28mm અને જૂનાગઢા માણાવદરમાં 24% વરસાદ પડ્યો છે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ આખા ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે, લગભગ રાજ્યના તમામ ભાગોમાં વરસાદની શક્યતાઓ છે. કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. તેમ તેમણે બુધવારે જણાવ્યું હતું.

હવામાન વિભાગે આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જેમાં સુરત, નર્મદા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. જ્યારે અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, તાપી અને ભરૂચમાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતાઓ છે.

આ પછી શુક્રવારે સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, અને અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ડાંગ, તાપી, ભરૂચમાં ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

શનિવાર અને રવિવારે પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડ, સુરત, ડાંગ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે.

ભારે વરસાદ અને પવનના કારણે માછીમારોને પણ વોર્નિંગ આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. માંડવી (કચ્છ), મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા, પોરબંદર અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, દહેજ, મગદલ્લા, દમણના માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. અહીં પવનની ગતિ 40-45 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *