મહિલા કોન્ડમ : વસતિવધારા અને ગુપ્ત રોગો ખાળવામાં કેટલું સફળ?

આજે તો હવે નાનાં બાળકો માટે પણ ‘કોન્ડમ’નું નામ અજાણ્યું નથી રહ્યું. જાહેરખબરનાં જુદાં જુદાં માધ્યમો દ્વારા સામાન્ય માનવીને પણ એનું મહત્ત્વ સમજાઈ ગયું છે. આ જ કારણે પુરુષો દ્વારા એની માગ વધી છે. એની વધતી જતી માગને લીધે પાછલાં પાંચ વર્ષોમાં પુરુષો દ્વારા વપરાતાં કોન્ડમનું ઉત્પાદન ૪૦ થી ૫૦ ટકા વધ્યું છે. એમાં પણ જ્યારથી એઈડ્સ અને એનાથી બચવા પ્રત્યેની સભાનતા વધી છે, ત્યારથી એનો વપરાશ પણ વધ્યો છે.આ બધી જ માહિતી અને જાગૃતિ પુરુષો સુધી જ સીમિત રહી ગઈ કેમ કે સ્ત્રીઓ માટે બનેલાં કોન્ડમનો ન તો એટલો પ્રચાર કરાયો અને ન તો એ વિશેની માહિતી આપવામાં આવી, પરિણામે મહિલા કોન્ડમનું ઉત્પાદન અને વેચામ પણ ન વધ્યું. બીજું એ કે પુરુષ સાથીની સંમતિ હોય તો જ એનો ઉપયોગ કરાય છે.
અહીં એ પ્રશ્ન થાય છે કે જ્યારે સંભોગ માટે સ્ત્રીપુરુષ બંનેને, બંનેનાં અંગોની જરૂર પડતી હોય છે, તો એ વખતે સાવધાની અને સુરક્ષા માટે કોન્ડમનો ઉપયોગ કરવાનો અધિકાર પણ બંનેને હોવો જ જોઈએ.અમેરિકામાં બનેલું ‘રિયાલિટી’ નામનું મહિલા કોન્ડમ કદાચ આ પ્રશ્નનો ઉત્તર છે. આ કોન્ડમ ગર્ભનિરોધક તો છે જ, સાથે સાથે એ એઈડ્સ અને બીજા એવા જ ગુપ્ત રોગો થતા અટકાવવામાં પણ સફળ છે. જો એનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે, તો ૯૭ ટકા કેસોમાં ગુપ્ત રોગોથી બચી શકાય છે.
થોડા વખત પહેલાં જુદી જુદી આંતરરાષ્ટ્રીય અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા એક સંમેલન બોલાવવામાં આવ્યું હતું. તેમાં વિશ્વ આરોગ્ય સંગઠન, અમેરિકન આંતરરાષ્ટ્રીય વિકાસ વિભાગ, વસ્તી સંશોધન કેન્દ્ર, રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થા અને વિશ્વબેંકના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.આ સંમેલનમાં મહિલા કોન્ડમ ગુપ્ત રોગ થતાં અટકાવવામાં અને ગર્ભનિરોધક તરીકે કેટલું સફળ છે, તે વિશે ચર્ચા કરવામાં આવી. એક અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું કે છ મહિના સુધી સતત એનો વ્યવસ્થિત ઉપયોગ કર્યા પછી એ ૯૦ થી ૯૭ ટકા કેસોમાં ગર્ભ રોકવામાં સફળ થાય છે.
અન્ય એક સંશોધનમાં એ વિષય પર તપાસ કરવામાં આવી કે ‘શું મહિલાઓ આનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.’
આફ્રિકા અને એશિયાના દેશોમાં આ સંશોધન કરવામાં આવ્યું હતું. એના પરથી ઘણાં રસપ્રદ તારણો જાણવા મળ્યાં. એક તારણ એવું નીકળ્યું કે જુદાં જુદાં ક્ષેત્રોમાં ૫૦થી માંડીને ૯૫ ટકા મહિલાઓએ આ કોન્ડમ વાપરવું પસંદ કર્યું. ૬૦ ટકા મહિલાઓનું માનવું હતું કે પુરુષો કરતાં મહિલા માટેનાં કોન્ડમનો ઉપયોગ વધારે સરળ છે. એ વાપરનારી મહિલાઓએ કહ્યું કે તેઓ તો તેમની પરિચિત મહિલાઓને પણ એ વાપરવાની સલાહ આપે છે.
આ કોન્ડમ સુંવાળી પોલી યૂરીથીનનું બનેલું એક પાઉચ છે. એના બંને છેડે પ્લાસ્ટિકની મુલાયમ રિંગો હોય છે, જેમાં એક તરપનો છેડો ખુલ્લો અને બીજી તરફનો છેડો બંધ હોય છે. બંધ છેડા તરફથી એને યોનિમાં નાખવામાં આવે છે અને પછી એને અંદરની બાજુ સરકાવાય છે. બીજો છેડો અને તેની સાથેની રિંગ યોનિની બહાર જ રહે છે. મહિલાઓની શરીરરચનાને કારણે આનો એક બહુ મોટો લાભ એ છે કે એને સંભોગના સમયતી બે કલાક પહેલાં પણ પહેરી શકાય છે, જ્યારે પુરુષો માટેનું કોન્ડમ તે ઉત્તેજિત ન થાય, ત્યાંસુધી નથી વાપરી શકાતું. આ સિવાય બીજો લાભ એ છે કે મહિલાઓનું કોન્ડમ સંકોચાતું પણ નથી.આનો એક બીજો મોટો લાભ એ છે કે આ જ કોન્ડમ ગુપ્ત રોગોથી બચવા માટે વધારે સુરક્ષિત છે.
જે મહિલાઓ આ કોન્ડમ વાપરે છે, તેમની સાથે વાતચીત કરતાં તેમણે આવી કેટલીક મુશ્કેલીઓ પણ જણાવી
* કોન્ડમનો એક છેડો યોનિદ્વારની બહાર દેખાય છે, તે બહુ ખરાબ લાગે છે.
* સંભોગ દરમિયાન ક્યારેક ક્યારેક અવાજ આવે છે.
* પુરુષ સાથીને ક્યારેક ક્યારેક અંદરની રિંગથી મુશ્કેલી થાય છે.
* સંભોગની જુદી જુદી પદ્ધતિઓ દરમિયાન એ બહાર પણ નીકળી જઈ શકે છે.
હાલ પૂરતું તો આ કોન્ડમ ભારતમાં મળતું નથી. અમેરિકામાં પણ એ બહુ મોંઘુ છે. સ્ત્રીઓમાં તે ત્યારે જ લોકપ્રિય થઈ શકશે, જ્યારે એનો ભાવ ઘટાડાશે અને તે સહેલાઈથી બજારમાં મળતું થશે. એની સાથે સાથે એના વિશેની માહિતી પણ બધી જ મહિલાઓ સુધી પહોંચવી જોઈએ.આ કોન્ડમના ઉપયોગ વિશે ઘણી મહિલાઓ સાથે વાત કરતાં ખબર પડી કે તેઓ એ વાપરવા તો ઇચ્છે છે, પરંતુ તેમને એ વિશેની માહિતી નથી અને એના પર પૂરતો વિશ્વાસ પણ નથી સાથે સાથે એ નક્કી કરવું પણ મુશ્કેલ છે કે ક્યું કોન્ડમ વાપરવું. આવી દ્વિધામાં સ્ત્રીરોગ નિષ્ણાતની સાલહ લેવી જોઈએ.