5 ડિસેમ્બરથી માગશર મહિનો શરૂ થઈ ગયો છે. જે 2 જાન્યુઆરી સુધી રહેશે. આ મહિનાનું એક નામ માર્ગશીર્ષ પણ છે. બધા 12 મહિનામાં આ મહિનાનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. તેને શ્રીકૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શ્રીકૃષ્ણનો પ્રિય મહિનો છે. સ્કંદપુરાણ પ્રમાણે શ્રીકૃષ્ણના ભક્તોએ માગશર મહિનામાં વ્રત-ઉપવાસ અને ખાસ વિશેષ પૂજા વગેરે ધર્મ-કર્મ કરવું જોઈએ. માગશર મહિનામાં શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ એટલે બાળ ગોપાલની ખાસ પૂજા કરવી જોઈએ. બાળ ગોપાલને તુલસી સાથે જ ભોગ ધરાવવો જોઈએ. ભગવાન સામે ઘીનો દીવો પ્રગટાવીને કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો.
બાળ ગોપાલની પૂજા માટે જરૂરી સામગ્રી વસ્તુ
ભગવાનની મૂર્તિને સ્નાન માટે મોટું વાસણ, તાંબાનો લોટો, કળશ, દૂધ, વસ્ત્ર, ઘરેણાં, ચોખા, કંકુ, દીવો, તેલ, રૂ, અગરબત્તી, ફૂલ, અષ્ટગંધ, તુલસી, તલ, જનોઈ, ફળ, મીઠાઈ, નારિયેળ, પંચામૃત, સૂકો મેવો, માખણ-મિશ્રી, પાન, દક્ષિણા.
માગશર મહિનામાં રોજ સવારે જલ્દી જાગવું અને ઘરના મંદિરમાં પૂજાની વ્યવસ્થા કરો. સૌથી પહેલાં શ્રીગણેશની પૂજા કરો. ગણેશજીને સ્નાન કરાવો. વસ્ત્ર અર્પણ કરો. ફૂલ ચઢાવો. ધૂપ-દીપ પ્રગટાવો. ચોખા ચઢાવવા.
ગણેશજી પછી શ્રીકૃષ્ણની પૂજા કરો. શ્રીકૃષ્ણને સ્નાન કરાવો. સ્નાન પહેલાં શુદ્ધ જળથી ફરી પંચામૃતથી અને પછી શુદ્ધ જળથી સ્નાન કરાવો. તે પછી વસ્ત્ર અર્પણ કરો.
વસ્ત્રો પછી આભૂષણ પહેરાવો. હાર-ફૂલ, ફળ, મીઠાઈ, જનોઈ, નારિયેળ, પંચામૃત, સૂકા મેવા, પાન, દક્ષિણા અને અન્ય પૂજન સામગ્રી ચઢાવવી. તિલક કરવું. ધૂપ-દીપ પ્રગટાવો. તુલસીના પાન રાખીને માખણ-મિશ્રીનો ભોગ ધરાવવો.
કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ 108 વાર કરવો. તમે ૐ નમો ભગવતે ગોવિંદાય, ૐ નમો ભગવતે નંદપુત્રાય અથવા ૐ કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ મંત્રનો જાપ પણ કરી શકો છો. કપૂર પ્રગટાવો. આરતી કરો. આરતી પછી પરિક્રમા કરો.
પૂજામાં અજાણ્યા થયેલી ભૂલ માટે માફી માગવી. પૂજા પૂર્ણ થયા પછી ભક્તોને પ્રસાદ વહેંચો અને તમે પણ ગ્રહણ કરો.