મંગેતરને મળીને આવતી યુવતીને કારે અડફેટે લેતા મોત, લગ્ન પહેલા મોતથી પરિવાર આઘાતમાં

Posted by

રાજ્યમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ વચ્ચે વડોદરામાં શુક્રવારે મોડી સાંજે અકસ્માતની ચકચારી ઘટના બની હતી. અહીં અકોટામાં બ્રિજ ઉપર મંગેતરને મળીને મોપેડ ઉપર આવતી યુવતીને કાર ચાલકે અડફેટે લીધી હતી. જેના પગલે યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા મોતને ભેટી હતી.અકસ્માતના પગલે રાવપુરા પોલીસે કાર ચાલક મિત્તલ પટેલની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી. બીજી તરફ પુત્રીને ગુમાવતા પરિજનો ઉપર આભ તૂટી પડ્યું હતું. અને હોસ્પિટલ પરિસરમાં જ હૈયાફાટ રૂદન કરી રહ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે વોડદરાના રાવપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે અકોટા પોલીસ લાઇન સામે આવેલ 7/ 50, શિવ-શક્તિ નગરમાં 23 વર્ષીય નમ્રતાબહેન જનકકુમાર સોલંકી પરિવાર સાથે રહેતી હતી. નમ્રતાની તાજેતરમાં કરમસદના યુવાન સાથે સગાઇ થઇ હતી. અને આગામી દિવસોમાં તેઓના લગ્ન થવાના હતા.

શુક્રવારે નમ્રતાનો મંગેતર વડોદરા આવ્યો હતો. આથી નમ્રતા પાડોશીનું એક્ટીવા મોપેડ લઇ અકોટા બ્રિજ પાસે મળવા માટે ગઇ હતી. નમ્રતા પોતાના ફીયાન્સને મળી પરત ઘરે આવી રહી હતી. તે સમયે અકોટા ગામ તરફથી પુરપાટ આવી રહેલી કારે નમ્રતાની એક્ટીવાને અડફેટે લેતા તે રોડ ઉપર પટકાઇ હતી. જેમાં તેણે માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.

અકસ્મતા સર્જાતા જ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. બીજી બાજુ આ બનાવ બનતાજ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને ગંભીર ઇજા પામેલ નમ્રતાને સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબોએ તેણે મૃત જાહેર કરી હતી.

અકસ્માતના આ બનાવની જાણ નમ્રતાના ભાઇ હેત સોલંકીને થતાં તુરતજ તે પરિવાર અને મિત્રોને લઇ સયાજી હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. હોસ્પિટલમાં પરિવારના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. તે સાથે અકોટા પોલીસ લાઇનની સામે આવેલ શિવ-શક્તિ નગરમાં નમ્રતાનું અકસ્માત મોત નીપજ્યું હોવાની જાણ થતાં ગમગીની ફેલાઇ ગઇ હતી.

નમ્રતાનું લગ્ન થાય તે પહેલાંજ તેનું અકસ્માતમાં મોત નીપજતાં શિવ-શક્તિ નગરના લોકોએ ભારે આઘાત લાગ્યો હતો. બીજી બાજુ આ બનાવની જાણ રાવપુરા પોલીસને થતાં પોલીસ પણ સયાજી હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી. અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

તે બાદ પોલીસે અકસ્માતમાં મોતને ભેટેલી નમ્રતાના ભાઇ હેત સોલંકીની ફરિયાદના આધારે કાર ચાલક સામે ગુનો નોંધી દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. તે સાથે પોલીસે કાર ચાલકની ઓળખ કરી તેની અટકાયત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *