આ સીઝનમાં તહેવારોનો રાફડો ફાટી રહ્યો છે. જેને લઈને મૂર્તિઓની માંગ વધતી હોય છે. તેવામાં જિલ્લાના ડીસામાં આવેલા કુંભારવાસ ખાતે રહેતા શૈલેષભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિ છેલ્લા 30 વર્ષથી ચીકણી માટીમાંથી પોતાના હાથે અલગ અલગ દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવે છે. તેમના દ્વારા બનાવવામાં આવતી મૂર્તિઓની માંગ ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ જોવા મળે છે.
બનાસકાંઠા જિલ્લામાં અનેક લોકો છે, જે પોતાની કલાથી અલગ અલગ ચીજવસ્તુઓ બનાવી દેશ વિદેશમાં વેચાણ કરી સારી આવક મેળવી રહ્યા છે. હાલ કુંભારવાસમાં રહેતા શૈલેષભાઈ પ્રજાપતિ તહેવારોની શરૂઆત થતા વિવિધ પ્રકારના દેવી દેવતાની મૂર્તિઓ બનાવી રહ્યા છે.
હાલમાં આવી રહેલા તહેવારો જેમ કે, ગણેશ ચતુર્થી, દશામાના વ્રત, જન્માષ્ટમી સહિતના તહેવારોમાં પૂજાતા દેવી દેવતાઓની મૂર્તિ બનાવી વેચાણ કરી રહ્યા છે.
શૈલેષભાઈ પ્રજાપતિ પાટણના વાગડોદ ગામેથી તળાવની ચીકણી માટી લાવી છેલ્લા 30 વર્ષથી ગણપતિ, અંબે માતાજી, રાધા કૃષ્ણ, શંકર ભગવાન તેમજ દશામાની મૂર્તિઓ બનાવે છે અને વેચાણ કરે છે. આ મૂર્તિની કિંમત મોટાભાગે સાઈઝ પ્રમાણે નક્કી કરવામાં આવે છે. તેઓ 50 રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધીના ભાવની મૂર્તિઓ બનાવે છે.
આગામી સમયમાં આવી રહેલા વિવિધ તહેવારોને ધ્યાનમાં રાખી અલગ અલગ 2,000 કરતા પણ વધુ મૂર્તિઓ તેઓએ બનાવી છે. તેઓએ જણાવ્યું હતું કે, એક મૂર્તિ બનાવતા લગભગ 15 મિનિટનો સમય લાગે છે. એક દિવસમાં તેઓ 50 કરતા વધુ મૂર્તિ બનાવે છે.
ડીસાના કુંભારવાસમાં રહેતા શૈલેષભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિ છેલ્લા 30 વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓએ ધોરણ 3 સુધી અભ્યાસ કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, પહેલા ગામમાં રહેતા લગભગ 30થી વધુ પરિવારો મૂર્તિ બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા હતા.
તેઓ સમય અંતરે વ્યવસાયમાં નફો ન મળતા અન્ય વ્યવસાયમાં જોડાયા હતા, પરંતુ હવે ફરી મૂર્તિઓની માંગ વધતા ગુજરાત સહિત રાજસ્થાનમાં માંગ વધી છે.