કાલ કોણે જોઈ છે તો આજમાં જ ખુશ રહો જે ગયા છે એ પાછા નથી આવના તો એમની યાદમાં ખુશ રહો.

રક્યુલર રૂટની બસમાં બેઠેલા શોભને બારી બહાર નજર નાખી. જમણી તરફ દૂર સુધી ગુલમહોરનાં લાલફૂલોનો વૈભવ દેખાતો હતો. આવા જ એક ગુલમહોર નીચે ચારુ ઊભી હશે. વર્કિંગ વીમેન હોસ્ટેલના સ્ટેન્ડ પર બસ ઊભી રહેશે અને રોજની જેમ ચારુ બસમાં ચડશે. આછું સ્મિત કરતા સહુની ઉપર એક સરકતી નજર નાખશે પછી છેલ્લે શોભન સામું જોશે. શોભન હંમેશાં તેને માટે પોતાની બાજુની બેઠક પર જગ્યા રાખે એ રોજનો ક્રમ હતો. આ માટે હવે એ શોભનનો આભાર નહોતી માનતી?આરામદાયક બેઠક પર બેસીને ક્યારેક ઔપચારિક વાતો થાય એ બાદ કરતાં, બંને આખા રસ્તે ચૂપચાપ બેસી રહેતા પોતપોતાના નિશ્ચિત સ્થાને પહોંચતા તેમને લગભગ એકાદ કલાક કરતા વધારે સમય લાગે છે ચારુ દસ મિનિટ વહેલી ઉતરી જાય છે અને શોભન તેનાથી આગળ જાય છે…
લેડીઝ હોસ્ટેલના સ્ટેન્ડે બસ ઊભી રહેતાં જ ચારુ ચપળતાથી બસમાં ચડી. મે મહિનાનો આકરો તાપ હતો તેથી તેણે આંખો પર ગોગલ્સ ચડાવી રાખ્યા હતા. હાથમાં પોતાનું મોટું પર્સ સંભાળતી તે રોજની માફક શોભનની બાજુની બેઠક પર આવીને બેઠી. ચહેરા પરથી તે આજે ઉદાસ જણાતી હતી. રોજની જેમ તેનો ચહેરો ખીલેલો નહોતો.શોભને પોતાના હાથમાંના છાપાનું એક પેજ તેને હાથમાં આપ્યું. છાપાના એ પાના પર કોઈ અંગ્રેજી લેખકના ‘પ્રલયનો દિવસ-૨૦૧૨ના શીર્ષકથી પ્રગટ થયેલા પુસ્તકનું વિગતવાર વર્ણન આવેલું હતું. વિસ્તૃત વર્ણનની વચ્ચે મોટા અક્ષરે છપાયેલો ઇન્ટ્રો વાંચીને પુસ્તકની વિશેષતાઓનો અંદાજ બાંધી શકાતો હતો. શોભનને અકારણ બોલવાની ટેવ ન હોવાથી એ માત્ર તેના ચહેરા પરના પલટાતા ભાવો જોતો હતો.
કીરો, નોસ્ત્રે દામસ, ચાર્લ્સ બર્લિઝ જેવા ભવિષ્યવેત્તાઓ પર ચારુને ખાસ ભરોસો નથી, એમ શોભન તેના ચહેરા પરથી કળી શક્યો તેમ છતાંય ચારુ ધ્યાનથી એ લેખ પૂરેપૂરો વાંચવા લાગી.”તો, ચાર્લ્સ બર્લિઝના મંતવ્ય મુજબ આ દુનિયાનો ૨૦૧૨માં અંત આવી જશે.”વિવરણ વાંચી લીધા પછી ચારુએ શોભન સામે હસીને જોતા કહ્યું, ”જો ડિસેમ્બર ૨૦૧૨ સુધીમાં પૃથ્વીનો અંત કદાચ ન આવે તો ઈ. સ. ૨૦૧૫માં તો અંત આવી જ જવાનો છે.”ઉત્તરમાં શોભને માત્ર આછું હાસ્ય કર્યું. કશું કહ્યું નહીં એટલે ચારુએ જ પૂછ્યું, ”પણ સવારના પહોરમાં આ સમીક્ષા મને શા માટે વંચાવી એનું કારણ પૂછી શકું? મને નાહકની શા માટે ડરાવો છો?”
”તું નિર્ણય લેવામાં ખૂબ જ વિલંબ કરી રહી છે, એટલા માટે, ચારુ?” શોભને, ”મને લાગે છે કે દેવેન્દ્ર સારો છોકરો છે. આ શહેરમાં રહીને નોકરી કરતા તારે ત્રણેક વર્ષ તો થઈ ગયા. હવે ક્યાં સુધી હોસ્ટેલમાં પડી રહીશ? જો દેવેન્દ્ર તને ગમતો જ હોય, તો તેની સાથે લગ્ન કરીને, હોસ્ટેલ છોડીને તારે એના ઘેર શિફ્ટ થઈ જવું જોઈએ.””શોભનજી… ગઈ કાલે મારે તેની સાથે આ વાત પર વિખવાદ થઈ ગયો.” ચારુના ચહેરા પર ફરીથી ઉદાસીનું વાદળ ઘેરાઈ ગયું. ”જે માણસ આટલા સંકુચિત મનનો, લાલચું હોય તેની સાથે હું લગ્ન ન કરી શકું.”
”પણ દેવેન્દ્રને તે જ સામેથી લગ્નની દરખાસ્ત મૂકી હતી, ચારુ?” શોભને સ્મિત કરતા કહ્યું, ”તમે બંને એકબીજાને માત્ર ચાર-છ મહિનાથી નહીં, પણ મારી જાણકારી મુજબ છેલ્લા ત્રણ વર્ષથી ઓળખો છો. તું ઓગણત્રીસ વર્ષની હતી અને આજે બત્રીસ વર્ષની થઈ ગઈ. છોકરીઓએ વધારે વિલંબ કરવો યોગ્ય ન ગણાય, ચારુ? પુરુષોને માટે ચાલે. યુ નો ચારુ… બાળકના પ્રસવ માટે અમુક ખાસ ઉંમર હોય છે અને સ્ત્રીઓ માટે તેનું વિશેષ મહત્ત્વ હોય છે. જ્યારે આ બાબતમાં કુદરત સામે પુરુષ થોડી છૂટછાટ લઈ શકે.”
”દેવેન્દ્રના મોહમાં ફસાઈને મેં મારા કિંમતી ત્રણ વરસ વેડફી નાખ્યા ગણાય. શોભનજી!” ચારુના ચહેરા ઉપર પસ્તાવાના ભાવ પ્રગટ થઈને તેની નમણાશને થોડી ઝાંખી પાડતા હતા.”૨૦૧૨ના અંત માટે આપણી પાસે હવે બહુ સમય નથી.” શોભને ચારુ સામે જોઈને આછું મલકાતા કહ્યું, ત્યાર પછી તો દુનિયાનો અંત આવી જવાનો છે. એટલે આપણા હાથમાં બચેલા સમયને આપણે મનગમતી રીતે જીવી લઈએ તો સારું, એવું તને નથી લાગતું?”
”પણ હું કંઈક બીજું કહેવા માગું છું.” ચારુ બોલી, ”દુનિયાનો અંત જો નજીકમાં જ આવવાનો હોય તો આપણે બીજી અન્ય રીતથી જીવન ઘડવાની મહેનત શા માટે ઉઠાવવી? શા માટે લગ્ન કરવા? શા માટે સંતાનો પેદા કરવા? અને પછી મનમાં અફસોસ કરતાં શા માટે મરવું? એનાં કરતાં તો બહેતર એ છે કે જે રીતે લેડીઝ હોસ્ટેલમાં ત્રણ વરસ વિતાવી દીધા એમ બાકીનો સમય પણ વિતાવી દઉં. ત્યાર પછી તો સહુનો અંત આવી જ જવાનો છે…?” એમ કહીને ચારુ હસવા લાગી પણ તેના હાસ્યમાં રોજનો ઉલ્લાસ નહોતો તે શોભન જોઈ શક્યો.
”કોઈ પણ પરિસ્થિતિને મૂલવવા માટે બે દ્રષ્ટિકોણ હોઈ શકે છે.” શોભને કહ્યું, ”થોડું પાણી ભરેલો ગ્લાસ અડધો છે એમ પણ કહી શકાય. અથવા આ ગ્લાસ અડધો ભરેલો છે, એમ પણ કહેવાય. અર્થ બંનેનો એક જ છે ચારુ? પણ તેની અભિવ્યક્તિ જુદી-જુદી છે. એક નિરાશાવાદી દ્રષ્ટિકોણ છે.
જ્યારે બીજો આશાવાદી દ્રષ્ટિકોણ છે. હું માનું છું કે વ્યક્તિએ હંમેશાં આશાવાદી જ રહેવું જોઈએ. જો આ પૃથ્વીનો ૨૦૧૨માં અંત આવી જવાનો હોય તો બાકી રહેલા ગાળામાં આપણને મન ભરીને જીવી લેવાનો હકક છે ચારુ? આખરે આપણે સજીવ માનવો છીએ અને જ્યાં સુધી શ્વાસ ચાલતો હોય ત્યાં સુધી આનંદ અને ઉલ્લાસથી જીવવાની આશા રાખવી જોઈએ અને પૂરેપૂરો પ્રયત્ન પણ કરવો જોઈએ.”
”મને દેવેન્દ્ર ઉપર બહુ ગુસ્સો આવે છે. શોભનજી! ગઈ કાલથી અત્યાર સુધીમાં હું કેટલીય વાર એકાંતમાં રડી છું. પસ્તાવો પણ ખૂબ કર્યો. એ તદ્દન સ્વાર્થી અને સ્વકેન્દ્રી માણસ નીકળ્યો…””પરંતુ એ તારી જ પસંદગી હતી, ચારુ! દેવેન્દ્ર તને પ્રપોઝ કરવા નહોતો આવ્યો. તું જ તેની સાથે સંકળાઈ હતી. તેણે તો પોતાના જન્મદિવસે તને આમંત્રણ પણ નહોતું આપ્યું.પણ તું ઉપર પડતી તેને અભિનંદન અને ભેટ દેવા ગઈ હતી. તેમ છતાં દેવેન્દ્રે તારામાં કોઈ રસ નહોતો છોડયો, જેથી ગમે તેમ કરીને મેળ પડી જાય. તે જાતે જ તેની આગળ લગ્નની દરખાસ્ત મૂકી હતી અને તેણે ઉપકાર કરતો હોય તેમ એ દરખાસ્તનો સ્વીકાર કર્યો હતો…”
”એ મારી મોટામાં મોટી ભૂલ હતી. શોભનજી! આ ભૂલનો જીવનભર પસ્તાવો થયા કરશે.” થોડું અટકીને, નમેલા ચહેરે જ તે આગળ બોલી, ગઈ કાલે તેણે શું કહ્યું તે જાણો છો? એક યુવતીએ સામે ચાલીને લગ્નની પ્રસ્તાવ મૂક્યો હોય, એજ દરખાસ્ત દેવેન્દ્રે મારી સામે મૂકી હોત તો સ્થિતિ કંઈક જુદી જ હોત. લગ્ન કરવા માટે આજે હવે એ મારી સામે શરતો મૂકવા લાગ્યો છે અને એ શરતે મને કબૂલ નથી. તેના પરિણામે અમારા સંબંધો જોખમાઈ ગયા છે.”
”કશો વાંધો નહીં, ચારુ! માનવજીવનમાં પ્રત્યેક ઘટના અને પરિસ્થિતિનું વિશ્લેષણ સમસ્યાને વધારે સુરેખ બનાવે છે અને ભવિષ્યમાં આવનારી સમસ્યાઓ સ્પષ્ટપણે દ્રષ્ટિગોચર થાય છે. આનાથી નિરાશ થવાની જરૂર નથી….” પછી થોડું અટકીને શોભને ધીમેથી કહ્યું, ”તને વાંધો ન હોય તો દેવેન્દ્રની શરતો શું છે, એ તો કહો! હું કદાચ કોઈ રસ્તો કાઢી શકું.””શોભનજી, તમે તો મારા ઘરની હાલત જાણો છો…” ચારુ ઉદાસભાવે બોલી.
”પિતાને બ્રેન-હેમરેજ થયું હતું, તેમાંથી માંડ બચ્યા પણ પક્ષઘાત રહી ગયો. એ હવે સંપૂર્ણ રીતે પથારીવશ છે. હું તેમનું સહુથી મોટું સંતાન છું. મારે બે નાના ભાઈ- બહેન છે. મા છે પણ એ ભણેલીગણેલી નથી એટલે ક્યાંય નોકરી મળે એમ નથી. પિતા જે ખાનગી પેઢીમાં કામ કરતા હતા, તેણે હાથ ખંખેરી નાખ્યા કે કશું નહીં આપી શકે… આવા સંજોગોમાં મારે કમાવા માટે ઘરની બહાર નીકળવું જ પડયું.સારું થયું કે પાંચ હજારના પગારની આ નોકરી પણ મળી ગઈ. હવે જેમતેમ કરીને મા-બાપ અને ભાઈ-બહેનનું પાલનપોષણ કરું છું. જ્યાં સુધી મારો ભાઈ કમાતો ન થાય ત્યાં સુધી મારે તમને મદદ કરવી પડશે. હવે તમે જ કહો, હું ક્યાંય ખોટી છું? દરેક મા-બાપે દીકરા પાસેથી જ પોતાની દેખરેખ અને ભરણપોષણની આશા શા માટે રાખવી જોઈએ? જો દીકરી મોટી હોય તો કુટુંબનું ભરણપોષણ કરવાની તેની કોઈ જ ફરજ નથી?”
”તું જરાય ખોટી નથી, પણ આમાં હવે સમસ્યા શું છે?” શોભને પૂછ્યું, ”દેવેન્દ્ર શું ઇચ્છે છે?””એ લાલચું અને ખૂબ જ સ્વાર્થી છે.” ચારુ ઉશ્કેરાટથી બોલી, ”એ કહે છે કે મારે મારા પિતા અને ભાઈ બહેનને તેમના તકદીર પર છોડી દેવા. એ મને કહે છે, તારા આખા પગારસહિત તારે લગ્ન કરવાં હોય તો કર, નહીં તો તું તારા રસ્તે- સાંભળો છો ને, તમે શોભનજી? મારા પપ્પા અને મારા કુુટુંબને મારે રખડતા કરી મૂકવાના, ભૂખે મારી નાખવાનાં, મારાથી આવું થઈ શકે? જે કુટુંબમાં ઉછરી અને સમજણી થઈ, જે માવતરે મને જન્મ દીધો લાલન પાલન કર્યું, ભણાવીગણાવી, પોતાની શક્તિ પ્રમાણે સારામાં સારું ખવડાવ્યું, પહેરાવ્યું, ઓઢાડયું. એમને હવે કમોતે મરવા માટે તેમના તકદીર ઉપર છોડી દઉં? આ વિચાર જ કેવો ક્રૂર અને પાશવી છે?” આટલું બોલતા ચારુના ચહેરા ઉપર વિવર્ણતા પ્રસરી ગઈ, ”મેં તો પછી સ્પષ્ટ જણાવી દીધું કે હું જીવનભર કુંવારી રહી શકીશ. મારા અરમાનો, આકાંક્ષાઓનું ગળું દબાવી શકીશ, પણ માવતરને કે મારા ભાઈ-ભાડુંને કમોતે મરવા તો નહીં જ દઈ શકું.”
”પછી દેવેન્દ્રે શું કહ્યું?” શોભને આતુરતાથી પૂછ્યું,”જો તારાથી ન થઈ શકે તો, તું તારે રસ્તે…” દેવેન્દ્રને આટલું કહેતાં એક સેકન્ડ પણ ન થઈ. આટલા વરસના અમારા પ્રેમનો એને મન જાણે કશો અર્થ જ નહોતો રહ્યો… અમે જાણે સાથે હર્યા-ફર્યા જ નથી કે એકબીજાનાં સુખ અને દુ:ખમાં પણ સામેલ નથી થયા. મારી સાથે જાણે તેને કશો સંબંધ જ નહોતો અને જો સંબંધ હોય તો માત્ર મારા પગાર જોડે જ હતો… એણે તો નિર્લજ્જ થઈને કહી દીધું, ”આપણા પોતાના ભાવિ જીવનમાં આપણે ઘણી વસ્તુઓ ખરીદીને વસાવવી પડશે.
તું દાયજા તરીકે તો કશું લાવવાની નથી. પછી કંઈ નહીં તો તારા પગારની તો મને આશા રહેને? તેમાંથી આપણે આપણા જીવન માટે જરૂરી વસ્તુઓ ખરીદી લઈશું… તારા મા-બાપની જવાબદારી આપણી નથી. એ તેમનું ભોગવે…. મારી પત્ની તેમને ખાતર શા માટે ભોગ આપે?” પછી થોડું અટકીને બોલ્યો, ”તારા પગારનાં પાંચ હજારમાંથી એક પણ પૈસો હું તને તારા પિયર નહીં મોકલવા દઉં, ચારુ! જો તને આ શરત કબૂલ હોય તો જ મારી સાથે લગ્ન કરજે, નહીં તો કોઈ બીજા છોકરાને શોધી લે.આ શહેરમાં સારા છોકરાઓની ખોટ નહીં હોય….”
”ચારુ, હું હજી આ જ પણ જીવનના એક વળાંક પર ઊભો રહીને તારી અને ગુલમહોરનાં ફૂલની જેમ ચમકતા તારા રંગસભર પ્રેમની અપેક્ષા સાથે રાહ જોતો ઊભો છું. જો… જો… ચારુ…”તેનો હાથ પકડીને પોતાની હથેળીઓ વચ્ચે દબાવતાં ચારુ બોલી, ”મને વિચાર કરવા માટે સાંજ સુધીની મહેતલ આપશો, શોભનજી?””સાંજ સુધી જ શા માટે? વિચારવા માટે તું ઇચ્છે એટલો સમય હું આપીશ. અરે ઇ. સ. ૨૦૧૨ના પ્રલયના દિવસના એક દિવસ અગાઉ સુધી તારા જવાબની રાહ જોઈશ.” એક મીઠાશ ભર્યું હાસ્ય કરીને શોભને જવાબ આપ્યો.”પ્રલયના એક દિવસ અગાઉ સુધી શા માટે?” ચારુએ એક ખાસ ઢંગથી શોભનની નજરમાં નજર પરોવી. તેના હોઠ પર આછો મલકાટ પ્રસરેલો હતો.
”અમદાવાદથી પ્રગટ થતા એક પ્રસિદ્ધ સાહિત્યિક સામયિકમાં એક મુદ્દો ઉપોરિચત કરાયો હતો. લેખકો, કવિઓ અને તમામ બુદ્ધિ જીવીઓને સંપાદકે પૂછ્યું હતું કે આવતા ચોવીસ કલાક પછી જગત બળીને ભસ્મ બનીને બ્રહ્માંડમાં ઊડી જવાનું છે, બધું જ સંપૂર્ણ નાશ પામવાનું છે ત્યારે બચેલા કલાકોનો તમે કેવી રીતે ઉપયોગ કરવા ઇચ્છશો? તેનો ટૂંકો અને મુદ્દાસર જવાબ લખી મોકલવાનું આપને જાહેર આમંત્રણ છે…””પછી કવિ-લેખકોએ જવાબો આપ્યા?” ચારુએ કુતૂહલથી પૂછ્યું.
”હા, બીજા અંકમાં અનેક લોકોના વિચારો છપાયા હતા. શું અજબ-ગજબની કલ્પનાઓ લોકોએ કરી હતી! કોઈએ કહ્યું કે ચોવીસ કલાક સતત દોડતો રહીશ અને બને તેટલો પ્રલયથી વેગળો થઈ જઈશ… કોઈએ કહ્યું કે ખૂબ દારૂ પીશ અને જેટલો ખાઈ શકાય તેટલા સારામાં સારા પકવાનો ખાઇશ… તો કોઈએ વળી એમ કહ્યું કે મારી સહુથી પ્રિય નવલકથા વાંચીશ… કોઈની વાત એમ હતી કે મારા જીવનની શ્રેષ્ઠતમ કવિતા લખીશ… જેથી પૃથ્વી પર ક્યારેય, માનવ સંસ્કૃતિ ફરી વિકસે ત્યારે એ લોકો મારી કવિતાથી ભારે પ્રભાવિત થઈ જાય… આમ બધાએ જુદું જુદું ઘણું લખ્યું, પણ મોટા ભાગના લેખકો અને કવિઓ શું માનતા હતા ખબર છે?””શું માનતા હતા?” ઉત્સુકતાથી શોભનને તાકતી ચારુએ પૂછ્યું.
”મોટા ભાગના લોકોનું કહેવું હતું કે જ્યારે જીવનના ચોવીસ કલાક જ બાકી રહેતા હોય તો અમે પોતપોતાની પ્રેમિકાને એકાંતમાં કોઈ સુંદર સ્થળે લઈ જઈને અને ત્યાં મન ભરાઈ જાય એટલો પ્રેમ કરી લઈએ… એમાં શારીરિક, માનસિક, આત્મિક દરેક પ્રકારના પ્રેમનો સમાવેશ થઈ જાય.
એ પણ એટલી પ્રચુર માત્રામાં કે આનાથી વધારે પ્રેમ કોઈ કરી જ ન શકે એવી ખાતરી પ્રેમિકાને થઈ જાય… અને આપણને પણ તૃપ્તિપૂર્વક જીવન જીવ્યાનો સંતોષ થઈ જાય… પ્રેમ માટે તરફડતાં સો વર્ષ જીવવા કરતાં પ્રેમની તૃપ્તિ અનુભવતાં ચોવીસ કલાક જીવી લેવું વધારે સારું છે.” શોભને આમ કહેતા ચારુનો હાથ પકડી લીધો. પછી ધીમેથી બોલ્યા, ”બોલ, ચારુ? આ બધાનું માનવું સાચું ગણાય કે ખોટું?”શોભનનો હાથ ચારુએ પોતાના હોઠ પર ચાંપી લીધો. ”તમે મને પહેલાં મળી ગયા હોત તો મારે મૃગજળ પાછળ નાહકના ત્રણ વરસ વેડફવા ન પડત, શોભનજી!”શોભને છાપું બાજુમાં મૂકી દીધું અને ચારુનો હાથ પકડીને બેસી રહ્યા. તેણે જોયું કે ૨૦૧૨ના પ્રલયની આગાહીમાં કોઈને રસ નહોતો…!