કન્યા વિદાય પહેલા કંકુ થાપા શા માટે કરવામાં આવે છે

આપણે ત્યાં લગ્નનમાં અનેક રીતિ રિવાજો હોય છે અને આ જ અલગ રિવાજો વિશે ઘણા લોકો ને ખ્યાલ નથી હોતો. ત્યારે અમે આજે આપણે જણાવીશું કે, લગ્ન દરમિયાન કરવામાં આવતી દરેક રસમ-વિધિઓનું મહત્વ અને તે શા માટે કરવામાં આવે છે અને તેનો મુખ્ય હેતુ શુ છે તે દરેક વાતો અમે આપને જણાવીશું. આમ પણ હિન્દૂ ધર્મમાં લગ્નનું ખૂબ જ મહત્વ છે.લગ્ન એટલે બે વ્યક્તિઓનો અનેરો રૂડો સંબંધ જેના થી અનેક સંબંધ બંધાઈ જાય છે. જીવનમાં લગ્ન એક એવો પવિત્ર સંબંધ છે,જેના થકી જીવનસાથી મળે છે.
લગ્નનો હેતુ બે અલગ અલગ વ્યક્તિઓને એકબીજાના પર્યાય બનાવવાનો છે. લગ્ન એટલે બે વ્યક્તિઓ દ્વારા એકમેકને જન્મ જન્માંતર સુધી સાથ આપવાનું એક દીર્ઘ વચન. આ જ લગ્નમાં અનેક રસમ નિભાવવામાં આવે છે.પોંખણુઃ વરરાજા જ્યારે જાન લઈને કન્યાના આંગણે પરણવા માટે આવે ત્યારે કન્યાની માતા દ્વારા વરરાજાને પોંખવામાં આવે છે. કન્યાની માતા જે વસ્તુથી વરરાજાને પોંખે છે તેને પોંખણું કહેવામાં આવે છે.ઘુંસરીઃ સંસાર રૂપી રથના પતિ અને પત્ની બે ચાલકો છે. આ બંને ચાલકો શીલ અને સંયમના ચીલામાં સમાંતર રૂપે ચાલીને જીવન રથને સહકાર અને પ્રેમથી ખેંચે તો તેમનું લગ્ન જીવન સુખમય વીતે છે તે પ્રકારનો સંદેશ ઘુંસરી દ્વારા આપવામાં આવે છે.
તરાકઃ લગ્ન જીવન રેંટિયા જેવું છે. પતિ અને પત્ની રૂપી બે ચક્રને પ્રેમની દોરી વડે આ તરાકને બંધાયેલા અને ફરતા રાખે તો જ સ્નેહરૂપી સુતર નીકળે તેમ કહેવાનો ભાવ તરાક દ્વારા આપવામાં આવ્યો છે. આ પ્રકારે જમાઈરાજાને પોંખવા આવનાર સાસુ વરને માયરામાં આવતા પહેલા સાવધાન કરે છે અને વર તેનો જવાબ સંપુટ તોડીને આપે છે.
સંપુટઃ કન્યાના માતા દ્વારા વરને પોંખી લીધા પછી બે કોડિયાના સંપુટને પગ તળે ભાંગીને વર માયરામાં પ્રવેશ કરે છે. આના દ્વારા વર કહેવા માંગે છે કે તમારી ચેતવણીને હું સમજ્યો છું પણ મારા એકલાની આશા, ઈચ્છા અને અરમાનો પર હવે હું નહી ચાલું અહીંયા તેનો ભાંગીને ભુક્કો કરૂં છું.વરમાળા: ફૂલના હારથી વરકન્યા અરસ પરસનું સ્વાગત કરે છે પણ ગોરબાપા સુતરની એક આંટી બંનેના ગળામાં પહેરાવે છે. આમ એક જ હારથી બંનેના હૈયા એક કરવાનો પ્રયાસ છે.
હસ્તમેળાપઃ હસ્તમેળાપ લગ્ન વિધિનું મુખ્ય અંગ છે. પોતાની પુત્રીનો હાથ મા-બાપ વરરાજાને સોંપે છે અને વરરાજા તેનો સ્વીકાર કરે છે. આ વિધિને પાણિગ્રણ વિધિ પણ કહેવામાં આવે છે. મંગળ ફેરાઃ લગ્નના ચાર ફેરા દ્વારા ઋષીમુનીઓ ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. લગ્નના ચાર ફેરા ધર્મ, અર્થ,કામ અને મોક્ષના ફેરા હોય છે. લગ્નના ચાર ફૈરા પૈકી ત્રણ ફેરામાં પુરૂષ આગળ હોય છે અને ચોથા ફેરામાં કન્યા આગળ હોય છે.
માટલામાં ધન એટલે લક્ષ્મી સ્વરૂપે સવા રૂપિયો, ધાન્યના પ્રતીકરૂપે મગ, ફળના પ્રતીકરૂપે સોપારી, મેવાના પ્રતીકરૂપે ખારેક અને મીઠાઈના પ્રતીકરૂપે સુખડી અને તે સિવાય ઘણી મીઠાઈઓ પણ મુકાય છે.શુભ કામનાના પ્રતીકરૂપે મા માટલાનું મોઢું ઢાંકવાનું વસ્ત્ર લીલા રંગનું હોય છે અને સગાંના સંબંધો કાચા સુતરના તાંતણા જેવા હોય છે તે સહનશીલતાથી, સજ્જનતાથી અને સુવ્યવહારથી અતૂટ રહે અને વ્યવહારના કામો સાંગોપાંગ પાર ઉતરે એના પ્રતીકરૂપે કાચા સુતરનો દડો મા માટલા ઉપર મૂકવામાં આવે છે.
સપ્તપદીઃ લગ્નની વિધિમાં સપ્તપદીની રસમ સૌથી મહત્વપૂર્ણ હોય છે. સપ્તપદીની વિધિ જ્યાં સૂધી પૂર્ણ ન થાય ત્યાં સુધી કન્યા પરણિત નહી પરંતુ કુવાંરી જ ગણાય છે. સપ્તપદીના સાત વચનો હોય છે તેના દ્વારા વર કન્યા અસરપરસ સાત પ્રતિજ્ઞાઓ લે છે અને એકબીજાને વફાદાર અને સહાયભૂત થવાના વચનો આપે છે.
કંકુ થાપાઃ દીકરી જ્યારે પિતાનું ઘર છોડી સાસરે જાય તે સમયે કન્યા વિદાય પૂર્વે દિકરી પોતાના પિતાના ઘરની દિવાલ પર કંકુ થાપા મારે છે તેવો રીવાજ આપણા ત્યાં છે. કંકુ થાપા દ્વારા દિકરી આંગળીઓથી તેનો દસ્તાવેજ કરી આપીને તે સંપત્તિની જવાબદારી તમારા શીરે સોંપતી જાઉં છું તેનું જતન કરી તમે તેને સાચવજો અને તેમાં વૃદ્ધિ કરજો.
કન્યા વિદાયઃ લગ્નની તમામ વિધી, રિવાજ અને પરંપરા પૂર્ણ થયા બાદ છેલ્લે એક કરૂણ પ્રસંગ આવે છે જેને કન્યા વિદાય કહેવાય છે. લગ્નની આખીય વિધિમાં છેલ્લે કન્યા વિદાયનું પણ એક વિધાન અને રીવાજ હોય છે એટલા માટે દિકરીના લગ્ન કરૂણ મંગલ પ્રસંગ કહેવાય છે.