વર્ષની સૌથી મોટી પૂર્ણિમા – કાર્તિક પૂર્ણિમા પર જરૂર કરો આ 5 કામ, ઘરમાં થશે પૈસાની રેલમછેલ

Posted by

વર્ષ દરમિયાન આવતી તમામ પૂનમમાં કારતક સુદ પૂનમનું(kartik purnima) આગવું જ મહત્વ છે. આ પૂનમ અત્યંત કલ્યાણકારી મનાય છે. કહે છે કે આ જ દિવસે મહેશ્વરે ત્રિપુરાસુરનો વધ કરી દેવતાઓની મનશાને સિદ્ધ કરી હતી. અને એટલે જ તો આ પૂનમ સવિશેષ ફળની પ્રાપ્તિ કરાવનારી મનાય છે. એટલું જ નહીં, આ પૂનમના રોજ જ દેવી તુલસીની શ્રીહરિ સાથે વિદાય થાય છે અને તુલસી વિવાહની વિધિવત સમાપ્તિ થાય છે. એટલે કે પૂર્ણિમાના અવસરથી હરિપ્રિયા એ શ્રીહરિના વૈકુંઠમાં નિવાસ કરે છે. જેને લીધે પણ આ તિથિ સવિશેષ ફળની પ્રાપ્તિ કરાવનારી મનાય છે.

અત્યંત ફળદાયી મનાતી કાર્તિક પૂર્ણિમા 19 નવેમ્બર, શુક્રવારના રોજ છે. આમ તો આ દિવસે વિવિધ પ્રકારના ઉપાય અજમાવીને લક્ષ્મીનારાયણની કૃપાને પ્રાપ્ત કરી શકાય છે. પણ, કહે છે કે જો આ દિવસે ખાસ પાંચ ઉપાય કરવામાં આવે, તો તે વ્યક્તિની વિવિધ મનશાઓને સિદ્ધ કરી દેશે. એટલું જ નહીં, તે વ્યક્તિને ધન, સ્વાસ્થ્ય અને સન્માનની પણ પ્રાપ્તિ કરાવશે.

અટકેલાં કાર્ય પૂર્ણ કરવા

કાર્તિક પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ અને તલ ઉમેરીને સ્નાન કરવું જોઇએ. માન્યતા છે કે આવું કરવાથી આર્થિક સંકડામણ દૂર થાય છે. તેમજ વ્યક્તિના રોકાયેલા કે અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગે છે.

માન-સન્માનમાં વૃદ્ધિ

કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉગતા સૂર્યને જળ અર્પણ કરવું લાભદાયી બનશે. જો જળમાં સિંદૂર મેળવીને અર્પણ કરવામાં આવે તો વિશેષ લાભની પ્રાપ્તિ થશે. કહે છે કે આ દિવસે સૂર્યને જળ અર્પણ કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને બુદ્ધિ સાથે માન સન્માનમાં વૃદ્ધિ થાય છે. તેનાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે. સૂર્ય આત્મા, પિતા, સરકારી નોકરી તેમજ ઉચ્ચ પદનો કારક ગ્રહ છે. એટલે સૂર્યના શુભ પ્રભાવ સાથે જીવનમાં અપાર સફળતાની પણ પ્રાપ્તિ થાય છે.

સ્વાસ્થ્ય સુખાકારી અર્થે

આમ તો સમગ્ર કારતક માસ દરમિયાન તુલસી પૂજાની સવિશેષ મહત્તા છે. પણ, કહે છે કે કાર્તિક પૂર્ણિમાના અવસરે તો અચૂકથી તુલસીજીને જળ અર્પણ કરવું જોઈએ. એટલું જ નહીં, તુલસી જેમાં છે તે માટીથી આ દિવસે તિલક કરવું જોઈએ. કહે છે કે આમ કરવાથી વ્યક્તિને રોગોથી મુક્તિ મળે છે. તેમજ સ્વાસ્થ્ય સુખાકારીની પ્રાપ્તિ થાય છે. દંતકથા અનુસાર કાર્તિક પૂર્ણિમાના દિવસે જ તુલસીજી વૈકુંઠધામમાં પહોંચ્યા હતા. એટલે જ તેમને જળ આપવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થવાની માન્યતા છે. આ ક્રમ નિત્ય જ જળવાઈ રહે તો તે વિશેષ ફળની પ્રાપ્તિ કરાવનાર મનાય છે.

આર્થિક સમસ્યાથી મુક્તિ

કહે છે કે કારતક સુદ પૂનમના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ અને લક્ષ્મી સ્તોત્રના પાઠ કરવા જોઇએ અને સાંજના સમયે દીપદાન કરવું જોઇએ આવું કરવાથી તમામ પ્રકારની આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે. જો તમે સ્તોત્રનું પઠન ન કરી શકો તો તેનું શ્રવણ કરો. તેનાથી પણ લક્ષ્મીનારાયણની કૃપા પ્રાપ્ત થશે.

પિતૃઓના આશીર્વાદ

જો તમારા ઘરની આસપાસ નદી કે તળાવ હોય તો કાર્તિક પૂર્ણિમાના દિવસે એક દીવો જળમાં પ્રવાહિત કરો. જો આવું ન થઇ શકે તો તુલસીની પાસે એક દીવો અચૂક પ્રગટાવો. માન્યતા છે કે નદી તળાવમાં દીપ પ્રવાહિત કરવાથી અકાળ મૃત્યુનો ભય નહીં સતાવે. સાથે જ પિતૃઓના આશીર્વાદ પણ મળશે. તેની સાથે યમ, રાહુ, કેતુ, શનિ જેવા ગ્રહોના ખરાબ પ્રભાવથી પણ બચી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *