જાણો, કયા મંદિરમાં થયા હતા શિવ-પાર્વતીના લગ્ન, જ્યાં આજે પણ પ્રજ્વલિત છે હવનકુંડની અગ્નિ

રૂદ્રપ્રયાગમાં સ્થિત ‘ત્રિયુગી નારાયણ’ એક પવિત્ર જગ્યા છે. ઉત્તરાખંડના રૂદ્ર પ્રયાગ જિલ્લામાં સ્થિત આ મંદિર વિશેષ પૌરાણિક મહત્ત્વ ધરાવે છે. આ મંદિરની અંદર સદીઓથી અગ્નિ પ્રજ્વલિત છે. શિવ-પાર્વતીએ આ જ પવિત્ર અગ્નિને સાક્ષી માનીને લગ્ન કર્યા હતા. ત્રેતાયુગમાં યોજાયેલા શિવ-પાર્વતી વિવાહનું ત્રિયુગી નારાયણ મંદિર આજે પણ શ્રદ્ધા અને ભક્તિની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે.
માન્યતા છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ત્રિયુગીનારાયણ મંદિરથી આગળ ગૌરી કુંડ તરીકે જાણિતા સ્થળે માતા પાર્વતીએ તપસ્યા કરી હતી અને તેમની તપસ્યાથી પ્રસન્ન ભગવાન શિવે આ મંદિરમાં માતા પાર્વતી સાથે લગ્ન કર્યા હતા. કહેવાય છે કે ભગવાન કેદારનાથની યાત્રા પહેલા અહીં દર્શન કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે અને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.
મંદિરની અંદર પ્રજ્વલિત અગ્નિ કેટલાય યુગોથી આમ જ પ્રકાશિત રહે છે એટલા માટે આ સ્થળનું નામ ત્રિયુગી થઇ ગયું છે એટલે કે અગ્નિ જે ત્રણ યુગથી પ્રજ્વલિત છે. ત્રિયુગીનારાયણ હિમાવતની રાજધાની હતી. અહીં શિવ પાર્વતીના લગ્નમાં વિષ્ણુએ પાર્વતીના ભાઇના રૂપમાં તમામ રીતરિવાજોનું પાલન કર્યુ હતું. જ્યારે બ્રહ્મા આ વિવાહમાં પુરોહિત બન્યા હતા. તે સમયે તમામ સંત-ઋષિઓએ આ લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. વિવાહ સ્થળના નિયત સ્થાનને બ્રહ્મ શિલા કહેવામાં આવે છે જે મંદિરની તદ્દન સામે છે. આ મંદિરનું મહાત્મ્યનું વર્ણન પુરાણમાંથી પણ મળી આવે છે.
લગ્ન પહેલા તમામ દેવતાઓએ અહીં સ્નાન પણ કર્યુ હતું અને એટલા માટે અહીં ત્રણ કુંડ બનાવવામાં આવ્યા હતા. જેને રૂદ્ર કુંડ, વિષ્ણુ કુંડ અને બ્રહ્મા કુંડ કહેવામાં આવે છે. આ ત્રણ કુંડમાં પાણી સરસ્વતી કુંડમાંથી આવે છે. સરસ્વતી કુંડનું નિર્માણ વિષ્ણુજીની નાસિકાથી થયો હતો એટલા માટે એવી માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી નિ: સંતાનની સમસ્યાથી છૂટકારો મળે છે અને સંતાન પ્રાપ્ત થાય છે. દેશભરમાંથી કેટલાય લોકો સંતાન પ્રાપ્તિનું સુખ મેળવવા માટે આ મંદિરમાં શિવ-પાર્વતીની પૂજા-અર્ચના કરવા માટે આવે છે. માનવામાં આવે છે કે લગ્ન સમયે ભગવાન શિવને એક ગાય પણ ભેટ કરવામાં આવી હતી, આ ગાયને મંદિરમાં જ રાખવામાં આવી છે.
જે પણ શ્રદ્ધાળુ આ પવિત્ર સ્થળની મુસાફરી કરે છે તે અહીં પ્રજ્વલિત અખંડ જ્યોતની રાખ પોતાની સાથે લઇને આવે છે જેથી તેમનું લગ્ન જીવન શિવ અને પાર્વતીના આશિર્વાદથી હંમેશા મંગલમય રહે છે.વેદોમાં ઉલ્લેખ છે કે આ ત્રિયુગીનારાયણ મંદિર ત્રેતાયુગથી સ્થાપિત છે. જ્યારે કેદારનાથ તેમજ બદરીનાથ દ્વાપરયુગમાં સ્થાપિત થયું હતું. માન્યતા છે કે આ સ્થળે જ વિષ્ણુ ભગવાને વામન દેવતાનો અવતાર ધારણ કર્યો હતો.
પૌરાણિક કથા અનુસાર ઇન્દ્રાસન મેળવવા માટે રાજા બલિને સૌ યજ્ઞ કરવાના હતા, તેમાંથી બલિ રાજા 99 યજ્ઞ પૂરા કરી ચૂક્યા હતા ત્યારથી ભગવાન વિષ્ણુએ વામન અવતારને લઇને યજ્ઞ ભંગ કર્યો હતો. અહીં વિષ્ણુ ભગવાન વામન દેવતાના સ્વરૂપે પૂજવામાં આવે છે.