હવે નવું ઇ-સ્કૂટર ખરીદવાની જરૂર નહીં!! જૂનું પેટ્રોલ સ્કૂટર જ ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ થઈ જશે, ખર્ચ કેટલો થશે જાણી લો

ઇલેક્ટ્રિક વ્હીકલ્સની માગ વધી રહી છે અને નવી નવી કંપનીઓ પણ માર્કેટમાં પોતાનાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ લોન્ચ કરી રહી છે. પેટ્રોલના ભાવવધારાને જોઇને હવે લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનું વિચારી રહ્યા છે. પરંતુ અહીં લોકોની આ વિચારધારા પર પૂર્ણવિરામ મૂકી રહ્યું છે ઇલેક્ટ્રિક વ્હીકલનો ભાવ. સરકાર દ્વારા સબસિડી આપવા છતાં ઇલેક્ટ્રિક વ્હીકલ સામાન્ય માણસ ખરીદી શકે એમ નથી. આના માટે લોકોને લોન લેવાનું વિચારવું પડી રહ્યું છે. પરંતુ જો તમે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવાનો મોહ ધરાવતા હો પણ નાણાકીય રીતે સક્ષમ ન હો તો ચિંતા કરવાની જરૂર નથી. બેંગલુરુ સ્થિત કેટલાક સ્ટાર્ટઅપ્સે પેટ્રોલ સ્કૂટરને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવાનું શરૂ કર્યું છે. એટલે કે, હવે તમારે નવું ઈ-સ્કૂટર ખરીદવાની જરૂર નથી.
રાઈડ-શેરિંગ સ્ટાર્ટઅપ કંપની બાઉન્સે બેંગલુરુમાં આવી જ એક સ્કીમ શરૂ કરી છે. કંપની ઇલેક્ટ્રિક મોટર અને બેટરી લગાવીને કોઈપણ પેટ્રોલ એન્જિન સ્કૂટરને ઇલેક્ટ્રિક સ્કૂટરમાં કન્વર્ટ કરે છે. આ માટે કંપની માત્ર 20 હજાર રૂપિયા લે છે. બાઉન્સે અત્યાર સુધીમાં એક હજારથી વધુ જૂનાં સ્કૂટરને ઇલેક્ટ્રિક સ્કૂટરમાં કન્વર્ટ કર્યાં છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, કંપની જૂનાં સ્કૂટરમાં રેટ્રોફિટ કીટ લગાવે છે, જેમાં ઇલેક્ટ્રિક મોટર અને બેટરીનો સમાવેશ થાય છે. સ્કૂટરમાં જે બેટરી કીટ લગાવવામાં આવી છે. તે સિંગલ ચાર્જ પર 65 કિમી સુધી ચાલે છે. આ કિટ ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા સર્ટિફાઇડ છે.
સ્કૂટર માલિકો માટે સર્વિસ સેન્ટર પણ ખોલવામાં આવી રહ્યાં છે
બાઉન્સના કો-ફાઉન્ડર વિવેકાનંદ હલ્લેકરે જણાવ્યું કે, કંપનીએ પાયલટ પ્રોજેક્ટ તરીકે જૂનાં ટ્રેડિશનલ સ્કૂટરને ઇલેક્ટ્રિક સ્કૂટરમાં કન્વર્ટ કરવાનું શરૂ કર્યું હતું. પછીથી તેને સમજાયું કે પેટ્રોલ સ્કૂટરને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવા માટે એક મોટું માર્કેટ સાબિત થઈ શકે છે. તેમની કંપની આ સ્કૂટરના માલિકો માટે સર્વિસ સેન્ટર પણ ખોલી રહી છે. બાઉન્સ બાદ હવે અન્ય કંપનીઓએ પણ આ કામ શરૂ કર્યું છે, જેમાં Etrio અને Meladath ઓટો કમ્પોનન્ટ સામેલ છે.
Meladath તો એવી સરળ હાઇબ્રિડ કીટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે, જેનાથી કોઇપણ જૂના પેટ્રોલ સ્કૂટરને સરળતાથી ઇલેક્ટ્રિક હાઇબ્રિડ સ્કૂટરમાં કન્વર્ટ કરી શકાય છે. એટલે કે, જો જરૂરી હોય તો આ સ્કૂટર પેટ્રોલ અથવા ઇલેક્ટ્રિક કોઈપણ મોડમાં ચલાવી શકાશે. Meladath આના માટે 40 હજાર રૂપિયા સુધી ચાર્જ કરશે.
સરકાર તરફથી કેટલી સબસિડી મળશે?
અલ્ટીયસ ઓટો સોલ્યુશન કંપનીના ફાઉન્ડર રાજીવ અરોરાએ જણાવ્યું કે, ઇલેક્ટ્રિક વાહનોમાં વપરાતી લિથિયમ બેટરીની કિંમત પ્રતિ કિલોવોટ 13 થી 15 હજાર સુધીની હોય છે. તેમજ, સરકાર પ્રતિ કિલોવોટ 15,000 રૂપિયા સુધીની સબસિડી આપી રહી છે. તેનાથી કિલોવોટ દીઠ 2,000 રૂપિયાની બચત થાય છે. આ રીતે, વાહનમાં વપરાતા અન્ય પાર્ટ્સનો ખર્ચ ઓછો થઈ જાય છે.
એક ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવવામાં કેટલો ખર્ચ થશે?
રાજીવે જણાવ્યું કે ઈ-સ્કૂટર તૈયાર કરવા માટે લગભગ 30 થી 45 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. આ તફાવત એટલા માટે છે કે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરમાં વિવિધ પ્રકારની મોટર્સનો ઉપયોગ થાય છે. સ્કૂટર બનાવવામાં સૌથી મોટો ખર્ચ તેની મોટરનો છે. હાલમાં બે પ્રકારની મોટર્સનો ઉપયોગ થઈ રહ્યો છે. મોટરની ક્વોલિટીના આધારે સ્કૂટરની કિંમત બદલાય છે.
હબ મોટર: તેનો ઉપયોગ ગાડીની વ્હીલની અંદર કરવામાં આવે છે. તેની કિંમત વધારે નથી, તે 20 હજારની આસપાસ છે.
મિડ ડ્રાઇવ મોટર: તે ગાડીના સેન્ટરમાં લગાવવામાં આવે છે. ગાડીને ચેન અથવા બેલ્ટની મદદથી ડ્રાઇવ કરે છે. આ મોટર થોડી મોંઘી હોય છે.