સરકાર સમાજના બધા સમુદાયોના ઉત્કર્ષ માટે સમયે સમયે વિવિધ યોજનાઓ લઈને આવતી હોય છે. પરંતુ સમાજનો એક વર્ગ એવો પણ છે જે ઉપેક્ષિત છે. આ સમુદાય એટલે કે આપણા સફાઈ કામદારોનો વર્ગ. સરકાર હવે આ સમુદાયના ઉત્કર્ષ માટે કામ કરી છે. સફાઈ કામદારોની આપણા સમાજમાં કેટલી જરૂરિયાત છે તે આપણે સૌ કોઈ જાણીએ જ છીએ. આ સમુદાયના લોકો ઓછા ભણતરને સફાઈકામમાં જોતરાઈ જતાં હોય છે. સરકાર આ સમુદાયના વિવિધ પાસાઓનો અભ્યાસ કરીને તેમને એક સાથે અનેક યોજનાઓનો લાભ અને લાખો રૂપિયાની લોન પણ આપી રહી છે. આવો જાણીએ વિગતે.
સફાઈ કામદારો અને તેમના આશ્રિતો માટેની વિવિધ યોજનાઓ
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા સફાઈ કામદારો અને તેમના આશ્રિતોના વિકાસ અને ઉત્કર્ષ માટે સરકાર વિવિધ યોજનાઓ લઈને આવી છે. સરકારે વર્ષ ૨૦૧૩થી મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટ ૨૦૧૩ અંતર્ગત ભૂગર્ભ ગટર કે ખાળકૂવાની સફાઈ માટે કોઈ પણ સંજોગોમાં સફાઈ કામદારને ઉતારવા માટે પ્રતિબંધ મૂકી દીધો છે. આવો જાણીએ સરકારની વિવિધ યોજનાઓ વિશે.
મહિલા સ્મૃદ્ધિ યોજના
આ યોજના અંતર્ગત મહિલા સફાઈ કામદારને ફક્ત ૪%ના વ્યાજ દર પર ૫૦,૦૦૦/- રૂપિયાની રકમ ૩૬ હપ્તાની મુદત માટે મળે છે. આ રૂપિયા કોઈ પણ સફાઈ કામદાર મહિલાને નજીકની બેન્ક તરફથી મળવાપાત્ર છે.
માઇક્રો ક્રેડિટ ફાયનાન્સ યોજના
આ યોજના અંતર્ગત કોઈ પણ સફાઈ કામદારને ૫% ના નજીવા દરે ૫૦,૦૦૦/- રૂપિયાની લોન ૩૬ હપ્તાની મુદત માટે મળે છે. આ એક માઇક્રો ફાઇનાન્સ યોજના છે, જેનો ઉપયોગ કરીને કોઈ પણ સફાઈ કામદાર આકસ્મિક ખર્ચાઓને પહોંચી શકે છે.
મહિલા અધિકારિતા યોજના
આ યોજના અંતર્ગત કોઈ પણ મહિલા સફાઈ કામદારને ૫% ના નજીવા દરે ૭૫,૦૦૦/- રૂપિયાની લોન ૬૦ હપ્તાની મુદત માટે મળે છે. આ એક મહિલાઓ માટેની યોજના છે. જેનો ઉપયોગ કોઈ પણ મહિલા સફાઇ કામદાર પોતાના અંગત ખર્ચ માટે કરી શકે છે.
સીધા ધિરાણ યોજના
આ યોજના અંતર્ગત કોઈ પણ સફાઈ કામદારને ફક્ત ૬% ના નજીવા વ્યાજદરે ૬૦ હપ્તાની મુદત માટે ૫૦,૦૦૦/- રૂપિયાથી ૧૫,૦૦,૦૦૦/- (૧૫ લાખ) રૂપિયા સુધીનું ધિરાણ મળે છે.
શૈક્ષણિક લોન
સફાઈ કામદારોમાં શિક્ષણનું સ્તર ઘણું નીચું જોવા મળે છે. આ સ્તરને ઊંચું લાવવા માટે સરકાર દરેક સફાઈ કામદારને શૈક્ષણિક લોન આપી રહી છે. સરકાર દરેક સફાઈ કામદારને આ લોન આપી રહી છે. સરકાર સફાઈ કામદારોના બાળકોને ભારતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ૧૦ લાખ અને વિદેશ અભ્યાસ માટે ૨૦ લાખ રૂપિયા સુધીની લોન આપે છે. આ લોન જો વિદ્યાર્થી માટે લેવી હોય તો ૪% અને વિદ્યાર્થિનીઓ માટે ૩.૫% ના નજીવા વ્યાજદરે આપવામાં આવે છે. આ લોન વિદ્યાર્થી અથવા વિદ્યાર્થિનીઓએ પોતાનો અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ અથવા નોકરી મળ્યાના એક વર્ષ પછી પૂરી કરવાની રહે છે.
તાલીમ યોજના
સફાઈ કામદાર સમુદાયના બાળકો ઉચ્ચ તાલીમ મેળવી કંપનીઓમાં સારી નોકરી મેળવી શકે અથવા પોતાનો કોઈ ધંધો શરૂ કરી શકે તે માટે ભારત સરકારની સંસ્થાઓ MPCON, ATDC, HARDICON, CIPET વગેરેમાં બેઝિક કોમ્પ્યુટર, મોટર વાઇડિંગ, ટેલરીંગ, એમ્બ્રોઇડરી વગેરેની તાલીમ આપવામાં આવે છે, તથા દરેક વિદ્યાર્થીને ૫૦૦ રૂપિયાનું માસિક સ્ટાઇપેન્ડ અને તાલીમ કિટ પણ આપવામાં આવે છે.
ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના
સફાઈ કામદારોને વ્યક્તિગત ધોરણે પોતાનું ઘર બનાવવા માટે સરકાર તરફથી ૧,૨૦,૦૦૦/- રૂપિયાની સહાય આપવામાં આવે છે.
વીમા કવચ યોજના
કોઈ પણ સફાઈ કામદારનું આકસ્મિક મૃત્યુ થાય તો આ યોજના અંતર્ગત સફાઈ કામદારના પરિવાર અથવા વારસદારોને રૂપિયા ૨ લાખનું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે.
આ બધી યોજનાઓનો લાભ ક્યાંથી મળશે
આ બધી યોજનાઓનો લાભ મેળવવા માટે સફાઈ કામદારે, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, નિયામકશ્રીની કચેરી, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગમાં અરજી કરવાની રહે છે. આ કચેરી બધાં જિલ્લાઓમાં ઉપલબ્ધ છે.