મહારાષ્ટ્રના પાલઘરમાં એક માછીમારને નસીબ એવો સાથ આપ્યો કે તે એક જ ઝાટકે કરોડપતિ બની ગયો. પાલઘરમાં રહેતા ચંદ્રકાંત તરે પોતાના 7 સાથીઓની સાથે સમુદ્રમાં માછલી પકડવા ગયા હતા. જ્યારે આ લોકોએ દરિયામાં જાળ નાખી તો ‘સી ગોલ્ડ’ એવી દુર્લભ માછલીઓ તેની જાળમાં ફસાઈ હતી.
ચંદ્રકાંતનું નસીબ એટલું સારું હતું કે તેની જાળમાં એક-બે નહીં પણ 157 ઘોલ માછલીઓ એક સાથે ફસાઈ ગઈ. આ માછલીઓ 1.33 કરોડ રૂપિયામાં વેચાઈ. માછલીઓની હરાજી પાલઘરના મુર્બેમાં થઈ. ચંદ્રકાંતના પુત્ર સોમનાથે જણાવ્યું કે તેને એક-એક માછલીને લગભગ 85 હજાર રૂપિયામાં વેચી.
સમુદ્ર કિનારેથી 20થી 25 નોટિકલ માઈલ અંદરથી મળી સી ગોલ્ડ
સોમનાથે જણાવ્યું કે 7 લોકોની સાથે હારબા દેવી નામની બોટથી સમુદ્રમાં 20થી 25 નોટિકલ માઈલ અંદર વાઘવાન તરફ ગયા હતા. આ દરમિયાન તેમના પિતાને સમુદ્રમાં જાળું નાખ્યું જેમાં 157 ઘોલ માછલીઓ ફસાઈ હતી. આ સાથે જ બોટમાં સવાર લોકો ખુશ થઈ ગયા હતા, કેમકે આ તેમના જીવનની સૌથી મોટી કમાણીવાળી ટ્રિપ બની ગઈ હતી.
દવાઓ અને કોસ્મેટિક્સમાં ‘સી ગોલ્ડ‘નો ઉપયોગ થાય છે
ઘોલ માછલીઓનું વૈજ્ઞાનિક નામ ‘Protonibea Diacanthus’છે. જેને ‘સી ગોલ્ડ’ પણ કહેવામાં આવે છે. આ માછલીનો ઉપયોગ દવાઓ અને કોસ્મેટિક્સ બનાવવામાં થાય છે. થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, જાપાન, સિંગાપુર જેવા દેશોમાં તેની ઘણી જ માગ છે. સર્જરી દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા દોરા, જે તેની જાતે જ ઓગળી જાય છે, તે પણ આ માછલીમાંથી જ બનાવવામાં આવે છે.
UP અને બિહારના વેપારીઓએ માછલી ખરીદી
સમુદ્રમાં પ્રદૂષણનું પ્રમાણ વધવાને કારણે હવે આ માછલીઓ કાંઠાના વિસ્તારમાં નથી જોવા મળતી. આ માછલીઓની શોધમાં માછીમારોને ઘણે અંદર સુધી જવું પડે છે. સોમનાથના જણાવ્યા મુજબ આ માછલીઓને UP અને બિહારથી આવેલા વેપારીઓએ ખરીદી છે.