કચ્છ જિલ્લા ની મુલાકાત લો તો ખાલી સફેદ રણ જોઈને ના આવવી જતા,કચ્છ ના આ સ્થળ ની મુલાકાત લેવાનું ચૂકશો નહિ

Posted by

કચ્છમાં સફેદ રણ ઉપરાંત અન્ય પર્યટન સ્થળ પણ છે. કચ્છના રણમાં થતો રણોત્સવ વિશે તો સૌ કોઈ જાણતું જ હશે પણ, કચ્છમાં બીજા ઘણા ફરવા લાયક સ્થળો છે. જેમાં ભુજીયો ડૂંગર, કાળો ડૂંગર, આઇના મહેલ, પ્રાગ મહેલ, મ્યુઝિયમ, હમીસર તળાવ, માંડવીનો રમણીય દરિયા કિનારો પણ અલૌકિક સુંદરતા ધરાવે છે. સરહદી લખપત તાલુકામાં માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર જેવા ધાર્મિક પવિત્ર સ્થાનો પણ છે. તો ચાલો આજે જાણીએ કચ્છના જોવા લાયક સ્થળો વિશે, જ્યાં તમે પરિવાર કે મિત્રો સાથે આ તહેવારોમાં મળતી રજા દરમ્યાન ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

કચ્છ મ્યુઝિયમ –

રાજાશાહી જમાનાનું સંભારણું એટલે કચ્છ મ્યુઝિયમ. પહેલાં હુન્નરશાળા અને ત્યારબાદ મહારાવને મળેલી ભેટ-સોગાદોમાંથી ખરીદાયેલી અનેક ચીજોથી સજ્જ મ્યુઝિયમ તરીકે ભુજની સર ઓલફ્રેડ હાઇસ્કુલ પાસે આ કચ્છ મ્યુઝિયમ કચ્છ ઉપરાંત દેશ-દુનિયાના પર્યટકોને કચ્છના રાજાશાહી તેમજ સાંસ્ક્રુતિક વારસાના દર્શન કરાવે છે. અહીં શસ્ત્રો અને હથિયારના વિભાગમાં તલવાર, ખંજર તેમજ રાઇફલ્સ રાખવામાં આવ્યા છે. અહી ટીપુ સુલ્તાને ભેટમાં આપેલી તોપ, પોર્ટુગીઝની બનાવટની તોપ તેમજ ઘંટ આકારના મોર્ટર ખુબ જ મુલ્યવાન ચીજો છે. વર્ષ 2001ના ધરતીકંપમાં મ્યુઝિયમને નુકસાન થવા પામ્યું હતું.

ધોળાવીરા –

ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે. મૂળ તો આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાને કારણે તેનું નામ ધોળાવીરા પડી ગયું છે.

કચ્છ રણ વન્યજીવન અભયારણ્ય –

ઘુડખર અભયારણ્ય એ ભારતનાં ગુજરાત રાજ્યનાં કચ્છનાં નાનાં રણમાં આવેલું અભયારણ્ય છે. તે 4954 ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલું ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે. અહીં ઘુડખરનું એક માત્ર નિવાસસ્થાન આવેલું છે. કચ્છનું રણ એ ખારું રણ છે. ચોમાસાં દરમિયાન એક મહિના માટે તેમાં પૂર આવે છે અને રણ 74 જેટલાં નાનાં ટાપુઓમાં ફેરવાઇ જાય છે. આ ટાપુઓ ઘાસ-વનસ્પતિથી ભરપૂર હોય છે, જે 2100 જેટલી જાતિઓનાં પ્રાણીઓનું નિવાસસ્થાન બને છે.

પ્રાગ મહેલ –

પ્રાગ મહેલ એ કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો 19મી સદીમાં બંધાયેલો એક મહેલ છે. આના બાંધકામની શરૂઆત રાવ પ્રાગમલજી (ત્રીજા)એ 1865માં કરાવી હતી. આની સંરચના કર્નલ હેનરી સેંટ વીલ્કીન્સ દ્વારા ઈટાલિયન ગોથીક શૈલિમાં કરવામાં આવી હતી. આ મહેલના બાંધકામ માટે ઘણાં ઈટાલિયન કારીગરો તેડાવવામાં આવ્યા હતા. હમ દિલ દે ચૂકે સનમ અને લગાન જેવી બોલીવુડની પ્રખ્યાત ફિલ્મો અને ઘણી ગુજરાતી ફિલ્મોનું શુટીંગ અહીં થયું છે.

2001માં ગુજરાતમાં આવેલા ધરતીકંપમાં આ મહેલને ઘણું નુકશાન થયું હતું. 2006માં આ મહેલને લૂંટવામાં આવ્યો હતો, ચોરો પ્રાચીન કલાકૃતિઓને લઈ ગયા અને ઘણી તોડ ફોડ કરી ગયાં. આજે, આ મહેલ ભૂતિયા ખંડેર જેવી સ્થિતીમાં છે. આ મહેલમાં પ્રવાસીઓ મુખ્ય ખંડમાં પ્રવેશીને ટાવરના પગથિયા ચઢીને ઉપર જઈ શકે છે. આ ટાવર પરથી આખું શહેર દેખાય છે.

પિંગ્લેશ્વર –

કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું પિંગ્લેશ્વર ગુજરાતના સૌથી શ્રેષ્ઠ અને સુંદર સમુદ્ર કિનારામાંનો એક છે. તે કચ્છથી 100 કિલોમીટર દુર આવેલું છે. વિકાસની દ્રષ્ટિએ પણ તે એક યોગ્ય સ્થળ છે. કચ્છનું હબ ગણાતા પિંગ્લેશ્વરમાં લોકોને આકર્ષવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની ફેસેલિટી જેમ કે, સર્ફ, સનબાથ વગેરે ઉભુ કરાયેલ છે. દરિયા કાંઠે આવેલું પિંગ્લેશ્વર સુંદરતાની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ સ્થળ છે. ઉપરાંત ત્યાં આવેલું શિવ મંદિર ઘણું જ પ્રખ્યાત છે. જ્યાં શ્રાવણ મહિનાના દર સોમવારે મેળાનું આયોજન પણ કરવામાં આવે છે.

છારી-ઢંઢ –

આ છારી-ઢંઢ નખત્રાણા તાલુકાના ફુલય ગામ નજીક આવેલું છે, જે ભૂજની ઉત્તર-પશ્ચિમની 80 કિલોમીટર અને નખત્રાણા 30 કિલોમીટર દૂર છે. છારીનો અર્થ ક્ષાર અને ઢંઢ એટલે છીછરું જળપ્લાવીત ક્ષેત્ર. આ એક મોસમી જળપ્લાવીત-રણ છે, અહી આશરે 307 પક્ષીઓની જાતિઓ જોવા મળે છે અને તે ખાસ કરીને રૅપર્ટ્સ, વોટર ફ્લાય, વેડર્સ અને વિગેરે જોવા મળે છે. કચ્છમાં પ્રકૃતિ પ્રેમીઓ માટે એક ઇકો-ટૂરિઝમ પ્રવાસના ક્ષેત્રે છારી-ઢંઢ એક મનોહર અને સમૃદ્ધ ક્ષેત્ર છે.

વિજય વિલાસ પેલેસ –

વિજય વિલાસ પેલેસ કચ્છ જિલ્લાના માંડવી ખાતે આવેલ એક રજવાડી મહેલ છે. માંડવી શહેરના સુંદર દરિયા કિનારા પર વૈભવતાના પ્રતિક સમાન વિજય વિલાસ મહેલ કચ્છ જિલ્લાની શાન ગણાય છે. આ મહેલનું નિર્માણ 1920માં જયપુરના કારીગરો દ્વારા કરવામાં આવ્યું હતું. મહેલના બાંધકામમાં રાજપુત સ્‍થાપત્‍ય શૈલીની ઝલક જોવા મળે છે. લાલ રેતાળ પથ્થરોથી બનેલો આ મહેલ એક મુખ્ય ગુંબજ ધરાવે છે, તેની ચોતરફ બંગાળી ગુંબજો, ખૂણામાં મિનારા અને રંગીન કાચની બારીઓ છે. છત પરના ઝરુખામાંથી આસપાસનો વિસ્તાર દ્રશ્યમાન થાય છે અને રાજાની સમાધિ પણ દેખાય છે. મહેલનો મધ્યખંડ અદ્‌ભુત છે. મહેલની રંગબેરંગી બારીઓ, દરબાજાઓ અને પ્રવેશદ્વારની રચના પણ અદ્‌ભુત છે. દરિયા કિનારાને કારણે અહીં હંમેશા હવા ઉજાસ રહે છે.

માતાનો મઢ –

એવું કહેવાય છે કે, આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખુબ જ ભક્તિભાવપુર્વક માતાની આરાધના કરી હતી. જે જગ્યાએ માતાજીનું સ્થાપન કર્યું છે તે જગ્યાએ મંદિર બંધાવ્યું હતું.

1819માં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકશાન થયું હતું. ત્યાર બાદ પાંચ જ વર્ષમાં સુંદરજી શિવજી અને વલ્લભાજીએ આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું. ત્યાર બાદ 2001માં આવેલા ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું હતું. પરંતુ થોડાક જ સમયમાં આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું. જે આજે માતાના મઢ તરીકે ઓળખાય છે. ચૈત્રી અને આશો નવરાત્રી દરમિયાન હજારોની સંખ્યામાં યાત્રાળુઓ દેશભરમાંથી પગે ચાલીને માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છેે.

નારાયણ સરોવર –

નારાયણ સરોવર હિંદુઓના પવિત્ર યાત્રાધામો પૈકીનું એક છે. શ્રીમદ્ ભાગવતમાં વર્ણવેલા પાંચ પવિત્ર સરોવરોના જૂથને ‘પંચ સરોવર’ કહેવાય છે. તે પાંચ સરોવર છે માન સરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર અને પુષ્કર સરોવર. તેમનું આ એક સરોવર છે. નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર.

પૌરાણિક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી. આથી આ સ્થળને હિંદુઓ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે. સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે. તળાવની વાસ્તુકળા પ્રાચીન અને સુંદર છે. અહીં કારતક મહિનાની અગિયારસથી પૂનમ સુધી અહીં મેળો ભરાય છે..

શરદ બાગ પેલેસ –

રાજવાટિકા તરીકે ઓળખ ધરાવતો શરદબાગ પેલેસ, જે 1991 સુધી કચ્છના રાજાનું નિવાસ હતું. 1991માં કચ્છના અંતિમ રાજા મદનસિંહનું અવસાન થતા, આ મહેલ હવે સંગ્રહાલય ફેરવેલ છે. ઘણા ફૂલો અને ઔષધીય વનસ્પતિઓના સુંદર બગીચાઓ આ મહેલની શાન છે. મહેલના મેદાન ઘણા પક્ષીઓનું ઘર છે.

જેસલ તોરલ સમાધિ –

જેસલ તોરલ સમાધિ કચ્છ જિલ્લાના અંજાર ખાતે આવેલ છે, જ્યાં પહેલાના જમાનામાં સતી થઈ ગયેલ તોરલ અને લુંટારો બાદમાં સાધુ બનેલ જેસલની સમાધિ આવેલી છે. આ ગામનું નામ પહેલાં અંજેપાળ હતું પરંતુ સમયની સાથે તેનું નામ બદલાઈને અંજાર થઈ ગયું. અહીં હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે.

માંડવી બીચ –

માંડવી બીચ કચ્છ જિલ્લાના માંડવી દરિયાકિનારે આવેલું એક સુંદર સ્થળ છે. માંડવીનો સમાવેશ ગુજરાતના સુંદર સમુદ્ર કિનારામાં થાય છે. અહીં દરિયાકિનારે વીજળી પેદા કરવા માટે પવનચક્કીઓનું વિન્ડ ફાર્મ આવેલું છે. આ કિનારો કાશી-વિશ્વનાથ બીચ તરીકે પણ ઓળખાય છે. માંડવી નાનકડું શહેર છે જે આ તાલુકાનું વહિવટી મથક પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *