જલારામ બાપા નો પરચો – સત્ય ઘટના મવાલી ના હાથ માંથી સાક્ષાત જલારામબાપા આવી હાથ છોડાવ્યો

Posted by

આ દુનિયામાં ભગવાનની બક્ષિસ એવી ઘણી વસ્તુ આપણે દેખાતી નથી. પણ આપણી સાથે જ હોય છે, જેમ કે, હવા, વાતાવરણ અને લાગણી. આ બધુ આપણે જોઈ તો નથી શકતા પરંતુ એ દરેક સમયે આપણી સાથે જ હોય છે. આ રીતે ભગવાન પણ કોઈને કોઈ રૂપમાં આપણી સાથે જ હોય છે, એ પણ સત્ય છે. જરૂર છે તો માત્રને માત્ર તેને સમજવાની અને મહેસુસ કરવાની.

કદાચ જ કોઈ વ્યક્તિ એવો હશે, જે વિરપુર જલારામ મંદિર વિશે નહીં જાણતો હોય, કે જ્યાં લાખો લોકોને દરરોજ કોઈપણ પ્રકારનું દાન સ્વીકાર્ય વગર જ પ્રસાદ આપવામાં આવે છે. અને દુનિયાના દરેક ખૂણામાં તમને જલારામ ભક્ત જરૂર મળી રહેશે.જલારામ બાપાનો હાથ જે વ્યક્તિ પર હોય તેના પર ક્યારેય સંકટ ના આવી શકે.

આજે એક એવી જ સત્ય ઘટના વિશે અમને તમને જણાવવાના છીએ, જે એ વાતની સાબિતી છે, કે જલારામ બાપા તેમના ભક્તોને કોઈને કોઈ સ્વરૂપમાં દર્શન આપી દે છે, અને તેમની દરેક મુશ્કેલીઓને દૂર કરે છે, અને સંકટમાંથી ઉગારી લે છે. જરૂર છે તો ફક્ત તેમણે મનથી યાદ કરવાની, અને તેમના પર શ્રધ્ધા રાખવાની. પોતાની કૃપા દ્રષ્ટિમાં જલારામ બાપાએ દરેક વ્યક્તિ પર વરસાવી છે પછી એ ભારતીય હોય કે વિદેશી હોય. દરેક વ્યક્તિ પર જલારામ બાપા સદાય કૃપા વરસાવે છે.

ભારતનો જ એક વ્યક્તિ કે જે ગુજરાતી હતો. એ લંડનની એક કંપનીમાં કામ કરતો હતો. ગુજરાતી એ વ્યક્તિ ખૂબ જ ધાર્મિક હતો અને જલારામ બાપામાં અતૂટ શ્રધ્ધા ધરાવતો હતો. દરરોજ તે પોતાના નિત્યક્રમ મુજબ ઓફિસ જાય ત્યારે તેના ટેબલ પર તે કોઈપણ કામ શરૂ કરતાં પહેલા જલારામ બાપાના ફોટાને નમસ્કાર કરે, તેમણે પ્રાર્થના કરે અને ત્યારબાદ જ પોતાનું રોજીંદુ ઓફિસ કામ શરૂ કરે.

તેના આ રોજિંદા જલારામ બાપાને પ્રાર્થના કરવાના નિત્યક્રમને જોઈને ત્યાના ધોળિયા માણસો તેની ખૂબ જ મજાક ઉડાવે, અને મસ્તી કરે અને કહે કે આ ફોટાને રોજ નમન કરવા કરતાં એટલો સમય કામમાં ધ્યાન આપશે તો ઘણો આગળ નીકળી જશે. સાથે જ ચીડવતા કે આ તારો ફોટાવાળો બાપો શું કરી શકે? ત્યારે એ ગુજરાતીએ ખૂબ જ સરસ જવાબ આપ્યો કે આ બાપો શું કરી શકે એ તો ખબર નથી, પણ મુસીબતના સમયમાં જ્યારે કોઈ સાથે ના આપે ત્યારે સાથ જરૂર આપી શકે છે.

આ વાતને થોડો સમય જ થયો હશે ત્યાં કંપનીનું કામ એકદમ ડાઉન થવા લાગ્યું અને કંપનીને મળતા ઓર્ડર પણ ઓછા થયા અને જે ઓર્ડર હતા એ પણ રદ થવા લાગ્યા. જે કંપની પૂરજોશમાં આગળ વધી રહી હતી તે અચાનક જ બંધ થવાની અણી પર આવી ગઈ. અને આખરે એ કંપનીને બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી અને કંપની બંધ થઈ ગઈ.ત્યારે આ સમયે પેલા ગુજરાતી વ્યક્તિએ પોતાના શેઠને જઈને કહ્યું કે, “મને લાગે છે કે આપણે એકવાર જલારામ બાપાને પ્રાર્થના કરવી જોઈએ.

સવાલ એ નથી કે તમને જલારામ બાપામાં શ્રધ્ધા છે કે નહીં પરંતુ જો કંપની બંધ રહેશે તો આ કંપનીમાં જે લોકો પોતાની રોજીરોટી માટે કામ કરે છે તેઓના ઘરોમાં રોજીરોટી કમાવવા માટે સંકટ સર્જાશે અને તેમનો પરિવાર મુસીબતમાં મુકાશે.”બધાને આ ગુજરાતીની વાતે પ્રભાવિત કર્યા અને તેઓ બધા એકઠા થઈને જલારામ બાપાને પ્રાર્થના કરી. આ વાતને થોડો સમય જ વિત્યો હશે અને કંપની ફરીથી બેઠી થઈ ગઈ અને પહેલાની જેમ જ ચાલવા લાગી.

રદ થયેલા ઓર્ડર પણ ફરીથી આવવા લાગ્યા અને એ સિવાય પણ બીજા ઘણા નવા ઓર્ડર પણ મળ્યા. કંપની પહેલા કરતાં પણ વધારે સારી રીતે ચાલવા લાગી.આ બધુ જોઈને તેના શેઠને સમજાઈ તો ગયું જ કે આ બધુ પેલા ફોટાવાળા જલારામ બાપાને લીધે જ થયું છે. શેઠે એ ગુજરાતીને બોલાવીને કહ્યું કે, આ કામ કરી આપવા માટે એ જલારામ બાપાને કેટલા પાઉન્ડ આપવાના રહેશે? તો ગુજરાતી એ હસતાં હસતાં કહ્યું કે તમારે આ માટે કોઈ પાઉન્ડ ચૂકવવાના નથી.

બસ તમે માત્ર ભારતના ગુજરાત રાજયમાં આવેલ વિરપુર ગામમાં તેમના મંદિરે જઈને એક શ્રીફળ વધારવાની જ જરૂર છે.કંપનીનું કામ દિવસે ને દિવસે વધતું જતું હતું અને આ કામકાજમાં શેઠ એ પોતાની માનતા વિશે તો ભૂલી જ ગયા હતા. ગુજરાતી વ્યક્તિ એ તેને યાદ અપાવ્યું કે તમારે આ માનતા પૂરી કરવાની છે. ત્યારે શેઠે જવાબ આપ્યો કે મારી પાસે અત્યારે સમય નથી.

આપણે એ બાબત પર પછી ક્યારેય વાત કરીશું. સાચી જ વાત છે કે જ્યારે તકલીફ હોય ત્યારે જ ભગવાન યાદ આવે છે બાકી તો ધન, દૌલત અને પૈસા આવી જાય એટલે ભગવાન યાદ આવતા નથી.થોડા સમય બાદ શેઠને પોતાની માનતા વિશે અચાનક જ યાદ આવ્યું અને તેને ગુજરાતી વ્યક્તિને બોલાવીને પૂછ્યું, કે આ માનતા મારી જગ્યાએ બીજું કોઈ જઈને પૂરી કરી આવે તો ના ચાલે? આમ પણ મારી દિકરીને ભારત ફરવા જવાની ઈચ્છા છે, તો સાથે સાથે માનતા પણ પૂરી કરી આવશે. પેલા ગુજરાતી વ્યક્તિ એ હા પડી.

એટલે શેઠે પોતાની દિકરીને ભારત ફરવા અને સાથે સાથે માનતા પૂરી કરવા માટે મોકલી આપી.શેઠની દીકરી રાજકોટ શહેર પહોચે છે અને ત્યાંથી બસ મારફતે વેરાવળની બસમાં વિરપુર આવવા નીકળે છે. થાકેલી હોવાને લીધે તે વિરપુર આવ્યું ત્યારે તેની ઊંચ ઊડી નહીં અને સીધું જ જ્યારે વેરાવળ આવ્યું ત્યારે તેની આંખ ખૂલી ત્યારે બસમાંથી ઉતારી તો તેણે ખ્યાલ આવ્યો કે તે આગળ નીકળી ગઈ છે એટલે તે ફરી વિરપુર જવા માટે બીજી બસમાં બેસી ગઈ.વેરાવળથી બેસીને એ દિકરી વહેલી સવારે 4 વાગ્યે વિરપુરના બસ સ્ટેશન માં ઉતરી.

હવે પોતાને મંદિર વિશે જાણકારી નહીં હોવાથી તેણે બસમાંથી ઉતરી ને એક મવાલી જેવા વ્યક્તિને ઇંગ્લિશમાં પૂછ્યું કે મારે જલારામ બાપાના મંદિરે જવું છે. ખૂબ જ સુંદર દેખાતી આ યુવતીને જોઈને પેલા વ્યક્તિની દાનતમાં ખોટ આવી અને મનમાં કઈક અલગ જ વિચારો આવવા લાગ્યા, તે સમજી ગયો કે આ છોકરી અજાણી છે.એ વ્યક્તિ એ દિકરીને કહ્યું કે ચાલો હું તમને મંદિર સુધી મૂકી જાય એમ કહી તે આગળ ચાલતો થયો અને છોકરી પણ જ્યાં તેની પાછળ ચાલવા જતી હતી ત્યાં જ પાછળથી એક વૃધ્ધ વ્યક્તિએ તેનો હાથ પકડી લીધો અને પેલા મવાલી જેવા વ્યક્તિ સાથે ના જવા માટે ઇશારાથી કહ્યું.

એટલે દિકરી સમજી ગઈ કે દાદા મને પેલા વ્યક્તિ સાથે જવાની ના પાડે છે એટલે એ વ્યક્તિ સાથે જવું હિતાવહ નથી અને દાદા શું કહેવા માંગે છે તે સમજી ગઈ.ત્યારબાદ દિકરી એ દાદાનો હાથ પકડીને તેમની સાથે ચાલવા લાગી. એ દાદા સીતારામ સીતારામ બોલતા બોલતા ચાલતા જતાં હતા અને દિકરી તેમની સાથે સાથે ચાલતી હતી. થોડો સમય ચાલ્યા પછી જે ગલીમાં જલારામ બાપાનું મંદિર છે ત્યાં પહોચીને દાદાએ આંગળી ચીંધીને કહ્યું કે તારે જે મંદિરે જવું છે તે આ છે.મંદિરમાં જઈને દિકરીએ કોઈને જગાડે છે અને બધી વાત કરે છે હું આવી રીતે લંડન થી આવું છુ અને મારે માનતા પૂરી કરવાની છે એટલે તરત જ તેના રહેવા માટે કોઈ ગેસ્ટ હાઉસ માં રહેવા માટેની વ્યવસ્થા કરી દેવામાં આવે છે. વાત તમને કહેવા માંગીએ છીએ તે હવે શરૂ થાય છે.

જ્યારે બીજા દિવસે સવારે એ દિકરી શ્રીફળ, સાકર અને અગરબતી લઈને મંદિરમાં જાય છે અને મંદિરમાં જ્યારે પોતાના પિતાની માનતા પૂરી કરવા માટે અંદર જઈને જલારામ બાપાના ફોટા સામે ઊભી રહે છે અને ત્યાના પૂજારીને કહે છે કે, “મારે આ ફોટામાં રહેલા વ્યક્તિને મળવું છે”.

ત્યારે પૂજારી કહે છે કે તમે જેને મળવાની વાત કરો છો તેણે દેવ થઈ ગયાને વર્ષો થઈ ગયા છે અને તેઓ પરમાત્માનું એક સ્વરૂપ છે.આટલું સાંભળતા જ દિકરીના હાથમાંથી પૂજાની થાળી પડી જાય છે અને કહે છે કે એવું કઈ રીતે બની શકે? આ દાદાને તો હું કાલે રાતે જ મળી હતી અને તેઓ જ મને એક મવાલીથી બચાવીને મંદિર સુધી મૂકી ગયા હતા.આ એ જલારામ બાપા છે જે ફક્ત દેશ ની જ નહીં વિદેશની દિકરીઓ આબરૂ બચાવવા માટે પણ આજની તારીખે અવતાર લે છે, બસ દરેક વ્યક્તિને તેનામાં શ્રધ્ધા હોવી જોઈએ. એકવાર જલારામ બાપા પર શ્રધ્ધા રાખી તો જુઓ જીવનના દરેક સમયે તમારી સાથે રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *