સમગ્ર દેશમાં મોટાપાયે ચાલી રહેલા કોરોના વેક્સીનેશન અભિયાનની વચ્ચે વેક્સીન લેવા માટે લોકો અજબ ગજબ પ્રકારના રસ્તા શોધી કાઢતા હોય છે. આવો જ એક વીડિયો બિહારના ગોપાલગંજથી સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ ભીડ બચવા અને લાઇનમાં ન ઊભું રહેવું પડે તે માટે બારીમાંથી જ વેક્સીન લેતો જોવા મળી રહ્યો છે. વેક્સીનેશનના આ અનોખા અંદાજનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગોપાલગંજથી સામે આવેલા આ વીડિયોમાં વેક્સીનેશન સેન્ટર પર લાંબી કતાર લાગી ગઈ છે. લાંબી લાઇનથી બચવા માટે એક યુવક વેક્સીનેશન સેન્ટરમાં પાછળની દિવાલ તરફ જાય છે અને ત્યાં બારી પાસે ઊભો રહીને કોવિડની વેક્સી ન લઈ લે છે.
વેક્સીનેશન સેન્ટર પર વેક્સીન લેવાનો આ અંદાજનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શૅર કરવામાં આવી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો થાવે પ્રખંડના સુકલુવા ગામનો છે, જોકે થાવે પ્રખંડ વિકાસ પદાધિકારીએ આ મામલાની તપાસના આદેશ આપી દીધા છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ બિહારમાં બારીમાંથી વેક્સીન લેવાનો એક વીડિયો સામે આવ્યો હતો અને તે ખૂબ જ ચર્ચાસ્પદ થયો હતો. આ વીડિયોમાં એક વ્યક્તિ બારી પાસે ઊભો રહીને વેક્સીન લઈ રહ્યો હતો. આવો જ એક વીડિયો હવે ગોપાલગંજથી સામે આવ્યો છે.
આ વીડિયોને વેક્સીનેશન સેન્ટર ખાતે હાજર લોકોએ ઉતાર્યો છે અને તેને સોશિયલ મીડિયા પર શૅર કરતાં વાયરલ થઈ ગયો છે. જોકે, વેક્સીન લેનારા યુવકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. થાવે પ્રખંડના બીડીઓ મનીષ કુમારનું કહેવું છે કે તેમને પણ આ વાયરલ વીડિયો મળ્યો છે અને આ વીડિયોની તપાસ કરાવવાના આદેશ આપી દીધા છે.
બીડીઓએ વધુમાં કહ્યું કે, તમામ એએનએમ અને કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી છે. કોઈ પણ કર્મચારીએ વેક્સીન આપવાની વાત સ્વીકારી નથી. સમગ્ર મામલાની તપાસ કરાવવામાં આવી રહી છે. તપાસ બાદ જે પણ દોષી હશે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.