અરબ સાગરમાં ઉદ્ભવેલું બિપોરજોય વાવાઝોડું હજારો કિમીનો દરિયાઈ પ્રવાસ ખેડીને આખરે ગુજરાત પર ત્રાટક્યું અને મહાવિનાશ વેરી નાખ્યો. ગઈ કાલે સાંજો ૬:૩૦ કલાકે કચ્છના જખૌ પર આ વાવાઝોડું ત્રાટક્યું અને સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જી. આજે આ વાવાઝોડું ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તરફ આગળ વધશે અને ત્યાં પણ ભારે વિનાશ વેરશે તેવી આગાહી કરવામાં આવી છે. ગઈકાલે સમગ્ર ગુજરાતમાં ભારે પવન જોવા મળ્યો હતો. જખૌ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ગઈકાલે સવારથી જ ભારે પવન ફૂંકાયો હતો.
બિપોરજોય વાવાઝોડાંના આક્રમણથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નુકસાન જોવા મળ્યું હતું. સંખ્યાબંધ મકાનોના છાપરા અને દુકાનોના શેડ ઊડી ગયા હતાં. અનેક મકાનોને નુકસાન થયું હતું અને સેંકડો વૃક્ષો ધારાશાયી થઈ ગયાં હતાં. ગઈકાલે સંખ્યાબંધ વીજળીના થાંભલાઓ પડી ગયાં હતાં, તેથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં અંધારપટ છવાયો હતો. તારીખ ૧૫ જુનની રાત કચ્છ જિલ્લા માટે ભારે ડરામણી રહી હતી.
ગઈકાલે વાવાઝોડાંના કારણે રાજકોટના રાજુલામાં ૪ અને ભુજમાં ૪ લોકોના મોત થયાં હતાં. તથા ૧૧ લોકોને ભારે ઈજા પહોંચી હતી. સરકારે વાવાઝોડાંના આગમનને પગલે ભારે અગમચેતી રાખી હતી, અને સુરક્ષાના બધાં જ પગલાંઓ લીધા હતાં, તેથી ભારે જાનહાનિ ટળી હતી. પરંતુ મિલકતોને થતું નુકસાન નિવારી શકાયું નથી. ગઈકાલે અનેક દુકાનો, મકાનો, પેટ્રોલપંપ, વૃક્ષો અને વીજપોલને ભારે નુકસાન થયું હતું. ગઈકાલે ઓખા બંદરે કોલસા યાર્ડમાં વાવાઝોડાંના કારણે આગ લાગી હતી અને કોલસાનો સંગૃહિત ભંડાર ભડભડ સળગી ઉઠ્યો હતો.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે આ બિપોરજોય વાવાઝોડું ઉત્તર ગુજરાત પર ત્રાટકે તેવી શક્યતા છે. ગઈકાલે જ્યારે આ વાવાઝોડું કચ્છ અને સૌરાષ્ટ્ર પર ત્રાટક્યું હતું ત્યારે અતિ ભારે વરસાદ થયો હતો. ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળ્યું હતું. અનેક અંતરિયાળ ગામોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ હતી. હવે આજે આ વાવાઝોડું ઉત્તર ગુજરાત પર ત્રાટકવાની તૈયારીમાં છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ વરસી શકે છે. આજે ઉત્તર ગુજરાતના મોટાંભાગના જિલ્લાઓમાં શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. આજે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાવચેતીના પગલે જાહેરાતોના ભારે હોર્ડિંગ્સ ઉતારી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઉત્તર ગુજરાતમાં તારાજી સર્જ્યા બાદ આ વાવાઝોડું રાજસ્થાન તરફ જઈ શકે છે. આજે રાજસ્થાનના આલમસર, બૂટ, બાડમેર, સિંદરી, પટોડી અને જોધપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લેન્ડ્ફોલ થયાં બાદ આ વાવાઝોડાંની અસર ધીમી થતી જશે અને તેની ગતિ પણ ઓછી થવા લાગશે. ગુજરાતમાં તેની સૌથી વધુ અસર જોવા મળી છે. ત્યારબાદ રાજસ્થાનમાં તેની અસર થશે અને તેની સૌથી ઓછી અસર પંજાબમાં જોવા મળી શકે છે. રાજસ્થાન બાદ આ વાવાઝોડું પંજાબ તરફ કૂચ કરશે. જોકે વાવાઝોડાંના કારણે છેક દિલ્હી સુધી વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
એક નજર આજના તાપમાનના આંકડાઓ પર
આજે અમદાવાદ, ભરુચ, ડાંગ, મોરબી, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૪ ડીગ્રી જેટલું તાપમાન રહેવાની સંભાવના છે, જ્યારે વડોદરા, રાજકોટ, પોરબંદર, પાટણ, કચ્છ અને બોટાદ જિલ્લામાં ૩૫ ડીગ્રી જેટલું તાપમાન રહેવાની સંભાવના છે. આજે અરવલ્લી, દાહોદ, સુરત અને વલસાડ જિલ્લામાં ૩૬ ડીગ્રી જેટલું તાપમાન રહેશે.
આજે ભાવનગર, દ્વારકા, જૂનાગઢ અને નર્મદા જિલ્લામાં ૩૩ ડીગ્રી જેટલું તાપમાન રહેવાની સંભાવના છે,જ્યારે તાપી, મહેસાણા અને ખેડા જિલ્લામાં ૩૭ ડીગ્રી જેટલું તાપમાન રહેશે. આજે આણંદ, ગાંધીનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ૩૨ ડીગ્રી જેટલું તાપમાન રહેશે, જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં ૩૯ ડીગ્રી જેટલું તાપમાન રહેવાની સંભાવના છે.
આજે જામનગર જિલ્લામાં ૩૧ ડીગ્રી જેટલું તાપમાન રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદ રહેશે.