હજારો દીકરી ના પાલક પિતા ફરી એક વાર કરવા જય રહ્યા છે ૩૦૦ દીકરીઓ ના લગ્ન, સુરતમાં “ચુંદડી મહીયર’ની લગ્નોત્સવમાં 300 લગ્ન થશે,

સુરતમાં પી.પી. સવાણી પરિવાર દ્વારા દર વર્ષે પિતાની છત્રછાયા ગૂમાવી ચૂકેલી દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વખતે ‘ચુંદડી મહિયર’નામના સમૂહ લગ્નમાં 300 પિતા વિહોણી દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. 4 અને 5 ડિસેમ્બરના રોજ યોજાનારા સમૂહ લગ્નની તૈયારી આયોજનના ભાગ રૂપે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દીકરીઓ તેની માતા સાથે આવી હતી. પ્રથમ બેઠકમાં જ પિતાને ગૂમાવ્યા બાદ લગ્નના સપના સાકારીત થતાં દીકરીઓ ભાવુક થઈને રડી પડી હતી. 2008થી થતાં સમૂહ લગ્નમાં અલગ અલગ રાજ્ય અને અલગ અલગ જ્ઞાતિ અને ધર્મની પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવવામાં આવે છે.
લગ્નની તૈયારી શરૂ થતાં દીકરીઓ ભાવુક બની
પિતા વિહોણી દીકરીઓના અબ્રામા ખાતે લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 4 અને 5 ડિસેમ્બરે લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. લગ્ન પ્રસંગની તૈયારીના ભાગરૂપે આજે દીકરીઓને તેની માતા સાથે લગ્નની આયોજનની બેઠકમાં મહેશ સવાણીને મળી હતી. જેમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતાં. સમૂહ લગ્નમાં જોડાનાર ઘણી દીકરીઓએ ન માત્ર પિતા જ પરંતુ ઘણી દીકરીઓના માતા કે પિતા બન્નેમાંથી કોઈ જ હૈયાત નથી. આવી દીકરીઓએ પોતાના લગ્નની તૈયારીઓ શરૂ થઈ હોય પોતાના ઘરની સ્થિતિ જણાવતા માતા અને દીકરીઓની આંખો આંસૂથી ભીની થઈ ગઈ હતી.
દીકરી માટે આ ક્ષણ ખૂબ ભાવુક હોય છે
રિદ્ધિ પટેલે જણાવ્યું કે, આજે લગ્ન ઉત્સવની તૈયારી શરૂ કરવામાં આવી હતી. જેમાં ઘણી બધી દીકરીઓ પિતા વિહોણી તો હતી જ પરંતુ ઘણી એવી દીકરીઓ પણ આવી હતી કે, જે માતાપિતા ગૂમાવ્યા છે. એમણે જ્યારે પોતાના માતા-પિતા ગૂમાવવાની વાત કરી ત્યારે દીકરીના આંખોમાં ચોધાર આંસુ તો હતાં પરંતુ હાજર તમામ લોકો પણ ભાવુક થઇ ગયા હતાં. દરેક દીકરી માટે આ ખૂબ જ મહત્વની ક્ષણ હોય કે પોતાના લગ્નની ઉંમરે જ્યારે તે પ્રભુતામાં પગલાં પાડનાર હોય ત્યારે પોતાની પિતાની ગેરહાજરી અનુભવતી હોય છે. એવા સમયે એક પિતા તરીકે જ્યારે કોઈને હૂંફ મળે છે માનવ સહજ સ્વભાવ છે કે, આ પ્રકારના દ્રશ્યો જોવા મળે.
ગાઈડલાઈન પ્રમાણે આયોજન થશે
લગ્નના આયોજક મહેશ સવાણીએ જણાવ્યું કે, તમામ જ્ઞાતિ અને જાતિ ભૂલીને 300 જેટલી દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જો કોરોના સંક્રમણની સ્થિતિ હશે, તો સરકારની ગાઇડ લાઇનનું પાલન કરીને લગ્નોત્સવ કરવામાં આવશે. અને એવી રીતે પણ જો ના થઈ શકે એમ હોય તો હું દરેક દીકરીના ઘરે જઈને લગ્ન કરાવીશ. આ કોઈ રાજકીય પ્રસંગ ન હોવાથી દર વખતની જેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓને આમંત્રણ આપીશ. લગ્નમાં આવનાર તમામ નેતાઓના સ્વાગત કરવામાં આવશે..