રાજકોટના પ્રોફેસર કોરોના બાદ છેલ્લા 4 મહિનાથી વધુ સમયથી કોમામાં છે. પરિવાર આખો સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ હૃદયદ્રાવક સ્થિતિ અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં દેશ- વિદેશમાંથી લોકો મદદ માટે આવ્યા હતા. ત્યારે હાલ પ્રોફેસરની આયુર્વેદિક ડોક્ટર્સ દ્વારા સારવાર શરૂ કરવામાં આવતાં તબિયતમાં થોડો સુધારો જણાયો છે. તબીબોના કહેવા મુજબ પ્રોફેસર 90 દિવસમાં કોમામાંથી બહાર આવી સંપૂર્ણ સ્વસ્થ થશે.
યુવાન પ્રોફેસર રાકેશ વઘાસિયા 4 મહિનાથી વધુ સમયથી કોમામાં જતાં રહ્યાં બાદ હજુ બહાર નથી આવ્યાં. ભલભલાની આંખમાં આંસુ આવી જાય તેવી આ વાસ્તવિક વાતનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયા બાદ મદદ માટે રાજકોટથી લઈ અમેરિકા સુધીના લોકો આગળ આવ્યા છે. પ્રોફેસર માટે હજારો લોકો પ્રાર્થના પણ કરી રહ્યાં છે. ત્યારે લાંબા સમય બાદ આખરે રાજકોટના આયુર્વેદિક તબીબોએ પરિવારનો સંપર્ક કર્યો હતો અને સારવાર માટે સલાહ આપી હતી.
પ્રોફેસરના પત્ની નમ્રતાબેનના જણાવ્યા મુજબ છેલ્લા એક અઠવાડિયાથી આયુર્વેદિક સારવાર શરૂ કરવામાં આવી છે. જેથી તબિયતમાં થોડો સુધારો પણ જણાયો છે. બીજી તરફ તબીબોએ પરિવાજનોને કહ્યું છે કે, 90 દિવસમાં પ્રોફેસર કોમામાંથી બહાર આવી જશે અને સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. જેથી લાંબા સમય બાદ વઘાસિયા પરિવારમાં ખુશી જોવા મળી છે. પરિવારનું કહેવું છે કે, દેશ- વિદેશમાંથી લોકોએ કરેલી પ્રાર્થના પ્રભુ સાંભળી રહ્યા છે. હાલ કેટલાક આગેવાનો અને સાથી પ્રોફેસરો મિત્રો કોમામાં રહેલા પ્રોફેસરનો પગાર ફરી શરૂ કરવા માટેની પ્રોસેસ કરી રહ્યા છે.