કેન્દ્રીય કેબિનેટે આજ ફોસ્ફેટ અને પોટાશ ખાતરો માટે ૩૮૦૦૦ કરોડ રૃપિયાની સબસિડીને મંજૂરી આપી છે. આ સાથે જ વર્તમાન ખરીફ સિઝનમાં ખાતર સબસિડીનો કુલ ખર્ચ વધીને ૧.૦૮ લાખ કરોડ રૃપિયા થઇ ગયું છે. ખડૂતોને વ્યાજબી ભાવે ખાતર મળી રહે તે ઉદ્દેશથી સરકાર ખાતર પર સબસિડી આપે છે.
૧.૦૮ લાખ કરોડની ખાતર સબસિડીમાં ૨૦૨૩-૨૪ના કેન્દ્રીય બજેટમાં યુરિયા ખાતર માટે ફાળવેલ ૭૦,૦૦૦ કરોડ રૃપિયા સામેલ છે. ૩૮,૦૦૦ કરોડ રૃપિયાની સબસિડીની જાહેરાત કરતા સરકારે વધુમાં જણાવ્યું હતું કે ખાતરની મહત્તમ છૂટક કીંમત (એમઆરપી)માં કોઇ ફેરફાર થશે નહીં.
ઉલ્લેખનીય છે કે ભારતમાં એપ્રિલથી સપ્ટેમ્બર સુધી ખરીફ સિઝન ચાલુ રહેશે. છેલ્લા કેટલાક મહિનાઓમાં વૈશ્વિક ભાવોમાં ઘટાડો થતાં વર્તમાન ખરીફ સિઝનમાં ફોસ્ફેટ અને પોટાશ ખાતરો પરના સબસિડી બોજમાં ઘટાડો થયો છે.
સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ખાતર બિલ ૨.૨૫ લાખ કરોડ રૃપિયાએ પહોંચવાની શક્યતા છે. એક કીલો નાઇટ્રોજન (એન) પર ૭૬ રૃપિયા, એક કીલો ફોસ્ફરસ (પી) પર ૪૧ રૃપિયા, એક કીલો પોટાશ (કે) પર ૧૫ રૃપિયા અને એક કીલો સલ્ફર (એસ) પર ૨.૮ રૃપિયા સબસિડીને મંજૂરી આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ વધુ એક નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટે આજે આઇટી હાર્ડવેર પીએલઆઇ સ્કીમ-૨ માટે ૧૭૦૦૦ કરોડ રૃપિયાની ફાળવણીને મંજૂરી આપી છે.
આઇટી હાર્ડવર માટેની પીએલઆઇ સ્કીમ-૨માં લેપટોપ, ટેબલેટ, ઓલ ઇન વન પીસી, સર્વર અને અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર ડિવાઇસનો સમાવેશ થાય છે. સરકારના જણાવ્યા અનુસાર આ સ્કીમને કારણે ૨૪૩૦ કરોડ રૃપિયાનું રોકાણ આવશે અને ૭૫૦૦૦ લોકોને રોજગારી મળશે.