વર્ષ 2019ની ઘટના પર એક નજર નાંખી આજની સત્ય કથાના મંડાણ કરીએ.’સમન્વય ગૌષ્ઠી’દ્વારા આયોજિત ત્રિદિવસીય પરિસંવાદમાં મારે કડી મુકામે જવાનું બનેલું. બે વર્ષથી મને વક્તવ્ય માટે નિમંત્રણ મળતું હતું, પણ પ્રતિકૂળ સંજોગોના કારણે હું જઈ નહોતો શકતો.આ વખતના કાર્યક્રમ માટે પ્રતાપભાઈ ત્રિવેદી (સૌ એમને દાદા કહે)નો મને ફોન આવ્યો એટલે મેં તરત જ હા પાડી અને ઉમેરેલું કે આ વખતે હું ગમે તે ભોગે કાર્યક્રમમાં ઉપસ્થિત રહીશ.
કાર્યક્રમના ત્રીજા દિવસે રવિવારે હું સમયસર પહોંચી ગયેલો. એંસી જેટલા શિક્ષિત શ્રોતાઓ અને અમે ચારેક વક્તાઓ હતા. આદરણીય મનસુખભાઈ સલ્લા જેવા વિદ્વાન કેળવણીકાર પણ ખરા જ.ઉત્તમ સંવાદ અને અભ્યાસપૂર્ણ વક્તવ્યો પછી સાંજે પાંચ આસપાસ કાર્યક્રમ પૂર્ણ થયો એટલે મેં જવા માટે આયોજકોની રજા માંગી. વિઠ્ઠલભાઈ સવાણી અને પ્રતાપદાદાની રજા લઈ હું નીકળવા જતો હતો ત્યાં દાદાએ મને અટકાવ્યો.
“રવજીભાઈ! તમને જવાની ઉતાવળ ન હોય તો એક સેવાનું કામ સોંપવું છે. તમે હા પાડો તો પાંચેક મિનિટનો સમય લઈ તમને વાત કરું. અમે થાકી ગયા છીએ. તમે મહેનત કરશો તો કદાચ થઈ શકશે. બહુ પુણ્ય મળશે તમને.” દાદાએ શ્વાસ લેવા પોરો ખાધો એટલી વારમાં હું બોલ્યો.
‘અરે! દાદા! આપે કામ સોંપવા હુકમ કરવાનો હોય. આપે વિનંતિ ન કરવાની હોય ! અને હા, મને એટલી ખબર છે કે આપનું કામ સો ટકા વાજબી કામ જ હશે.આપ આદેશ કરો, હું શક્ય તમામ મદદ કરીશ.’ હું આટલું બોલ્યો ત્યાં દાદાએ દૂર ઊભેલા એક બેનને બોલાવવા અવાજ કર્યો. “એ બેટા રોશની..! આ બાજુ આવ.” અવાજ સાંભળતા જ પેલા બેન દોડી આવ્યાં.
“જુઓ, રવજીભાઈ! આ રોશની છે. મારી દીકરી છે. એણે એના સાતેક મહિનાના બાળકનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. એનું રીએમ્બર્સમેન્ટ બિલ સરકારમાં અટવાયું છે.દીકરીએ મકાન વેચી લાખો રૂપિયા લોન લઈ દીકરાની જિંદગી બચાવી છે. તમે સરકારમાં બેઠાં છો તો મને થયું કે આ કેસ તમને સોંપુ. દીકરી હવે થાકી ગઈ છે. બિલની રકમ મોટી છે. તમારે મદદ કરવાની છે.”
એક બાપ દીકરીને મદદ કરવા વલખા મારે એ રીતે દાદા બોલી રહ્યા હતા. દાદાના ગળે ડૂમો આવ્યો એટલે મેં એમને અટકાવ્યા. ‘દાદા, આખો કેસ જોવો પડશે. ડોક્યુમેન્ટ તપાસવા પડશે. પણ, હું આપને ખાતરી આપું છું કે આ કેસ નહીં ઉકેલાય ત્યાં સુધી હું જંપીને બેસીશ નહીં. આમાં ઉતાવળ નહીં ચાલે. થોડો સમય લાગશે પણ ડોક્યુમેન્ટ અને બીલો નિયમ મુજબ હશે તો એને અમે અવશ્ય મંજૂર કરાવીશું.’
દાદાને થોડી રાહત અનુભવાય એટલે પેલા બેન સામે ફરી ને મેં ઉમેર્યું. ‘બેન! તમે મારો નંબર લખી લ્યો. કાલે ઓફિસ ટાઈમે,તમને અનુકૂળ હોય ત્યારે, મને ફોન કરી બધી વિગત વિગતવાર જણાવજો.’ આટલું કહી મારે હવે નીકળવું હોય, ‘જે થશે એ સારું જ થશે.’ એમ કહી દાદાની રજા લઈ હું નીકળી ગયો.
બીજે દિવસે રોશનીબહેને મને ફોન કર્યો. ફોનની વાત જેમ જેમ આગળ વધતી ગઈ એમ એમ હું આશ્ચર્યચકિત થતો ગયો.ફોન મૂકાયા પછી હું દસ મિનિટ દિગ્મૂઢ અવસ્થામાં એમ જ બેસી રહ્યો.એમની વાતનો સાર કંઈક આવો હતો.
પ્રતાપભાઈ ત્રિવેદી રોશનીબેનના સગા પિતા કે દાદા હતા જ નહીં. સમન્વય ગૌષ્ઠીના કાર્યક્રમોમાં ભાગ લેવા નિમિત્તે થયેલો આ પરિચય,સગા બાપ-દીકરીના સંબંધોની અવસ્થાએ પહોંચી ગયો હતો.દાદાએ એમના માટે પિતાનું રૂપ લઈ લીધું હતું.
બીજી વિગત એ જાણવા મળી કે, રોશનીબહેનને મોટી એક દીકરી હતી.બીજી પ્રસુતિ વખતે એમને જોડિયા સંતાન જન્મેલા.જે બન્ને દીકરા હતા.આટલે સુધી તો બધું બરાબર હતું. ઘરમાં ખુશીનો માહોલ હતો.બન્નેના નિદીશ અને યુયન એવા નામ પણ પડી ગયા હતા. પણ, આ ખુશી લાબું ટકી ન શકી.
નવજાત કહી શકાય એવો નિદીશ લીવરની ગંભીર બીમારીમાં સપડાઈ ગયો. પરિવાર માથે ત્યારે આભ તૂટી પડ્યું, જયારે ડોક્ટરોએ કીધું કે નિદીશનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે. રોશનીબહેન અને એના પતિ વિરલભાઈ તો સાવ સુન્ન થઈ ગયા. હવે શું કરવું? નિદીશ છ-આઠ મહિનાથી વધું બચી શકે એમ ન હતો.
એક બાજુ પિતાનો વલોપાત અને બીજી બાજુ માતાનું હૈયાફાટ રુદન. પરિવાર પણ મુંજાયો.કેટલાક પીઢ લોકોએ સાંત્વના આપી બન્નેને સમજાવેલા. ‘નિદીશનું આયુષ્ય કુદરત ઉપર છોડી દ્યો. અત્યારે એની થાય એટલી ચાકરી કરો. ભગવાને બે સંતાન આપ્યા છે. એક ભલે એ પાછું લઈ લે. તમારી પાસે બીજો દીકરો તો બચે જ છે ને!!મન હળવું કરો અને હિંમત રાખો.લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી બે જીવ જોખમમાં નથી મૂકવા. લાખો રૂપિયાનો ખર્ચ થશે અને ઘર ધોવાઈ જશે એના કરતા…’
આવી આવી વ્યાવહારિક સલાહો વચ્ચે એક માતા જરા જુદું વિચારી રહી હતી. કારણ કે, એ દૃઢ મનોબળવાળી મા હતી.નિદીશને બચાવવાં એણે મક્કમ નિર્ણંય કરી લીધો.પતિ વિરલને એણે પોતાનો ઈરાદો સમજાવી દીધો. યુવાન હિંમતબાજ પતિએ દીકરા માટે પોતાનું લીવર ડોનેટ કરવાનો નિર્ધાર કરી પત્ની રોશનીબહેનને હિંમત આપી.
હવે દવાખાનાની દોડાદોડી અને પૈસાની સગવડની વાત સામે આવી ઊભી રહી. પાટણની સિવિલ હોસ્પિટલે અભિપ્રાય આપ્યો કે બાળકને ગુજરાત બહાર સારવાર માટે લઈ જવું પડશે. એ સમયે ગુજરાતભરમાં કોઈ જગ્યાએ નાના બાળકનું લીવર ટ્રાન્સપ્લાન્ટ શક્ય નહોતું. અનેક ટેસ્ટ અને રિપોર્ટ પછી બાળકને દિલ્લી ખાતે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું.
ચારેક મહિના અને ત્રીસ લાખ કરતા વધુનો ખર્ચ કર્યાં પછી નિદીશનો જીવ બચી ગયો. પિતા વિરલની તબિયત પણ બરાબર થઈ ગઈ. બિલ ચૂકવતી વખતે અપોલો હોસ્પિટલ, દિલ્લી અને એના ડોક્ટરોની માનવતાએ રંગ રાખ્યો. એમને બિલમાં ખૂબ રાહત કરી આપી. ડોક્ટરોને એ વાત અચંબિત કરી ગઈ હતી કે,એક માને જન્મેલા જોડિયા બાળકોમાંથી એક દીકરો તો એકદમ તંદુરસ્ત છે, છતા એક મા લીવરની બીમારીથી પીડિત બીજા દીકરાને બચાવવા કેવડું મોટું જોખમ લઈ છેક ગુજરાતથી અહીં આવી છે!!
માએ પોતાના જીવ જેવા દીકરાને બચાવવા આખા ઘરને શારીરિક, માનસિક અને આર્થિક રીતે દાવમાં મૂકી દીધું હતું.આખી હોસ્પિટલે આ વાતની બહુ મોટી નોંધ લીધી હતી.
વતન પરત ફર્યાં પછી બધું થાળે પડતા કોઈએ રોશનીબહેનને કીધું કે તમે શિક્ષક છો એટલે આ સારવારના બીલો સરકારમાં મૂકો.તમને રીઅમ્બર્સમેન્ટ મળશે. રોશનીબહેન તો આ વાતથી રાજી રાજી થઈ ગયા. એમણે સચવાય એટલા બીલો અને રિપોર્ટ્સ સાચવી રાખેલા એટલે એની ફાઈલ બનાવી નિયમ મુજબ સરકારમાં મૂકેલી. બે વર્ષ થવા છતા નિવેડો આવતો નહોતો. કારણ એક જ હતું કે રાજ્ય બહાર સારવાર લેવાના કેસમાં સરકારની પૂર્વમંજૂરી બહેને લીધી નહોતી.એક તો એ સમયે આવી મંજૂરી લેવી પડે એ બહેનને ખબર જ નહોતી.બીજું આવી મંજૂરી મેળવવામાં મહિના નીકળી જાય તો બાળક ન બચી શકે. ત્રીજું કે નાના બાળકનું લીવર ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતમાં થતું ન હતું અથવા થઈ શકે એમ ન હતું.
અહીં અટકેલી વાત હવે મારે આગળ ચલાવવા મદદ કરવાની હતી. એટલે મેં એક દિવસ એ પતિ-પત્નીને મારી ઓફિસે બોલાવી લીધા. નાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ સાહેબને કરવાની રજૂઆતનો ડ્રાફ્ટ તૈયાર કરી આપ્યો.નીતિનભાઈ પટેલની મુલાકાત માટે સમય મેળવી આપ્યો. મેં બન્નેને સમજાવ્યું કે, આપણે બીજા કોઈની ભલામણમાં નથી પડવું. સીધા જ સાહેબને મળવાનું છે. ટૂંકી છતા વાજબી રજૂઆત કરવાની છે. મને ભરોસો છે ત્યાં સુધી સાહેબ તમને ન્યાય આપશે. સીધા જ મળી સાચી વાત કરવાથી સારું પરિણામ આવશે એવો મને વિશ્વાસ છે.
સમય થયો એટલે બન્નેને હું રજૂઆત માટે નીતિનભાઈ પાસે લઈ ગયો. હું બહાર બેઠો. એ અંદર ગયા. ટૂંકી રજૂઆત કરી બન્ને મિશ્રિત ભાવો સાથે પરત આવ્યા.બન્ને આશાવાદી ન જણાતા મેં એમને આશ્વાસન આપી ઘેર મોકલ્યા.
નીતિનભાઈ પટેલ સાહેબે કેસને ગંભીરતાથી લઈ આ કેસની ફાઈલ તાત્કાલિક રજૂ કરવા આદેશ કર્યો.આરોગ્ય વિભાગમાં વિનમ્ર અને સંવેદનશીલ સેક્શન અધિકારી શ્રી હર્ષીલભાઈ રાણપરીયાએ આ સમગ્ર કેસમાં અંગત રસ લઈ સતત લાગણીથી ફાઈલનું ફોલોઅપ લીધું. અમે લાગતા વળગતા અધિકારીશ્રીઓને માનવીય સંવેદના સાથે ફાઈલને જોવા વિનંતિ કરી.
આખરે દીકરાને બચાવવા લોહીપાણી એક કરી નાંખનાર માતાનું તપ પાક્યું.નિદીશની સારવારના બીલોની ફાઈલને નડતી અડચણો દૂર થઈ.રૂપિયા 7,14,557/જેવી માતબર રકમ નાયબ મુખ્યમંત્રીશ્રીના અને સરકારશ્રીના હકારાત્મક માનવીય અભિગમથી માર્ચ -2021માં મંજૂર થઈ.
હવે ટૂંક સમયમાં રોશનીબહેનને એ રકમ મળી જશે. બેન્કમાંથી વ્યાજે લીધેલી લોનની રકમ એ હવે ભરપાઈ કરી શકશે. રકમ મંજૂર થયાની વાત મેં રોશનીબહેનને કરી ત્યારે એ ધ્રુસકે ધ્રુસકે રડી પડેલા.હર્ષીલભાઈ વહીવટી રીતે કામમાં ખૂબ જ ઉપયોગી થયેલા એટલે એમને પણ આ દિવસે બહુ ખુશી થયેલી. પ્રતાપદાદાની તો વાત જ ન પૂછો એટલા એ ખૂશ હતા.એક માએ પોતાના બાળક માટે કરેલા અપ્રતિમ સંઘર્ષમાં ઈશ્વરે મને ય ક્યાંક નિમિત્ત બનાવ્યો એટલે મારી આંખના ખૂણા પણ એ દિવસે ભીના થઈ ગયેલા.