મજબૂત લૉ પ્રેશર સક્રીય, ભારે વરસાદ ના એંધાણ રાજ્યમાં 8મી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી

Posted by

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં શાંત રહ્યા બાદ મેઘરાજા સપ્ટેમ્બરની શરૂઆતથી જ મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં નિષ્ક્રિય થયેલું ચોમાસું ફરી એકવાર સક્રિય થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી જાગી છે. ત્યારે સૌરાષ્ટ્ર અને રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં હજુ આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ, રાજ્યમાં 6થી 8 તારીખ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના વેધર બુલેટીન મુજબ, રાજ્યમાં 4થી 6 તારીખ સુધી વીજળીના કડાભા-ભડાકા અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ મુજબ 6થી 8 તારીખ દરમિયાન 48 કલાક સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી 9 મી તારીખથી રાજ્યમાં ફરી સારો વરસાદ પડવાનું અનુમાન હવામાન વિભાગે કર્યું છે.

કઈ તારીખે ક્યાં વરસાદની સંભાવના?

4 સપ્ટેમ્બર

સૌરાષ્ટ્ર, દીવ, દમણ અને દાદરા નગર હવેલી તથા, ગુજરાતના તમામ પ્રદેશો

4 થી 5 સપ્ટેમ્બર

પંચમહાલ, દાહોદ, અમદાવાદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત, દમણ, ગીર-સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, અમરેલી તથા કચ્છ

5 થી 6 સપ્ટેમ્બર      

પંચમહાલ, દાહોદ, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, દમણ અને દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ

6 થી 7 સપ્ટેમ્બર      

દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના જેમાં વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ, દીવ તથા ઉત્તર ગુજરાતના દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અમદાવાદ

7 થી 8 સપ્ટેમ્બર      

સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ તથા દાદરા નગર હવેલી સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના. તેમાં પણ વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, ભરુચ અને દમણમાં ભારે વરસાદની આગાહી.

આ મહિને વરસાદની ઘટ પૂરી થશે: IMD

સપ્ટેમ્બરમાં ભારતમાં સરેરાશ કરતા વધારે વરસાદ થઈ શકે છે. જૂનમાં સરેરાશ કરતા 10 ટકા વધારે વરસાદ થયો હતો. જ્યારે ઓગસ્ટમાં સામાન્ય કરતા 24 ટકા ઓછો વરસાદ પડ્યો હતો. ચોમાસામાં વરસાદની ઘટ હવે 9 ટકા રહી છે. સપ્ટેમ્બરમાં સારા વરસાદથી તેમાં આ ઘટ વધારે ઘટવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી છે કે આ વર્ષે 96 %થી 104% વરસાદ થશે. જુલાઇ અને ઓગસ્ટમાં ચોમાસુ અનિશ્ચિત થયું હતું.

અંબાજીમાં ભારે વરસાદ

બનાસકાંઠા જિલ્લામાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 28 દિવસ બાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતાં ખેડૂતોના મૂરઝાયેલા પાકોને નવજીવન મળ્યું છે. જોકે બુધવારે સાંજના સમયે દિવસભરના ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો હતો. એમાં યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદ પડતાં અંબાજી રોડ પર દુકાનો આગળ મૂકેલાં વાહનો વરસાદી પાણીમાં તણાવા લાગ્યાં હતાં.

અમદાવાદમાં રાત્રે ભારે વરસાદ પડ્યો

અમદાવાદ શહેરમાં બુધવારે રાતે 9 વાગ્યાની આસપાસ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરના રાણીપ, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, સાબરમતી, ગોતા, ન્યુ ગોતા, એસજી હાઇવે, ઘાટલોડિયા, નારણપુરામાં ભારે વરસાદ પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *