મુસ્તફા લાકડાવાલા, રાજકોટ: રાજકોટનું ઈમિટેશન માર્કેટ દેશના સૌથી મોટા ઈમિટેશન હબ તરીકે જાણીતું છે. રાજકોટની ઈમિટેશનની ડિઝાઈન જેવી ડિઝાઈન તમને આખા ભારત દેશમાં મળતી નથી. કારણ કે ઈમિટેશન જ્વેલરીની ડિઝાઈન જ આપણી સૌથી મોટી શાન છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે ડ્રીમ પ્રોજેક્ટ હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરવા માટે આવી રહ્યાં છે. ત્યારે રાજકોટના ઈમિટેશનના જાણીતા નિષ્ણાંત કારીગરો દ્વારા એક અમૂલ્ય ભેટ તૈયાર કરવામાં આવી છે. જે ભેટ આપણા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ પીએમ મોદીને આપશે.
પીએમ મોદી આવતીકાલે હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરવા માટે આવી રહ્યાં છે.ત્યારે પીએમ મોદી માટે ઈમિટેશન માર્કેટના નિષ્ણાંત 30 કારિગરોએ 30 કલાકમાં એક ખાસ વિમાન ઈમિટેશનમાંથી બનાવ્યું છે. આ ખાસ વિમાન ઈમિટેશન એસોસિયેશનના કમિટી મેમ્બર આજે સાંજે કલેક્ટર અરૂણ બાબુને આપશે.
સીએમ ભુપેન્દ્ર પટેલ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન સમારોહમાં આપણા લોક લાડીલા PM નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ હીરા જડિત વિમાન ભેટ સ્વરૂપે આપવાના છે. આ સાથે રાજકોટ ઇમિટેશન જ્વેલરી એસોસિએશનની ખૂબ લાંબા સમયથી કરેલ ઈમિટેશન જ્વેલરી પાર્ક માટેની માગણી વહેલી તકે પૂર્ણ કરવા CM તથા PM સાહેબને વિનતી કરવા માટે અપીલ કરવામાં આવશે.
ઈમિટેશન એસોસિએશન કમિટિના મેમ્બર નરેન્દ્રભાઈ મહેતાએ જણાવ્યુ હતુ કે, અમે આર્ટિફિશિયલ જ્વેલરી બનાવીએ છીએ. એ જ રીતે આ વિમાન તૈયાર કરવામાં આવ્યું છે. ઈમિટેશન પાર્ટ્સનો યુઝ કરી તેમા હીરા જડવાની સાથોસાથ આ વિમાનમાં મીણો પુરવામાં આવ્યો છે. આ વિમાન આજે કલેક્ટર સાહેબને સોંપવામાં આવશે.
નરેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યુ હતુ કે, ઈમિટેશન કમિટિના સભ્યો કાલે પીએમ મોદીની સભામાં હાજરી આપશે.પીએમ મોદી રાજકોટના મહેમાન બની રહ્યાં છે. ત્યારે આ ક્ષણ સમગ્ર રાજકોટ માટે ખુબ જ ગૌરવની છે. પીએમ મોદીની સભામાં આજુ બાજુના ગામના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહેશે.
પીએમ મોદી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 5 હજારથી વધુ વેપારીઓને હિરાસર એરપોર્ટની અમૂલ્ય ભેટ આપવા જઈ રહ્યાં છે.કારણ કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 5 હજારથી વધુ વેપાર-ઉદ્યોગને નવી પાંખ મળવા જઈ રહી છે. પેસેન્જર્સના વિદેશ આવાગમનથી ટ્રાન્સપોર્ટેશન, હોટેલ અને ફૂડ વ્યવસાયને બુસ્ટર ડોઝ મળશે. રાજકોટમાં કોર્પોરેટ ઓફિસ સ્થપાશે. MSME સહિતના ઉદ્યોગોને ફાયદો થશે અને વિદેશ વેપાર વધશે. સાથોસાથ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ફ્રીક્વન્સી વધશે અને સામાજિક, સાંસ્કૃતિક સમન્વય સાથે પર્યટનને વેગ મળશે.