અપૂરતા ભાવ અને મોંઘવારીના કારણે ખેડૂતો પશુપાલન વ્યવસાયથી અળગા થઈ રહ્યા છે, ત્યારે મહેસાણા જિલ્લાના ગોકળગઢની મહિલા પશુપાલકે વર્ષે 36 લાખથી વધુની આવક મેળવી એક IAS જેટલો પગાર પેદા કરી જિલ્લામાં નામ રોશન કર્યું છે.
ગુજરાતને દૂધ અને દૂધની પ્રોડક્ટ માટે દૂધનો સાગર માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે ગુજરાતના ખેડૂતો સહવ્યવસાયમાં ખેતી સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરી રહ્યા છે. જેમાં મહેસાણી ભેંસનું નામ સારા દૂધ માટે વર્લ્ડ ફેમસ છે. ત્યારે મહેસાણા જિલ્લાની એક પશુપાલક મહિલાએ IAS જેટલો પગાર એટલે કે મહિને 3 લાખ એમ વર્ષે 36 લાખ આવક મેળવી અન્ય પશુપાલકો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ મહિલાએ પોતાના ફાર્મમાં 70 જેટલા ગાય અને ભેંસનો નિર્વાહ કરી પશુપાલન વ્યવસાય શરૂ કર્યો છે. આ મહિલાની પશુપાલન વ્યવસાયમાં રૂચી અને સિદ્ધિ જોઈ અનેક સન્માન પત્રો તેમજ એવોર્ડ પણ મેળવ્યા છે. જેમાં આત્મા ગુજરાતમાંથી જિલ્લામાં શ્રેષ્ઠ પશુપાલક તરીકે જિલ્લામાં પ્રથમ એવુ સન્માન નાયબ મુખ્યમંત્રીના હસ્તે મેળવ્યું છે. તેમજ રાજ્ય કક્ષાએ દૂધ હરીફાઈ યોજાઈ હતી.
જેમાં આ મહિલા પશુપાલક નીતાબેન ચૌધરીએ મહેસાણી ભેંસમાં રાજ્યમાં બીજો અને જિલ્લામાં પ્રથમ આવી હમણાં જ 15મી ઓગસ્ટના રોજ કુંવરજી બાવળિયાના હસ્તે સન્માન પણ મેળવ્યું છે. તેમજ અન્ય એક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણા દ્વારા પણ સન્માન મેળવ્યું છે. આ મહિલા દ્વારા રોજનું 300 લીટર એમ મહિને 9000 લીટર દૂધ ભરાવી પશુપાલન વ્યવસાયને જીવંત બનાવવા અન્ય પશુપાલકોને એક નવી પ્રેરણા પુરી પાડી છે.
મહેસાણા જિલ્લાના ગોકળગઢ નામના એક નાનકડા ગામમાં પશુપાલનના વ્યવસાયમાં અનેક ખેડૂતો સંકળાયેલા છે, જેમાં નીતાબેન ચૌધરી નામની મહિલા દર મહિને એક IAS જેટલો પગાર પશુપાલનના વ્યવસાયમાંથી મેળવી રહી છે.
આ મહિલા દર મહિને 9000 લીટર દૂધ પોતાની ગામની ડેરીમાં દૂધ ભરાવી મહિને 3 લાખ રૂપિયા અને 36 લાખની આવક મેળવી રહ્યા છે. જેઓ 60 ગાય અને ભેંસો 11 રાખી ખૂબ સારી આવક મેળવી રહ્યા છે. જેમને અનેક એવોર્ડ મેળવી ગામનું નામ પણ રોશન કર્યું છે.